કાશ્મીરના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા

Wednesday 14th August 2019 08:48 EDT
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જુગલ જોડીએ જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતના મુખ્ય પ્રવાહમાં જોડતાં પગલારૂપે બંધારણમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એની જોગવાઈઓ નાબૂદ કરી દીધા પછી તેની ભારે સરાહના થતી રહી છે. વડા પ્રધાન મોદીએ આ સંદર્ભમાં કાશ્મીરના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવતું રાષ્ટ્રજોગું સંબોધન કર્યું તેને વિશેષ ધ્યાનમાં લેવું જોઈએ. જમ્મુ–કાશ્મીર અને લદાખની પ્રજા સાથે સમગ્ર ભારતની પ્રજા પાકિસ્તાન પ્રેરિત આતંક અને અલગાવવાદથી ત્રસ્ત હતી ત્યારે લેવાયેલું આ કદમ દેશ અને દેશવાસીઓ માટે લાભકારી નીવડશે તેવો સૂર વડા પ્રધાનના સંબોધનમાં જોવાં મળ્યો છે.
વડા પ્રધાને રાષ્ટ્રની એકતાને બાધારૂપ જોગવાઈઓની નાબુદીને યોગ્યપણે ઐતિહાસિક ઉપલબ્ધિ જણાવવા સાથે સરદાર પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન સાકાર થયાની તેમજ કરોડો રાષ્ટ્રભક્તોની ઈચ્છા પરિપૂર્ણ થયાની વાત કરી છે.
જમ્મુ–કાશ્મીરને કેન્દ્રશાસિત વિસ્તાર તરીકે રાખવાની વર્તમાન વ્યવસ્થા કાયમી નહિ, કામચલાઉ હોવાનું પણ ફલિત થાય છે. વડા પ્રધાને કાશ્મીરવાસીઓને લોકપ્રતિનિધિઓની પસંદગીનો અબાધિત અધિકાર છે અને રાજ્યમાં કામકાજ વ્યવસ્થિત થવાની સાથે ટુંક સમયમાં જ લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે તેવો વિશ્વાસ અને ખાતરી આપી છે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ પ્રાપ્ત થવા સાથે નવા વિધાનસભ્યો અને નવા મુખ્ય પ્રધાનની દોરવણી હેઠળ રાજ્ય વિકાસની હરણફાળ ભરશે તેવો વિશ્વાસ પણ વડા પ્રધાને દર્શાવ્યો છે. જોકે, લદાખના લોકોની લાંબા સમયની માગણીને માન આપી લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અકબંધ રખાશે.
અનુચ્છેદ ૩૭૦ અને ૩૫એના અસ્તિત્વ દરમિયાન જમ્મુ-કાશ્મીરને આતંકવાદ અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી. દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા સાથે આતંકવાદ, અલગતાવાદ અને પરિવારવાદનો નેસ્તનાબૂદ થશે તેમજ આર્થિક પ્રગતિ થશે તેમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં આ જોગવાઈઓથી જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને શું ફાયદો થયો તેનો ઉત્તર કોઈ પાસે નથી કારણ કે આ કલમોથી જ વાસ્તવિક વિકાસ અટકી ગયો હતો. આ ઉપરાંત, પાકિસ્તાને આ બંને કલમોનો ઉપયોગ દેશ વિરુદ્ધ કેટલાક લોકોની લાગણીઓ ભડકાવવા હથિયારની જેમ કરવાના પરિણામે ગત ત્રણ દાયકામાં ૪૨,૦૦૦થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા છે.
વડા પ્રધાને આ પ્રદેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવા સાથે કહ્યું છે કે હવે જમ્મુ-કાશ્મીર અને લદાખનું આધુનિકીકરણ થશે. આ પ્રદેશોના યુવાનો દેશની આર્થિક પ્રગતિમાં સહભાગી થશે અને દેશને નવી ઊંચાઈએ લઈ જશે. એ તો હકીકત છે કે આ પ્રદેશમાં નવું મૂડીરોકાણ આવતાં ટૂંક સમયમાં આ વિસ્તારમાં નોકરીઓની વિપૂલ તકો સર્જાશે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાવાથી તેમજ લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો અને પોલીસ દળોમાં ઓપન ભરતી થવા સાથે મોટી સંખ્યામાં યુવાનોને નોકરીની તક સાંપડશે. મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતને ઊંચાઈએ લઈ જવા લાગુ કરેલું વિકાસનું મોડલ હવે કાશ્મીરમાં પણ લાગુ કરવાની તરફેણ તેમણે કરી છે. તેમણે ઉદ્યોગપતિઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાનું આહવાન કરવાની સાથે હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને પોતાના પ્રોજેક્ટ્સમાં આ રાજ્યને પ્રાથમિક્તા આપવા અનુરોધ કર્યો છે. વડા પ્રધાન મોદીએ કાશ્મીરી પ્રોડક્ટ્સનું વિશ્વભરમાં માર્કેટિંગ/નિકાસ કરવા દેશના ઉદ્યોગપતિઓ આગળ આવે તેના પર ભાર મૂક્યો છે.
વડા પ્રધાનના સંબોધનમાં એક જ મુખ્ય સૂર રહ્યો કે તેઓ કાશ્મીરમાં વૈકલ્પિક રાજકીય વ્યવસ્થા ઉભરતી જોવા ઈચ્છે છે. આથી જ સર્વાંગી વિકાસ પર ભાર મૂકાયો છે. પ્રત્યેક પરિવર્તન સાથે અનિશ્ચિતતા અને અસલામતી આવે છે. જોકે, અત્યાર સુધી તો કાશ્મીરની પ્રજાના વલણમાં ગણનાપાત્ર વિરોધ જોવાં મળ્યો નથી. દેશ માટે તે શુભ સંકેત જ કહી શકાય.


comments powered by Disqus