સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એનર્જી વપરાશમાં વધારો થયાનું પાંચમા ભાગના ગ્રાહકો માનતા હોવાનું Whichના અભ્યાસમાં જણાયું હતું. તેમાંના અડધા ભાગ કરતાં વધુ ગ્રાહકોને સપ્લાયર બદલતાં મીટરો કામ કરતા બંધ થઈ ગયાં હોવાનું જણાયું હતું. યુકેમાં ૧૩.૫ મિલિયનથી વધુ મીટરો લગાવવામાં આવ્યા હતા.
• એડ કેમ્પેન દ્વારા ઈયુ નાગરિકોને બ્રિટનમાં રહેવા અનુરોધ કરાશે
બ્રેક્ઝિટ પછી યુરોપિયન યુનિયન (ઈયુ)ના લોકોને બ્રિટનમાં તેમનું સ્ટેટસ સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા મિનિસ્ટર્સ દ્વારા આગામી અઠવાડિયાઓમાં ૩.૫ મિલિયન પાઉન્ડના એડવર્ટાઈઝિંગ કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવશે. બ્રિટનમાં લગભગ ૩.૭ મિલિયન ઈયુ નાગરિકો રહે છે અને ખાસ કરીને જે વિસ્તારોમાં તેમની સંખ્યા વધુ છે ત્યાં ઈન્ફર્મેશન કેમ્પેન પર ભાર મૂકવામાં આવશે.
• બ્રિટનમાં લાખો લોકોને ઈમેઈલ કરતા આવડતું નથી
બ્રિટનમાં દસમાંથી એક વયસ્કે ક્યારેય ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. હવે વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી તેઓ આ સેવાઓનો લાભ મેળવી શકતા નથી. ગયા વર્ષે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વેમાં ૫.૩ મિલિયન વયસ્કોએ ક્યારેય ઓનલાઈન ન થયા હોવાનું અને ત્રણ મહિના કરતાં વધુ સમય અગાઉ ઈન્ટરનેટનો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
• લંચ લીધા બાદ થોડી ઉંઘ લાભકારક
હાઈ બ્લડ પ્રેશર હોવાનું જાણ્યા બાદ ઓછું ડ્રિંક લેવું અને સારું ખાવું જોઈએ તેના વિશેનું પ્રવચન આધેડ વયના લાખો બ્રિટિશર્સ માટે સામાન્ય વાત છે. હવે ગ્રીક ડોક્ટરોએ લંચ લીધા પછી બપોરે ઝોકું ખાઈ લેવાની ખૂબ મજાની સલાહ આપી છે. બપોરે ભોજન બાદ નિયમિતપણે ઉંઘ લેવાથી કેટલીક દવાઓથી ઘટે તેટલું જ બ્લડ પ્રેશર ઘટી જાય છે.
• કારકિર્દી ઘડવાને બદલે સંતાનો પેદા કરવાની શીખ
સ્લાઉના મદ્રેસામાં ભણાવવામાં આવતા એક પાઠમાં સૂચવાયું હતું કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કારકિર્દી ઘડવાને બદલે સંતાનો પેદા કરવા જોઈએ. આ મદ્રેસાની સેકન્ડરી સ્કૂલ તરીકેની માન્યતા રદ કરી દેવાઈ હતી. લેંગલી એકેડેમીએ સન્ડે સ્કૂલ ક્લાસીસમાં ‘ઈસ્લામહૂડ’ને પ્રોત્સાહન આપતા અલ-મિફ્તાહ ઈન્સ્ટિટ્યુશન સાથેનો કરાર રદ કરી દીધો હતો.
• ગાયોને અંતિમ વિદાય આપવા કતલખાના સાથે કરાર
વેગન એક્ટિવિસ્ટ્સે કતલખાને જતી ગાયોને તેમના કાનમાં ‘ વી લવ યુ, વી આર સોરી’ કહીને અંતિમ વિદાય આપવા માટે કતલખાના સાથે કરાર કર્યા હતા. લેસ્ટરશાયર એનિમલ સેવ મેલ્ટન માઉબ્રેમાં મહિનામાં એક વખત માર્ગ પર આ પ્રવૃત્તિ હાથ ધરે છે. ગાયો ફોયલ ફૂડ ગ્રૂપ દ્વારા ચાલતા કતલખાને પહોંચે તે પહેલા તેમના કાનમાં આ શબ્દો કહે છે. ૨૦૧૫માં સ્થાપનાથી અત્યાર સુધીમાં આવી ૩૫ વિધિ યોજી છે. તેઓ ‘યોર ટેસ્ટ = ધેર ડેથ’ જેવા બેનરો લઈને ઉભા રહે છે.
• શ્વેત છોકરાઓને વધારાની મદદની જરૂર
વર્કિંગ ક્લાસના કેટલાંક શ્વેત છોકરાં સહવિદ્યાર્થીઓ કરતાં એટલાં બધાં પાછળ હોય છે કે તેમની વિચરતા સમાજના બાળકો અને વિકલાંગ બાળકો જેવી ખાસ કાળજી લેવી જરૂરી છે તેમ ઈક્વાલિટીઝ એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા જણાવાયું હતું.
• ઓક્સફર્ડ કોલેજના મેનુમાં હલાલ પર પ્રતિબંધ મૂકાશે
તાજેતરમાં પોતાના ફ્રેશર્સ વેલકમ ડીનરના મેનુમાંથી ઓક્ટોપસની રેસિપી કાઢી નાખનાર ઓક્સફર્ડ કોલેજ દ્વારા હવે પ્રાણીઓના કલ્યાણની ચિંતા વ્યક્ત કરીને હલાલ અને કોશર મીટ પર પ્રતિબંધની તરફેણમાં વોટિંગ કરાયું હતું. સમરવિલે ખાતેના વિદ્યાર્થીઓએ હોલમાં અલગ અલગ ગ્રૂપના લોકો વધુ ખાઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધની તરફેણ કરી હતી.
• PNBની યુકે સબસિડીયરી છેતરપિંડીનો કેસ હારી ગઈ
PNBની યુકે સબસિડીયરી હાઈકોર્ટમાં £૪૧.૬ મિલિયનની જંગી રકમનો છેતરપિંડીનો કેસ હારી ગઈ હતી. જજે બેંક પાસેથી લોન લેનારા નવ વ્યક્તિઓ સામે ગેરમાર્ગે દોરતો ખોટો ક્લેઈમ કરવા માટે બેંકની ઝાટકણી કાઢી હતી. ચીફ માસ્ટર માર્શે ચૂકાદો આપ્યો હતો કે આ કેસ કરવા માટે યુકે યોગ્ય ન્યાયક્ષેત્ર નથી. આથી બેંક યુકેમાં નવ પ્રતિવાદીઓ સામે કોઈ ક્લેઈમ કરી શકશે નહીં. યુકેમાં સાત બ્રાન્ચ ધરાવતી પીએનબી (ઈન્ટરનેશનલ)એ ચેન્નાઈમાં રહેતા પાંચ ભારતીયો, અમેરિકામાં રહેતા એક અમેરિકન અને ત્રણ કંપનીઓ સામે કેસ કર્યો હતો.
