રાફેલ દસ્તાવેજો ચોરાયાઃ નરો વા કુંજરો વા!

Wednesday 13th March 2019 06:28 EDT
 

ભારત દ્વારા સોદો કરાયેલા રાફેલ લડાયક વિમાનની આસપાસ વિવાદ અને રહસ્યના જાળાં વધી રહ્યાં છે. ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ વિમાન ખરીદવાના ભારત સરકારના નિર્ણયમાં શંકાનો કોઈ પ્રશ્ન જ ન હોવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ‘કેગ’ રિપોર્ટ બાબતે કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનો વિવાદ સર્જાતા સરકારે માહિતીનું અર્થઘટન ખોટું થયાનું જણાવી ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની અરજી કરવાથી વિવાદ વકર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે ખુદના ચૂકાદાની સમીક્ષા કરવા તૈયારી દર્શાવી હતી. આની સુનાવણીમાં ભારતના એટર્ની જનરલ (એજી) કે.કે. વેણુગોપાલે સોદા સંબંધિત દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ ગયા હોવાની રજૂઆત કરતા સનસનાટી મચી હતી.
હકીકત એ છે કે કોર્ટે આ મુદ્દે જાહેર હિતની અરજીઓ ફગાવી દીધા બાદ આ દસ્તાવેજોના આધારે જ યશવંત સિંહા, અરુણ શૌરી અને એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા સુપ્રીમના ચૂકાદાની સમીક્ષા માગતી ચાર પિટિશન્સ કરાઇ છે. જે યુદ્ધ વિમાનો ભારત માટે અતિ મહત્ત્વના ગણાવાય છે તેની સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજોની ચોરી દેશના સંરક્ષણ અને સલામતી માટે મોટો મુદ્દો ખડો કરે છે. ખુદ ન્યાયપીઠે અતિ ગુપ્ત દસ્તાવેજો ચોરાવા મુદ્દે શા પગલાં લેવાયાં છે તેનું સ્પષ્ટીકરણ માગતા વેણુગોપાલ સલવાઈ ગયા હતા. આવો હોબાળો સર્જાતા જ એટર્ની જનરલે વાત વાળી લેવાની કોશિશ કરતા એવી રજૂઆત કરી હતી કે દસ્તાવેજો તો સલામત છે, પરંતુ અરજીઓમાં ફોટોકોપીઝ ઉપયોગમાં લેવાઈ છે.
રાષ્ટ્રીય અખબાર ‘ધ હિન્દુ’માં પ્રકાશિત કેટલાક લેખોમાં આ ગુપ્ત દસ્તાવેજોની સામગ્રીનો ઉપયોગ થયાનું મનાય છે અને આ મુદ્દે આંતરિક તપાસ ચાલી રહી હોવાની સ્પષ્ટતા પણ સરકારે કરવી પડી છે. ભારતીય વાયુદળમાં રાફેલ જેવા લડાયક વિમાનની અગત્યતા નકારી શકાય નહીં, પરંતુ આ કારણસર કે અન્ય કારણસર એટર્ની જનરલને ખોટી રજૂઆત થકી સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પરવાનો મળતો નથી. સુપ્રીમ કોર્ટ બંધારણીય સંસ્થા છે અને તેની સમક્ષ સરકારના પ્રતિનિધિ સમાન અતિ વિશ્વસનીય અને સર્વોચ્ચ કાનૂની અધિકારી કોર્ટની અવમાનના સમાન ‘અભી બોલા, અભી ફોક’ જેવું વર્તન કરે તે કેટલા અંશે યોગ્ય ગણાય?


comments powered by Disqus