BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ રાજકોટમાં તેમની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતી. ૫મીને મંગળવારે સવારે પૂજામાં હરિભક્તોએ તેમના પ્રશ્રો પ્રાર્થના સ્વરૂપે લખ્યા હતા. પૂ. મહંત સ્વામીએ તેમના પ્રશ્રો ઉકેલાઈ જાય અને તેમની સુખ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ૬ઠ્ઠીએ આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ મોક્ષરૂપી ફળ સર્વોત્તમ છે, સર્વોપરી છે. તેની તોલે કોઈ ન આવે. મોક્ષ થયો એટલે બધું થઈ ગયું.’ તે દિવસે ગોંડલથી ૧૩૦ હરિભક્તો અને ૧૨ સંતો દંડવત યાત્રા કરીને રાજકોટ પધાર્યા હતા. તેમણે કુલ ૨૦,૫૦૦ દંડવત કર્યા હતા. ૬ઠ્ઠીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી તેમજ ફિઝિયોથેરાપિસ્ટ્સે અને ૭મીએ ભારતીય ક્રિકેટર શિખર ધવને મુલાકાત લઈને પૂ. મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. પૂ.મહંત સ્વામીએ જૂનાગઢ વિસ્તારના દોલતપરા અને મહુવા વિસ્તારના જરગલી સંસ્કારધામોની મૂર્તિની પ્રતિષ્ઠા તેમજ જૂનાગઢની રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ૮મીએ શાકભાજી અને ફળફળાદીની ભવ્ય હાટડી યોજાઈ હતી. ઠાકોરજી સમક્ષ વિવિધ શાકભાજી અને ફળો મૂકાયા હતા. આ પ્રસંગે બાળકો વિવિધ શાકભાજીનું પ્રતિક બન્યા હતા અને પોતાના ગુણો તથા બીજાના અવગુણો રજૂ કર્યા હતા. કાર્યક્રમના બીજા ભાગમાં તેઓ એકબીજાના ગુણો જોતા થયા હતા. ૯મીએ ભવ્ય કિર્તન આરાધના યોજાઈ હતી. તેમાં સંસ્થાના સંગીતજ્ઞ સંતો, સત્સંગી કલાકારો તેમજ મુંબઈથી આવેલા કલાકારોએ ભજન-કિર્તન રજૂ કર્યા હતા. પૂ.મહંત સ્વામીએ પણ ‘અક્ષર પુરુષોત્તમ દયાળુ અક્ષર પુરુષોત્તમ પ્રભુ’ કિર્તન ગાયું હતું. ૯મીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂ. મહંત સ્વામીની મુલાકાત લીધી હતી. પૂ. મહંત સ્વામીએ પુષ્પહાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને આશીર્વાદ આપ્યા હતા. ૧૦મીએ પૂ. મહંત સ્વામી રાજકોટથી બોચાસણ પધાર્યા હતા. ૧૨મીએ બોચાસણમાં કાર્તિકી પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો.

