મંગળવાર તા.૫ માર્ચ ૨૦૧૯ની સાંજે જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીરની જન્મજયંતિ (ચૈત્ર સુદ તેરસ, ૧૭ એપ્રિલ ૨૦૧૯)નિમિત્તે શાનદાર ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં ૩૦ જેટલી જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના નેતૃત્વ હેઠળની જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે હેરો વેસ્ટના એમ.પી અને ઓલ જૈન પાર્ટી પાર્લામેન્ટરી ગૃપનું અધ્યક્ષ પદ શોભાવતા શ્રી ગેરેથ થોમસે સૌનું સ્વાગત કર્યું હતું.
એમ.પી. ગેરેથ થોમસ અને બ્રેન્ટ હેરોના જી.એલ.એ મેમ્બર શ્રી નવીનભાઇ શાહે અગામી ૨૦૨૧ની વસ્તી ગણત્રીમાં જૈન ટીક બોક્સની પીટીશન લોન્ચ કરી હતી જેને GLAની બધી જ પાર્ટી અને બધા જ મુખ્ય ધર્મોનો સાથ મળ્યો હતો.
હેરો ઇસ્ટના એમ.પી. અને ડેપ્યુટી ચેર શ્રી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ કેબીનેટ ઓફિસમાં મળ્યું હતું અને મિનિસ્ટરો સાથેની મુલાકાત તેઓ ચાલુ રાખી જૈનોને પબ્લીક સર્વિસ પોલીસી અને ફંડીંગમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટેની એમણે બાઁહેધરી આપી હતી. આ ઝૂંબેશને લોર્ડ નવનીતભાઇ ધોળકીયાએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને મિનિસ્ટર ઓફ ફેઇથ લોર્ડ બોર્ને સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, "અમારા ડીપાર્ટમેન્ટે રીમેમ્બરન્સ સન્ડેના સેનોટેફમાં જૈનોને સ્થાન મળે એ માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.”
ત્યારબાદ એમણે ૨૦૧૯ના"વન જૈન લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ" વિજેતા તરીકે પાંચ દાયકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે જૈન સમાજને સેવા સાદર કરનાર ડો. હર્ષદ સંઘરાજકા MBEનું નામ જાહેર કરતા સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ડો. સંઘરાજકાનો પરિચય રજુ કરતા નવનાત વણિક એસોસિએશનના પ્રમુખ શ્રી ધીરૂભાઇ ઘલાણીએ જણાવ્યું કે, એમના કાર્યક્ષેત્ર કહેવા જઇએ તો પુસ્તક લખાય એટલું વિશાળ છે.
આ પ્રસંગે IOJના ચેરમેન શ્રી નેમુભાઇ ચંદરિયાએ જણાવ્યું કે, " દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહિદો પરત્વે સન્માન દાખવવામાં સ્થાન મળ્યું એમ ૨૦૨૧ની વસ્તી ગણત્રીમાં પણ આધુનિક બ્રિટનના મૂલ્યોને અનુસરતા જૈન સમાજને પ્રતિનિધિત્વની તક મળે.”
અન્ય કોમ્યુનિટી એવોર્ડ વિજેતાઓમાં ઓશવાળ સમાજ મોમ્બાસા- કેન્યાના મહિલા મંડળ અને લંડન-યુ.કે.માં પાંચેક દાયકાથી નેતૃત્વ પૂરૂં પાડતાં, સત્સંગ મંડળ અને ચેરિટેબલ પ્રવૃત્તિઓમાં અનુદાન આપતાં વડિલ શ્રીમતી સુશીલાબેન શાહ અને ત્રણેક દાયકાથી નવનાત વણિક એસોસિએશનની કીચન કમિટી સહિત હોલીડે ટ્રીપ અને ભારતીય વિધા ભવનમાં સેવા આપતાં શ્રીમતી શકુબેન વિનોદભાઇ શેઠના નામો જાહેર કરી એમને સન્માન્યાં હતાં. ૮ માર્ચના રોજ મહિલા દિન નિમિત્તે આ મહિલાઓની સેવાની કદર કરાઇ એ સૂચક છે.
સન્માન વિધિ બાદ અન્ય વક્તાઓમાં ૪૦૦ વર્ષ જૂની ભારતની આણંદજી કલ્યાણજી પેઢીના ચેર શ્રી સંવેદ લાલભાઇ, જેઓ ૧૮૦૦ જેટલા જૈન તીર્થોનો વહિવટ સંભાળે છે એમણે ટ્રસ્ટના કાર્યોની ઝલક રજુ કરી.
ડાયવર્સિટી ઓફ યુ.કે.ના CEO લોપા પટેલે જણાવ્યું કે, કોર્પોરેટ અને જાહેર સંસ્થાઓને હજી BAMEબ્રિટિશ એશિયન માયનોરીટી એથનીસીટીમાં પૂરતું સ્થાન મળતું નથી. એ માટે આપણે જાગ્રત થવું જોઇએ.
હેરોની એમ્સબ્રેડ પ્રાઇમરી સ્કુલની લાયબ્રેરી અને આઇ.સી. સ્યુટ માટે એના પ્રિન્સીપલ મિસ નોર્મા માર્શલને જૈન સમાજ તરફથી ૫૦૦૦ પાઉન્ડનો ચેક શ્રી નવીનભાઇ સંઘરાજકા અને ઓશવાળ સમાજના પ્રેસિડેન્ટ શ્રી નીલેશભાઇ શાહના હસ્તે અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે લંડનની ભારતીય હાઇ કમિશનના પાસપોર્ટ અને OCIકાઉન્સિલર શ્રી અનિલ નીવદયાલજીએ જૈનોની પ્રવૃત્તિને બિરદાવી હતી. સમાપનમાં સમણીજી પ્રતિભા પ્રજ્ઞાજીએ માંગલિક સંભળાવી સન્માનિત મહાનુભાવોની અનુમોદના કરતાં ભગવાન મહાવીરના શાસનની શાન વધારનારા કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

