યુરોપના સૌથી મોટા વિવિધલક્ષી ‘ઈન્ડિયા ગાર્ડન’ પ્રોજેક્ટનો પ્રારંભ

Wednesday 13th November 2019 05:34 EST
 
 

A40પર ૨૨ સપ્ટેમ્બરે નોર્થોલ્ટ રાઉન્ડ એબાઉટ નજીક વિશાળ જગ્યામાં બ્રિટનમાં વસતા ૪૦ હજાર જેટલા કચ્છી ભાઇ-બહેનો સહપરિવાર 'કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી' આયોજિત સાંસ્કૃતિક મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોધમાર મેધવર્ષા થઇ રહી હોવા છતાં વિશાળ શમિયાણામાં ઉપસ્થિત માનવમહેરામણમાં કચ્છી પરંપરા, ભાષા અને સંસ્કૃતિના દર્શન થતાં હતાં. હેરો કેન્ટન સ્વામિનારાયણ મંદિર પાઈપ બેન્ડ અને લેઝિમ પાર્ટીએ માહોલ જમાવ્યો હતો.

 કચ્છીઓમાં પરસ્પર વિશ્વાસ, સંગઠન અને કોમ પરત્વે સમર્પણ ભાવનાને કારણે સમગ્ર યુરોપના ભારતીય સમાજમાં સૌથી મોટો અને વિવિધલક્ષી પ્રોજેક્ટ ‘ઈન્ડિયા ગાર્ડન’નું તા.૨૨.૯.૧૯ને રવિવારે વિધિવત લોન્ચ કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દેવનંદનદાસજી શાસ્ત્રી, સ્વામી અદ્ભુતચરણદાસજી અને શાસ્ત્રી નિર્ભયજીવનદાસજીના હસ્તે દીપ પ્રાગટય અને મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીના વીડિયો મેસેજ શુભાશિષ સાથે આરંભાયેલા મુખ્ય કાર્યક્રમમાં કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.નો ઈતિહાસ, અત્યાર સુધી થયેલાં કાર્યો અને કાર્યકર આગેવાનો પૂર્વ પ્રમુખ, સભ્યોના ઉલ્લેખ સાથે વર્તમાન પ્રમુખ વેલજીભાઈ વેકરિયાએ ભારત માતાના જયઘોષ સાથે ‘ઈન્ડિયા ગાર્ડન’ પ્રોજેક્ટના પ્રારંભની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ ૧૨ મિલિયન પાઉન્ડના ખર્ચે ત્રણ વર્ષમાં સાકાર થશે. આ પ્રસંગે કચ્છી સમાજના અંદાજે પાંચ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શન રૂપે રજૂ કરાઈ હતી. પ્રોજેક્ટ કન્વીનર અને યુ.કે. કોમ્યુનિટીને છેલ્લા છ વર્ષમાં વધુ મજબૂત કરનારા પૂર્વ પ્રમુખ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ મંચ ઉપરથી પ્રોજેક્ટની સુવિધાઓ વિશે છણાવટ કરી સહકાર માગ્યો હતો. પ્લાનિંગ પરમિશન માટે સક્રિય વેલજી પરબત વેકરિયા, વિનોદભાઈ ગાજપરિયા, રવિ પિંડોરિયા, આર્કિટેકટ પ્રો. માર્ટિન, સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું.

માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ પરિવાર દીઠ ઓછામાં ઓછા ૨૦૦૦ પાઉન્ડની ટહેલ નાખી હતી, જેને વધાવી લઈને ઉપસ્થિત પૈકી ઘણાં લોકોએ દાન નોંધાવ્યું હતું. તે ઉપરાંત દાતાઓએ મોટી રકમનું ડોનેશન જાહેર કર્યું હતું.


comments powered by Disqus