નવી દિલ્હીઃ રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનવિવાદ કેસનો ઉકેલ મધ્યસ્થી દ્વારા લાવી શકાય તે માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે બુધવારે આ મુદ્દે તમામ પક્ષકારો સાથે ચર્ચા કરીને તેમની રજૂઆત સાંભળીને ચુકાદો મુલત્વી રાખ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનાં નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, આ કેસ ફક્ત જમીનવિવાદ સાથે જ નહીં પરંતુ લાગણીઓ અને આસ્થા સાથે પણ સંકળાયેલો છે. આથી તેનો ઉકેલ મધ્યસ્થતા દ્વારા આવે તે હિતાવહ છે. આ પછી કોર્ટે પક્ષકારોને મધ્યસ્થતા માટે તેમની પસંદગીની વ્યક્તિઓના નામ સૂચવવા સમય આપ્યો હતો. આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની સમિતિના નામ જાહેર કર્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ કલિફુલ્લા, વરિષ્ઠ કાનૂનવિદ્ શ્રીરામ પાંચુ અને જાણીતા ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં પક્ષકારો એવા હિંદુ મહાસભા અને રામલલ્લા વિરાજમાનના વકીલોએ મધ્યસ્થતા અને સમાધાનના પ્રયાસોનો વિરોધ કર્યો હતો જ્યારે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા સહિતના અન્ય મુસ્લિમ પક્ષકારોએ સમાધાનકારી વલણ માટે સંમતિ વ્યક્ત કરી હતી.
ચીફ જસ્ટિસના નેતૃત્વમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. એ. નઝીરનો સમાવેશ કરતી બંધારણી બેન્ચે અગાઉ આ કેસ સાથે સકળાયેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓની રજૂઆતો સાંભળી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, આ ફક્ત પ્રોપર્ટી અંગેનો મામલો નથી, પરંતુ જો સંભવિત હોય તો તે મન, હૃદય અને ભાવનાનો મામલો છે. અમને આ વાત સાથે કોઈ લેવાદેવા નથી કે બાબરે શું કર્યું? અને ત્યારબાદ શું થયું? અમે તો અત્યારે શું સ્થિતિ છે તેના પર વિચારણા કરી શકીએ છીએ.
આ પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તમામ પક્ષકારોને જણાવ્યું હતું કે, અમે આ મામલાનો ઝડપથી ચુકાદો આપવા માગીએ છીએ તેથી તમામ પક્ષકારો આજે જ મધ્યસ્થીઓનાં નામ સૂચવે. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલામાં મધ્યસ્થી અને સમાધાન દ્વારા કોઈ ઉકેલ આવી શકે કે કેમ તે અંગે વિચારણા કરી રહી છે. આમ સુપ્રીમ કોર્ટે ખટલો લડી રહેલા પક્ષકારોને દાયકાઓ જૂના વિવાદનો મધ્યસ્થી દ્વારા ઉકેલ આવી શકે છે કે કેમ તેની ચકાસણી કરવા જણાવ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે, મધ્યસ્થી દ્વારા કેસના ઉકેલથી સંબંધો ફરી એક વાર સારા બની શકે છે.

