ભારતે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવા સાથે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનનાં પગલાં લીધા તેનાથી સૌથી વધુ અકળામણ પાકિસ્તાનને થઈ છે. ભારતની વાત તો સ્પષ્ટ છે કે કાશ્મીર એ સંપૂર્ણતઃ ભારતનો આંતરિક મામલો છે, જેની સાથે પાકિસ્તાનને કોઇ જ લેવાદેવા નથી. તેની હાલત ખિસિયાની બિલ્લી ખંભા નોચે જેવી થઈ છે. તેણે ભારત સાથે રાજદ્વારી સંબંધોમાં કાપ, દ્વિપક્ષીય વ્યાપાર ઉપર પ્રતિબંધ, ભારત અને પાકિસ્તાનના નાગરિકો વચ્ચે સારા સંબંધો વિકસાવવામાં મદદરૂપ સમજૌતા એક્સપ્રેસ, થાર અને મુનાબાવ-ખોખરાપાર ટ્રેન સેવા તેમજ સાંસ્કૃતિક સંબંધો વિકસતા અટકાવી પોતાના જ પગ પર કુહાડો વાગે તેવા અવિચારી અને આડોડાઈપૂર્ણ પગલાં લીધા છે.
હકીકતમાં ભારત કાશ્મીર સંદર્ભે અચાનક આટલો કડક નિર્ણય લેશે તેની તો પાકિસ્તાનને કલ્પના પણ ન હતી. તેના મનમાં ફફડાટ પેસી ગયો છે કે ભારત પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ કોઇ અણધાર્યું પગલું ભરી શકે છે. આથી જ તે આર્ટિકલ ૩૭૦નો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા નીતનવા નાટક કરી રહ્યું છે, પરંતુ તેની કોઈ કારી ફાવતી નથી. ઈમરાન ખાને મોટા ઉપાડે યુએનમાં અને અમેરિકા સમક્ષ કાશ્મીર અંગે કાગારોળ મચાવી તે અર્થહીન પુરવાર થઈ છે. અમેરિકાએ તો સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર વિશે તેમની નીતિમાં કોઈ પરિવર્તન નથી. આ સ્પષ્ટતા સાથે ઈમરાન ખાન દ્વારા ટ્રમ્પની મધ્યસ્થીનો મુદ્દો ઉછાળાયો હતો તેનો અંત જ આવી ગયો છે. રશિયાએ પણ ભારતના પગલાંને સંવૈધાનિક ગણાવ્યું છે. બીજી તરફ, ચીન, બ્રિટન, મલેશિયા, ઈસ્લામિક સંગઠન હોય કે અફઘાન તાલિબાન, આ બધાએ સળગતું લાકડું હાથમાં પકડવાનો ઈનકાર કરી દીધો છે.
યુએનના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમલા કરારની દુહાઈ આપીને કાશ્મીર સમસ્યામાં કોઈની મધ્યસ્થી વિના દ્વિપક્ષીય ઉકેલની જોગવાઈ હોવાના ઉલ્લેખ સાથે કાશ્મીરના વિશેષ દરજ્જા વિશે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.
ભારત સાથે વેપાર બંધ કરવાની પાકિસ્તાનની જાહેરાત પ્રતીકાત્મક જ બની રહેશે. વાસ્તવમાં, પાકિસ્તાન ડુંગળી અને ટામેટા જેવી રોજબરોજની વપરાશી ખાદ્યવસ્તુઓ ઉપરાંત કેમિકલ્સ માટે પણ ભારત પર નિર્ભર છે. પુલવામા હુમલા પછી પાકિસ્તાનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ડયૂટી ૨૦૦ ટકા વધી જવાથી આયાત સાવ ઘટી છે. બીજી તરફ, ભારતથી પાકિસ્તાનમાં મોટા પાયે નિકાસ બંધ થતા પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા વધારે બગડશે.
કાશ્મીરની જનતા પ્રત્યે કહેવાતી હમદર્દી દર્શાવીને ભારતીય ફિલ્મો સહિત ભારતીય પરંપરા દર્શાવતા કોઈ પણ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. ઈમરાન સરકાર આટલી હમદર્દી પાકિસ્તાનમાં જ મોહાજિર તરીકે ઓળખાતા મુસ્લિમ શરણાર્થીઓ તરફ દાખવે તો પણ સારું ગણાશે.
પાકિસ્તાન તેના સ્વાતંત્ર્ય દિન ૧૪ ઓગસ્ટને કાશ્મીરીઓના સમર્થનમાં ઉજવે કે ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટને કાળા દિવસ તરીકે ઉજવે તો પણ ભારતને કોઈ ફરક પડવાનો નથી કારણ કે ભારતનો તિરંગો કાશ્મીરના ગામેગામ લહેરાવાનો છે નિર્વિવાદ છે.
