• તકરારો ટાળવા ફ્યુનરલ ડિરેક્ટર્સને પણ રેટિંગ અપાશે
ફ્યૂનરલ ઈન્ડસ્ટ્રીમાં વધુ પડતી કરમ વસૂલવાના અને અલગ અલગ ધારાધોરણો અપનાવવાના આક્ષેપોનો સામનો કરી રહેલા ફ્યૂનરલ ડિરેક્ટર્સને હવે રેસ્ટોરન્ટ્સની માફક રેટિંગ આપવામાં આવશે. ફ્યૂનરલ પાર્લર્સનું નિરીક્ષણ કર્યા બાદ કિંમત, ફ્યૂનરલનું સંચાલન, વાહનો અને સ્ટાફ ટ્રેનિંગ તથા શબઘર અને રેફ્રિજરેશનની સુવિધાના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવશે જેમને સૌથી ઓછું રેટિંગ અપાશે તેમની તપાસ કરવા માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન લો હેઠળ લોકલ ઓથોરિટીને જણાવવામાં આવશે.
• નવા અઘરા GCSEને લીધે A લેવલ મેથ્સ છોડતા વિદ્યાર્થીઓ
અગાઉ મેથ્સ એ લેવલ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલ ભારે ઘટાડો નોંધાયો હતો. વિદ્યાર્થીઓ આ વિષય નથી લેતા તેના માટે નિષ્ણાતો નવા અઘરા GCSEને જવાબદાર માને છે. ગયા વર્ષે ૯૧,૦૦૦ની સામે આ વર્ષે ૮૬,૧૮૫ વિદ્યાર્થીઓએ એ- લેવલ મેથ્સ લીધું હોવાનું આંકડામાં જણાવાયું હતું. જ્યારે STEM ( સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) સિવાય ફિઝિક્સ અને બાયોલોજી જેવા વિષયો લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો.
• ક્લેક્ટનની ખાડીમાં ડૂબેલા બીજા ટીનેજરનું મોત
એસેક્સના ક્લેક્ટનની ખાડીમાંથી ૮મી ઓગસ્ટે બહાર કાઢવામાં આવેલા બીજા ટીનેજર લૂટનના ૧૮ વર્ષીય હૈદર શમાસનું પણ મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ૧૦ ઓગસ્ટે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. તેની ૧૪ વર્ષીય બહેન મલિકાનું ૮મીએ જ્યારે અન્ય સંબંધીની ૧૫ વર્ષીય કિશોરી સંપૂર્ણપણે સાજી થઈ જશે તેવી આશા છે. આ ત્રણે બાળકો મોટા પરિવાર અને મિત્રો સાથે આઉટીંગ પર હતા. તેઓ દરિયામાં ડૂબવા લાગતા લાઈફગાર્ડ્સ અને પેરામેડિક્સે તેમને બચાવવા મદદ કરી હતી.
• બાળકોની ભરતી માટે ફ્રી ફૂડ આપતી ‘ચિકન શોપ’ ગેંગ્સ
સ્કૂલમાંથી હાંકી કઢાયેલા બાળકોને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં મળીને તેમને મફત ભોજનની ઓફર આપીને સ્ટ્રીટ ગેંગ્સ બાળકોની ભરતી કરી રહી છે. આ કહેવાતી ‘ચિકન શોપ ગેંગ્સ’ના માણસો દિવસના સમય દરમિયાન સસ્તા ફૂડ આઉટલેટ્સ પર મળતા સ્કૂલે જવાની ઉંમરના બાળકો પર નજર રાખતા હોય છે. આ બાળકો એક વખત ફ્રી ભોજન સ્વીકારી લે તે પછી તેમને ધ્યાન રાખવા જેવા કામો કરવા બદલ નાણાંની ઓફર કરવામાં આવે છે. આ બાબતે તેઓ સંમત થઈ જાય તે પછી તેમને અન્ય કામોની ના પાડે તો ધમકાવી શકાય છે.
• હવે રોયલ એર ફોર્સના જવાનો દાઢી રાખી શકશે
૧૦૦ વર્ષમાં રોયલ એર ફોર્સ(RAF)એ પ્રથમ વખત તેના જવાનો માટે દાઢી વધારવા પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો હોવાને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા સમર્થન અપાયું હતું. મિનિસ્ટ્રીને આશા છે કે આ પગલાંને લીધે વધુ યુવાનો એરફોર્સમાં જોડાશે. RAFએ જણાવ્યું હતું કે ચહેરા પરના વાળ અંગેની નીતિમાં કરાયેલા ફેરફાર મુજબ વાયુદળમાં ફરજ બજાવતા તમામ સભ્યો આગામી ૧ સપ્ટેમ્બરથી સાફસુથરી વ્યવસ્થિત ટ્રીમ કરેલી દાઢી રાખી શકશે. આ અગાઉ તેમને મૂછ રાખવાની પરવાનગી અપાઈ હતી.
• હુમલાખોરના મંતવ્યો માઈગ્રન્ટ્સ વિરોધી
ઓસ્લો નજીક મસ્જિદ પર થયેલી ગોળીબારની ઘટનાને ‘આતંકી કૃત્યના પ્રયાસ’ તરીકે ગણવામાં આવી રહી હોવાનું શકમંદ બંદૂકધારીના મંતવ્યો ઉગ્ર જમણેરી અને ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના હોવાનું નોર્વેની પોલીસે જણાવ્યું હતું. ગયા શનિવારને ૧૦ ઓગસ્ટે આ શકમંદ બેરમના પરાંવિસ્તાર ઓસ્લોની મસ્જિદમાં હથિયારો સાથે પ્રવેશ્યો હતો અને ગોલીબાર ચાલુ કરી દીધો હતો. ૬૫ વર્ષીય એક વ્યક્તિએ તેને ઝડપી લીધો હતો. જોકે, તેમાં તેમને નજવી ઈજા થઈ હતી. હુમલાના કલાકો બાદ બેરમના એક મકાનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તે મૃતદેહ શકમંદની સાવકી બહેનનો હોવાનું જણાવ્યું હતું.
