સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 13th November 2019 05:54 EST
 

                                            • વિક્સિત વિશ્વના દેશો કરતાં યુકેમાં ખૂબ ઓછાં ડોક્ટરો

યુકેમાં પ્રજાની સેવા કરતા ડોક્ટર અને નર્સની સંખ્યા વિક્સિત વિશ્વના ઘણાં દેશો કરતાં સૌથી ઓછી છે અને યુકે તેની હેલ્થ સર્વિસ પાછળ ઓછાં નાણાં ખર્ચતું હોવાનું ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના રિપોર્ટમાં જણાવાયું હતું. યુકેમાં દર ૧,૦૦૦ લોકો દીઠ ૨.૮ ડોક્ટર અને ૨૮ નર્સ છે. આ પ્રમાણ કોસ્ટારિકા, રશિયા અને હંગેરી કરતાં ઓછું પરંતુ, અમેરિકા અને કેનેડા કરતાં થોડુંક વધુ છે. OECDના ૩૬ સભ્ય દેશોની સરેરાશ ૩.૫ ડોક્ટર અને ૮.૮ નર્સની છે.

                                                    • જેલોને ડિમેન્શિયા ફ્રેન્ડલી બનાવાશે

મોટી વયના કેદીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને જોતાં તેમના સમાવેશ માટેની ૨.૫ બિલિયન પાઉન્ડની વિસ્તરણ યોજનામાં આકર્ષક ડેકોરેશન અને સાજ સજાવટ સાથેની ડિમેન્શિયા ફ્રેન્ડલી જેલો બનાવવામાં આવશે.

                                             • ૯૦ વર્ષની વયે પણ કોકેનનું સેવન કરતાં વડીલો

કોકેનનું સેવન કરતાં ૯૦ અને તેથી વધુ વયના પેન્શનરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જ્યારે બે દાયકા અગાઉ બે વડીલોની સરખામણીમાં ગયા વર્ષે તેટલી જ વયના દસ વડીલોને ‘કોકેનના વપરાશને લીધે’ માનસિક હાલત બગડતાં હોસ્પિટલે ખસેડાયા હતા. ઈંગ્લેન્ડમાં કોકેન સંબંધિત બીમારીને લીધે એક દાયકા અગાઉ ૬૦ અથવા તેથી વધુ વયના ૪૫ લોકોને સારવાર અપાઈ હતી. સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા વધીને ૩૭૯ થઈ હતી.

                                           • ક્વિનના ‘પ્રેમસંબંધ’ મામલે ‘ધ ક્રાઉન’ની ભારે ટીકા

ક્વિન એલિઝાબેથ દ્વિતીયના ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી ડિકી આર્બીટરે ક્વિનને લોર્ડ પોર્ચેસ્ટર સાથે પ્રણયસંબંધ હતો તેવું સૂચવવા બદલ નેટફ્લિક્સની નવી સીરીઝ ‘ધ ક્રાઉન’ની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ૭૯ વર્ષીય લોર્ડ પોર્ચેસર ક્વિનના હોર્સ રેસિંગ મેનેજર હતા. તેમણે કહ્યું હતું,‘ આ ખૂબ જ અપ્રિય અને તદ્દન પાયાવિહોણી વાત છે.’ ક્વિનને લોર્ડ પોર્ચેસ્ટર સાથે અમેરિકા અને ફ્રાન્સમાં આવેલા સ્ટડ ફાર્મ્સની મુલાકાતે જતા એપિસોડ્સ ટૂંક સમયમાં પ્રસારિત થવાના છે.

                                              • વાણી સ્વાતંત્ર્યને સમર્થન આપતા વિદ્યાર્થીઓ

અડધાથી વધુ વિદ્યાર્થીઓ સતત વાણી સ્વાતંત્ર્યને સમર્થન આપતા હોવાનું અને ૪૦ ટકા વિદ્યાર્થીઓ સેન્સરશીપ અને વિવાદાસ્પદ વક્તાઓને ભાષણ કરવા માટે મંચ પૂરો ન પાડવાની તરફેણ કરતાં હોવાનું સંશોધનમાં જણાયું હતું. અનુકુળતાની સંસ્કૃતિની પણ અંડરગ્રેજ્યુએટ્સ પર અસર થતી હોય તેવું પણ બની શકે.

                                         • ડાયાબિટીસની સારવારનો ખર્ચ ૧ બિલિયન પાઉન્ડ !

૨૦૧૮-૧૯માં ડાયાબિટીસની સારવાર પાછળનો ખર્ચ અત્યાર સુધીનો સૌથી વધુ ૧.૦૭ બિલિયન પાઉન્ડ થયો હોવાનું NHS ડિજિટલ દ્વારા જણાવાયું હતું. તેમાં દવાઓ અને મશીનોનો ખર્ચ સામેલ છે. સ્થૂળતાનું પ્રમાણ વધવાને લીધે ખર્ચમાં હજુ વધારો થશે તેવી શક્યતા છે. આ ખર્ચ ઈંગ્લેન્ડમાં NHSમાં કોઈપણ ડ્રગ કેટેગરીનો સૌથી વધુ છે અને તે પ્રિસ્ક્રિપ્શનના કુલ ખર્ચના ૧૩ ટકા જેટલો છે.

                                          • ભૂતપૂર્વ વિદ્યાર્થિનીની ફરિયાદને પગલે ટીચરને જેલ

હોલાન્ડ પાર્ક સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ કોર્ટમાં પોતાના ટીચર ૩૫ વર્ષીય પોલ ડેન્બીને કહ્યું હતું કે તે ૧૨ વર્ષની હતી અને ૧૪-૧૫ વર્ષની થઈ ત્યાં સુધી તેમણે તેની સાથે ‘ખાસ ખાનગી’ સંબંધો રાખ્યા બાદ પોતે આપઘાત કરવાની હદ સુધી પહોંચી ગઈ હતી. કોર્ટને જણાવાયું હતું કે પોલે સ્કૂલમાં જુદી જુદી જગ્યાએ તેની સાથે છેડછાડ કરી હતી. વિદ્યાર્થિનીની ઓળખ જાહેર કરી શકાય તેમ ન હતી. તેણે જણાવ્યું હતું કે તે સમયે તેઓ એકલા જ રહેતા અને તે તેમને મિ. ડેન્બી અથવા સર કહીને સંબોધતી હતી.

                                        • બાળકીએ સ્વર્ગમાં પિતાને લખેલા પત્રનો જવાબ આવ્યો !

છ વર્ષની બાળકી હોલીએ તેના સ્વર્ગસ્થ પિતાને ૪૭મી વર્ષગાંઠ નિમિત્તે ‘ટુ ડેડ ઈન હેવન’ સંબોધન સાથે બર્થ ડે કાર્ડ મોકલ્યું હતું. તેનો તેને જવાબ મળ્યો હતો. હોલી મોર્ગનના પિતા નીજેલ રોયલ લોજિસ્ટિક્સ કોર્પ્સના સેવા નિવૃત્ત સૈનિક હતા અને ગયા વર્ષે તેમનું અવસાન થયું હતું. રોયલ મેલ દ્વારા ચેશાયરના વિડનેસમાં રહેતી હોલીને જવાબ મોકલવામાં આવ્યો હતો કે તારાઓ અને આાકાશગંગાના અન્ય પદાર્થોને પાર કરીને તારું કાર્ડ ડિલિવર કરવામાં આવ્યું છે.

                                             • હૃદયરોગીઓને એકલતા જીવલેણ નીવડી શકે

હૃદયની બીમારીથી પીડાતા લોકો માટે એકલતા જીવલેણ નીવડી શકે તેમ કોપનહેગનના સંશોધકોએ જણાવ્યું હતું. ‘હાર્ટ જર્નલ’માં પ્રગટ થયેલા તેમના અભ્યાસમાં જણાયું હતું કે પુરુષ દર્દીઓમાં ડિપ્રેશન થવાની તેમજ તેઓ વધુ પડતું ધૂમ્રપાન અને શરાબસેવન કરે તેવી શક્યતા રહે છે. જે કારણોસર મૃત્યુ થાય છે તેમાં તેમના મૃત્યુનું જોખમ બમણું જ્યારે મહિલાઓમાં આ જોખમ ત્રણગણુ થઈ જાય છે.

                                           • સહોદરો સાથેના તંગદિલ સંબંધો વધુ નુક્સાનકારક

આપણને કોને પરિવારમાં સામેલ કરવા તેની પસંદગી કરી શકતા નથી તે બાબતે વારંવાર ફરિયાદ રહે છે. હાલના અભ્યાસમાં સૂચવાયું હતું કે માતા-પિતા અને ભાઈ-બહેનો સાથેના તંગદિલીભર્યા સંબંધો પોતાની પત્ની કે પતિ સાથેના ઝઘડા કરતાં વધુ નુક્સાનકારક હોય છે. જેમની સાથે લોહીના સંબંધ હોય છે તેમની સાથેના કડવાશભર્યા સંબંધો અને મધ્યમ વયે થતાં પીઠના દુઃખાવા, માથાના દુઃખાવા અને સ્ટ્રોક વચ્ચે સંબંધ હોવાનું સંશોધકોને જણાયું હતું.

                                               • જામીન અંગેના નિયમોમાં ફેરફાર થશે

૨૦૧૭માં હળવા બનાવાયેલા જામીન અંગેના કાયદાને લીધે ખતરનાક શકમંદોને કોઈપણ પ્રકારના રિસ્ટ્રિક્શન્સ મૂક્યા વિના છોડવાની મંજૂરી અપાઈ હતી. તેની વિમેન્સ ગ્રૂપ્સ દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવતા જામીનના કાયદામાં ફરી સુધારો થશે તેમ મનાય છે. આરોપોમાંથી નિર્દોષ છૂટ્યા પહેલા લોકો લાંબા ગાળા સુધી જામીન પર રહેતા હોવાના કેટલાંક કિસ્સા બહાર આવ્યા બાદ રિસ્ટ્રિક્ટેડ બેઈલની સમયમર્યાદા ૨૮ દિવસની કરવામાં આવી હતી. શકમંદોને કોઈપણ શરત વિના ‘અંડર ઈન્વેસ્ટિગેશન’ છોડવામાં આવતા હતા.

                                         • ડિનરમાં મોડા પડેલા પુત્રને પિતાએ બિઝનેસમાંથી દૂર કર્યો

ડિનરમાં મોડા પહોંચવા બદલ ફેમિલી બિઝનેસમાંથી પોતાના પુત્રને દૂર કરી દેનારા પિતા એગિડિઓ પેરેન્ટને ગેરવાજબી રીતે છૂટા કરવાના કેસમાં પુત્ર પાસ્કલને વળતર તરીકે ૫,૩૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કરાયો હતો. મેલ્બોર્નમાં આવેલા કાર રિપેર બિઝનેસમાં પુત્ર આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પિતાએ ખોટી રીતે પુત્રને કાઢી મૂક્યો હોવાનું ફેર વર્ક કમિશનને જણાયું હતું. રવિવારના ડિનર વખતે દલીલ બાદ માતા-પિતાએ પાસ્કલને ઘર અને જોબ બન્ને છોડી દેવા જણાવ્યું હતું.

                                        • ઘરેલુ હિંસાને લીધે કેરહોમમાં બાળકોની સંખ્યામાં વધારો

ઘરેલુ હિંસા અને ઘર પરિવારમાં અત્યાચારને લીધે સોશિયલ સર્વિસિસ પ્રોટેક્શન હેઠળ રખાતા બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું કાઉન્સિલ ચીફ્સ દ્વારા જણાવાયું હતું. ચાઈલ્ડ પ્રોટેક્શન પ્લાન્સ હેઠળ રખાયેલા બાળકોની સંખ્યામાં એક દાયકામાં ૫૦ ટકા કરતાં વધુનો વધારો થયો હોવાનું લોકલ ગવર્નમેન્ટ એસોસિએશન દ્વારા જણાવાયું હતું. બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા રોજના ૮૮ બાળકોને કેરમાં રાખવામાં આવે છે.

                                           • બાળ જાતીય શોષણની કબૂલાત જાહેર નહી કરાય

બાળ જાતીય શોષણના મામલે કન્ફેશનલનું સીલ તોડવા માટે પાદરીઓને કહેવાશે તો રોમન કેથોલિક ચર્ચ તેનો વિરોધ કરશે. વેસ્ટમિન્સ્ટરના આર્ચબિશપ કાર્ડિનલ વિન્સેન્ટ નિકોલ્સે જણાવ્યું હતું કે બાળ જાતીય શોષણના કિસ્સામાં પાદરીઓ સમક્ષ કરવામાં આવેલી કબૂલાતની વિગતો રજૂ કરવા માટેની ઈન્ડિપેન્ડન્ટ ઈન્ક્વાયરીની કોઈપણ ભલામણ ચર્ચ સ્વીકારી શકશે નહીં.


comments powered by Disqus