લંડનઃ જમ્મુ કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાને હટાવી લેવાના ભારત સરકારના નિર્ણયથી ટોરી અને લેબર વચ્ચે ઉગ્ર ભાષામાં પત્રો અને ટ્વીટ્સનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે. ખાસ તો વિપક્ષના બ્રિટિશ મુસ્લિમ સાંસદોના એક જૂથે ભારત સરકારના આ પગલાંને યુકે સરકારે ‘કડક શબ્દોમાં વખોડી નાંખવા જોઈએ’ તેવી માગણી સાથેનો પત્ર વડા પ્રધાન બોરિસ જહોન્સનને પાઠવ્યો ત્યારથી બન્ને વચ્ચેનું ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું છે. આ પત્ર યુકે શેડો મિનિસ્ટર ફોર જસ્ટિસ યાસ્મિન કુરેશી દ્વારા તૈયાર કરાયો હતો અને મૂળ પાકિસ્તાની મૂળના આટ સાંસદોએ સહી કરી હતી. તેમણે ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ભારત દ્વારા ‘ઘડી કઢાયેલા બળવા’ જેવો ગણાવ્યો હતો.
લેબર પાર્ટીના લીડર જેરેમી કોર્બિને ટ્વીટ કર્યુ કે કાશ્મીરની પરિસ્થિતિ વ્યથિત કરી દે તેવી છે. માનવઅધિકારોનો થઈ રહેલો ભંગ અસ્વીકાર્ય છે. કાશ્મીરી લોકોના હક્કોની જાળવણી થવી જોઈએ અને યુએનના ઠરાવોનો અમલ થવો જોઈએ.
લેબર સાંસદ તનમનજીતસિંઘ ઢેસીએ તેમને સમર્થન આપતા ટ્વીટમાં જણાવ્યું કે માનવઅધિકારોનો ભંગ થઈ રહ્યો હોય ત્યારે આપણે શાંત રહી શકીએ નહીં. કાશ્મીરી લોકોને જરૂર છે ત્યારે આપણે તેમની પડખે ઉભા રહેવું જોઈએ.
લંડન સ્થિત વકીલ અને પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તેમજ ૨૦૧૪ની ભારતની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના ડિરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ તરીકે રહી ચૂકેલા ઈન્ડિયા ઈન્ક ગ્રૂપના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ મનોજ લાડવાએ કોર્બીનના ટ્વીટની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું,‘ આતંકને ભડકાવતી, આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદા ન રાખતી અને જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ, દલિતો, હિંદુઓ, બૌદ્ધ, જૈન અને LGBTQ લઘુમતીઓને હક્કો આપવાનો ઈન્કાર કરતી વિપરિત વિચારધારાથી તમે ભ્રમિત થઈ ગયા છો તેનો મને ડર લાગે છે.’
પોતાના મત વિસ્તારમાં બહોળી સંખ્યામાં વસતા બ્રિટિશ એશિયનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદ બોબ બ્લેકેમેને કાશ્મીરને લગતી કોઈપણ બાબત ‘સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુદ્દો’ હોવાના બ્રિટનના લાંબા ગાળાના વલણને તોડવાનો લેબર પાર્ટી પર આક્ષેપ કરતો પત્ર ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટને રૂબરૂ જઈને સુપરત કર્યો હતો.

