યુકે પ્રત્યે ‘બ્રિટિશ પ્રજાજન’ની સંવેદનાનું સસ્નેહ આલેખન

સી. બી. પટેલ Wednesday 14th August 2019 06:59 EDT
 
 

મારા પરમ મિત્ર ડોલર પોપટ આપણું સહુનું ધ્યાન ખેંચી શકે તેવા પુસ્તક ‘A British Subject’ને ગત ૨૦ વર્ષમાં કોઈ પણ સમયે લોકાર્પિત કરી શક્યા હોત તેમાં કોઈ સંશય નથી. ડેવિડ કેમરન દ્વારા લિખિત હૃદયસ્પર્શી પ્રસ્તાવના સાથે ડોલર જેને તેઓ પોતાનો દેશ તરીકે કહેવાનું ગૌરવ અનુભવે છે તે યુ.કે. પ્રત્યે પ્રેમ અને સ્નેહની ભીની લાગણી દર્શાવવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરે છે.
આરંભથી અંત સુધી વાંચવાનો આનંદ પ્રાપ્ત થયો હોય તેવા ઘણા ઓછાં પુસ્તકોમાં આ પુસ્તકનું સ્થાન છે. મને અને મારા જેવા ઘણા લોકો જેની સાથે પોતાની જાતને સરળતાથી જોડી-સાંકળી શકે તેવું આ મઝાનું અને અદ્ભૂત પુસ્તક છે. ‘બ્રિટિશ સબ્જેક્ટ’ ઈતિહાસના સેંકડો વર્ષના કાલખંડમાં ફેલાયેલા આપણા જેવા હજારો ઈમિગ્રન્ટની સાર્વત્રિક કથા હોવા સાથે આપણે જે વિશ્વમાં અત્યારે જીવીએ છીએ તે વિશ્વની સાથે સૌથી વધુ પ્રસ્તુત છે.
જે લોકો વર્ષોથી ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’માં તેમની કોલમ વાંચતા આવ્યા છે તેમને હું કહું કે ડોલરે કોઈ વ્યંગ્ય કે કોથળામાં પાંચશેરી’ જેવા મુક્કા માર્યા નથી તો તેમને જરૂર આશ્ચર્ય થશે. તેમના મત પ્રમાણે બ્રિટન વિશ્વમાં સૌથી મહાન રાષ્ટ્ર છે અને પોતાના મૂલ્યોના કારણે જ સફળતા મેળવે છે. યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરાયા પછી બ્રિટનમાં ઘર મળવાનો યુગાન્ડન એશિયનો માટે શું અર્થ થાય તેનું લાગણીભીનું ચિત્રણ તેમણે કર્યું છે અને તેઓ બ્રિટનને પોતાના ‘ વધુ એક ઈશ્વર’ કહેવાની હદ સુધી પણ જાય છે. આટલા મોટા પ્રમાણમાં લોકો શા માટે બ્રિટનમાં સ્થળાંતર કરવા ઈચ્છે તેનું કારણ બ્રિટનના મૂલ્યો હોવાનું કહે છે અને વધેલા ઈમિગ્રેશનનો સીધો હવાલો આપે છે.
આ પુસ્તક એકીકરણની હિમાયત કરે છે તેમજ સમાજના મુખ્ય પ્રવાહનો હિસ્સો બનવા માટે બ્રિટનમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી અને જ્યુઈશ કોમ્યુનિટીએ જે દીર્ઘકાલીન પ્રયાસો કર્યા છે તેના પર વિશેષ પ્રકાશ પાડે છે. તેઓ એવા લોકોની ટીકા કરે છે જેઓ બ્રિટનમાં સ્થળાંતર કર્યા પછી પણ ઈંગ્લિશ બોલતા નથી, કામકાજ કરતા નથી અને વેલ્ફેર બેનિફિટ્સના દાવાઓ કરે છે. આથી વધુ તો, બ્રિટિશ મૂલ્યો વિરુદ્ધ ઉપદેશો આપનારાને તો તેઓ ઉપેક્ષાસહ નકારી કાઢે છે. તેઓ કહે છે કે આ તો તમારી ઓળખના વિવિધ પાસાઓ સાથે અનુકૂલન સાધવાનું શીખવાની બાબત છે.
તેઓ કહે છે, ‘આ તો તમારા બહુઆયામી વંશીય દરજ્જાના એક આયામ-પાસા અથવા આયામોને ભેટતા શીખવાની બાબત છે એટલું જ નહિ, તમારી ઓળખ મુખ્યપણે બ્રિટિશ હોવાનું દર્શાવવાની ચોકસાઈનું કાર્ય છે. આથી તમે કદાચ બ્રિટિશ ભારતીય વ્યક્તિ હો અથવા તો બ્રિટિશ-ભારતીય-યુગાન્ડન વ્યક્તિ હોઈ શકો આમ છતાં, તમારે નિર્ણાયકપણે ‘હું બ્રિટિશ છું’ તેમ કહેવું જ જોઈએ. આ બાબત તમારા તમામ સંમિશ્રિત ડીએનએ અને અનુભવોની સાથે તમારી ઓળખને વાસ્તવિક અર્થ આપવાની છે, તમારી જાત સાથે સાચા રહેવાની છે અટલું જ નહિ, તમે પોતાની જાતને જે સંદર્ભમાં ઓળખો છો તેની સાથે વફાદાર રહેવાની છે.’
આઈડેન્ટિટી- ઓળખ, પિછાણ આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે. યુગાન્ડામાં વીતાવેલાં પ્રારંભિક વર્ષોથી ૧૯૭૦ના દાયકામાં નોર્થ લંડનમાં વસવાટના ગાળા સુધી ડોલર પોતાની ઘઉંવર્ણી ત્વચાના કારણે પરિસ્થિતિ શા માટે અલગ રહી અથવા તો તેવું લાગ્યું તે પ્રામાણિકતા સાથે કહે છે. આપણામાંથી ઘણાએ ગત ચાળીસ વર્ષોમાં ખુલ્લાં નહિ જણાતા રેસિઝમ મુદ્દે સહમત હોઈશું અને તમામ સંસદોની માતા સમાન આપણી પાર્લામેન્ટમાં પણ તેમણે આ જોયાનું ડોલર કહે છે તે સારી વાત છે.
કદાચ, આથી જ ડોલર પોતાને કેટલાક અસામાન્ય વર્તુળોમાં સંકળાયેલા નિહાળે છે. આ પુસ્તકમાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પોતાના લગાવની વાત કરે છે પરંતુ, તેમણે થેચરના વડા પ્રધાન પદ હેઠળ સક્રિય કાર્યકર તરીકે શરૂઆત કરી ત્યારે પાર્ટી સાથે સંકળાયેલા ઘણા ઓછાં બ્રિટિશ ભારતીયોમાં તેઓ એક હતા. ફિન્ચલીમાં તત્કાલીન વડા પ્રધાન સાથે મળવા ઈચ્છુક બ્રિટિશ ભારતીયોથી હોલને ભરવાનું કેટલું મુશ્કેલ રહ્યું અને હાજરી દર્શાવવા લોકોને બસભાડું આપીને પણ લાવવાની ફરજ પડી તેની વાત પણ કરી છે.
આ વાત તો વર્ષો જૂની છે છતાં, આવા કેટલાક કાર્યક્રમોમાં મેં હાજરી આપ્યાનું મને યાદ છે. કન્ઝર્વેટિવ પાર્ટી નિસ્તેજ અને નબળા મૂળિયાંને તેના કાર્યકરોના આધાર સાથે મજબૂત બનાવી આગેકૂચ કરી વર્તમાન કેબિનેટ સાથે શિખરે પહોંચી છે તેનો હું પણ સાક્ષી રહ્યો છું. પ્રીતિ પટેલ, સાજિદ જાવિદ અને રિશિ સુનાક હવે સર્વોચ્ચ સ્થાને વિરાજમાન છે. આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યાં, જ્હોન મેજરે તે માર્ગને ચમકાવવા પ્રયાસ કર્યો, અને આખરે ડેવિડ કેમરન આવ્યા જેમણે સમજીને આપણી કોમ્યુનિટી સાથે આવી મજબૂત કડીનું નિર્માણ કર્યું તે સર્વ કથા ડોલરે જણાવી છે.
આ પુસ્તકમાં ડોલર લગભગ હજાર લોકોએ હાજરી આપી હતી તેવા મિલિબેન્કના દિવાળી સમારંભના આયોજન વિશે પણ વાત કરે છે. મને યાદ આવે છે કે આપણી કોમ્યુનિટી સાથે આટલા મોટા પાયા પર સંબંધ વધારવા કન્ઝર્વેટિવ પાર્ટીએ કરેલા અભૂતપૂર્વ પ્રયાસની પશ્ચાદભૂમાં હંમેશાંની માફક ડોલર જ અડીખમ ઉભા હતા. ડોલર ગૌરવ સાથે કહે છે કે આમ છતાં એ પ્રયાસ સફળ રહ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૧૫માં બહુમતી બ્રિટિશ ભારતીય મત હાંસલ કર્યા હતા. આ પુસ્તકને વાંચતા એ લાગણી થાય કે આ તેમની સૌથી ગૌરવશાળી સિદ્ધિ હતી.
એ બાબત તો સ્પષ્ટ જ છે કે બ્રિટનમાં રેસિઝમનું પ્રમાણ નોંધપાત્રપણે ઘટ્યું છે અને બ્રિટનમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીએ સફળતાની હરણફાળ ભરી છે તે બંને ક્ષેત્રમાં પ્રગતિ થવા વિશે ડોલર ભારે ગૌરવ અનુભવે છે. આ સમગ્ર પ્રકરણ આંકડાકીય દસ્તાવેજીકરણ તેમજ આપણી કોમ્યુનિટીના કેટલાક વિશિષ્ટ પ્રણેતાઓના નામોલ્લેખને સમર્પિત છે. ખરેખર તો તેનું જે રીતે સંકલન કરાયું છે તેનાથી વાંચનમાં આશ્ચર્ય સાથે રસ પણ વધે છે.
જોકે, ઓળખ, ઈમિગ્રેશન અને એકતાથી પણ આગળ વધીને ડોલર બ્રિટનના અલગ આર્થિક ભવિષ્યની પણ કલ્પના કરે છે. બિઝનેસ મિનિસ્ટર તથા યુગાન્ડા અને રવાન્ડા માટે પ્રાઈમ મિનિસ્ટરના ટ્રેડ એન્વોય તરીકેનો તેમનો કાર્યકાળ વધુ જોશીલા અને ઉત્સાહી ડોલરનું દર્શન કરાવે છે. ડોલર સતત એમ માને છે કે આપણે આપણા યુરોપિયન પડોશીઓની સાથે રહેવાના બદલે આપણે આંતરરાષ્ટ્રીય રીતે ભારત અને અન્ય આફ્રિકન દેશો જેવાં ઉભરતાં બજારોની સાથે ગાઢ સંબંધ વિકસાવવો જોઈએ.
તેઓ કહે છે કે, ‘યુરોપિયન સિંગલ માર્કેટ અને કસ્ટ્મ્સ યુનિયનના આપણા સભ્યપદના કારણે આપણા ઘણાં બિઝનેસીસમાં બેપરવાઈ કે નિરુત્સાહ સર્જાયેલો છે. વિશ્વમાં અગ્રેસર ઉત્પાદનોની નામના મેળવી શકે તેવું સર્જન કરનારા બ્રિટિશ બિઝનેસીસ હવે આપણી નિકટના વેપારી ભાગીદારોને નિકાસ કરવા સુધી જ મર્યાદિત બન્યા છે અને આપણે ખરેખર જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે ઉભરતાં બજારો અને કોમનવેલ્થ તરફ બેદરકારી દર્શાવી છે.’
આ રસપ્રદ વિચાર છે જેને અંગત પુરાવા સાથેનું સમર્થન પ્રાપ્ત થયેલું છે. જોકે, ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની તેમની નોંધપાત્ર સફળતાઓ અને એક લગભગ નાદારી જેવી હાલત સાથેની બિઝનેસ કારકીર્દી ઘણું કહી જાય છે. એક બાબત તો સ્પષ્ટ છે કે ડોલર પોતાની અંગત સફળતાઓની બડાશ હાંકવામાં વિશેષ રસ ધરાવતા નથી અને વિનમ્રપણે કહે છે કે બિઝનેસની વાત કરીએ તો તેઓ અન્યોની સરખામણીએ થોડા વધુ નસીબદાર રહ્યા હતા. જોકે, પાછલા ઈતિહાસ તરફ નજર કરવાના બદલે તેઓ પોતાની વર્તમાન ભૂમિકા વિશે ચર્ચા કરવાનું વધુ પસંદ કરે છે તે પણ સ્પષ્ટ થાય છે. તેઓ તો કહે જ છે કે,‘વેપારદૂત તરીકેની મારી ભૂમિકા ઈસ્ટ આફ્રિકા પ્રત્યેના મારા પ્રેમ, મારી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને બિઝનેસ અને ફાઈનાન્સ ક્ષેત્રોની મારી સમજ તેમજ ઝડપથી કામ પૂર્ણ કરવાની મારી ઈચ્છા સાથે સુસંગત બની રહી છે. મને લાગે છે કે મુસેવેની અને કામાગે સાથે મારી ૯૦ મિનિટની બેઠકોમાં હું એ બધી બાબતોને આવરી લઈ શક્યો છું જેની ચર્ચાના આયોજનમાં જ સરકારને સામાન્યપણે છ મહિના લાગી જાય. હું આ બાબતે ભારે ગૌરવ અનુભવું છું. એમ લાગે છે જાણે મારી જટિલ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખે સમયના આ ચોક્કસ વળાંકે પ્રાપ્ત આ તકનો સૌથી સારો ઉપયોગ કરવાની મને સજ્જતા બક્ષી છે.’
યુગાન્ડા અને રવાન્ડામાં ટ્રેડ એન્વોય અથવા તો વ્યાપારી દૂત તરીકે ડોલરની કામગીરીનો અર્થ એ કરી શકાય કે આ પુસ્તકમાં તેમણે વર્તુળ પૂર્ણ કર્યું છે. એક સમયે અસંખ્ય એશિયનોની હકાલપટ્ટી કરાઈ હતી તેવા ઈસ્ટ આફ્રિકાની જગ્યાએ હવે તેઓ તદ્દન બદલાયેલાં પ્રદેશમાં પહોંચ્યા છે. આ પુસ્તકમાં તેમણે આ રુપાંતરની તેમજ બાળપણના મગજમાં અંકિત લેન્ડમાર્ક્સને નિહાળતા અને તે સમયની શેરીઓમાં ચાલતી વખતે મનમાં ઉદ્ભવેલી વિચિત્ર લાગણીઓ વિશે જણાવ્યું છે.
આમ છતાં, તેમના બાળપણ સંબંધિત અગાઉના પ્રકરણોમાં આપણને સૌથી આશ્ચર્યજનક ખુલાસાઓ વાંચવા મળ્યા છે. જીવનના ઘડતરના આ પ્રારંભિક વર્ષોમાં અપમાન, મારપીટ અને હતાશા ઝળુંબતા જણાય છે અને અચાનક જ આપણને આ વ્યક્તિના એવા પાસા જોવા મળે છે જેના અસ્તિત્વ વિશે કદાચ ઘણાં ઓછાને જાણ હશે. આ પુસ્તકમાં તેમનો સતત ઉલ્લેખ થતો રહ્યો છે. ડોલર ભલે દૂરસુદુરના પ્રવાસો ખેડતા રહે છતાં, તેઓ બાળપણમાં ઘેરી વળેલી અસમર્થતાની લાગણીઓથી ભાગી છૂટવા હજુ પણ સંઘર્ષ કરે છે.
આપણે એક કોમ્યુનિટી તરીકે ઘણા નસીબદાર છીએ કે આપણી પાસે અસંખ્ય લોકો એવા છે જેઓ ખાલી ખિસ્સે બ્રિટનમાં કેવી રીતે આવ્યા અને અત્યારે પોતાની પસંદગીના ધંધા-વ્યવસાયોમાં ભારે સફળતા સાથે કાર્યરત છે તેની રસપ્રદ કથાઓ જણાવી શકે છે. આમ છતાં, આવી ઘણી ઓછી કથાઓ વિનમ્રતા, ઉષ્મા અને પ્રામાણિકતાથી કહેવાય છે, જે ડોલર દ્વારા કહેવાઈ છે. તેઓ કદાચ ખિસ્સામાં માત્ર ૧૦ પાઉન્ડ સાથે ૧૯૭૧માં લંડન આવ્યા હશે પરંતુ, ધ્યાનમાં રાખવાની બાબત તો એ છે કે આજે તેઓ બિઝનેસ, પોલિટિક્સ અને આપણી કોમ્યુનિટીમાં પણ અગ્રેસર બન્યાં છે.
કદાચ ડોલરના એકતા અને ઓળખ વિશેના અભિગમોને સુસંગત હોય તે રીતે જ આ પુસ્તકમાં પ્રસ્તાવના ડેવિડ કેમરનના હસ્તે અને સમાપન પ્રકરણ મોરારી બાપુના હસ્તે લખાયેલા છે. વિચારોની સાથે વહેતા રહીને અને માત્ર વાતો કરવા ખાતર જ નહિ, ડોલર પોતાની જ વાત કરતા લખે છે કે તમે એક સાથે બ્રિટિશ, બ્રિટિશ ભારતીય, યુગાન્ડાના એશિયન અને હિન્દુ રહેવાની સાથોસાથ આ તમામ વિવિધ પાસાઓનું કીર્તિગાન કરી શકો છો. ઘણા ઓછા લેખકો આવી નમ્રતા અને નિખાલસતાથી લખી શકે છે. દરેક બ્રિટિશ ભારતીય માટે આ પુસ્તક વાંચવા અને મનન કરવા લાયક છે.
‘A British Subject’ આ સપ્તાહથી જ એમેઝોન પરથી ખરીદ કરી શકાશે. (www.amazon.co.uk – A British Subject – How to make it as an immigrant in the best country in the world)


comments powered by Disqus