૯ ઓગસ્ટને શુક્રવારે સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસ એન્ડ ઈમરજન્સી સર્વિસ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ડિફેન્સ હિંદુ નેટવર્ક (DHN)દ્વારા કરાયું હતું. લોકલ કોમ્યુનિટીઝ સાથે રક્ષાબંધનની ઉજવણીમાં ભાગ લેવા માટે આર્મ્ડ ફોર્સીસના હિંદુ અને બિન-હિંદુ ઓફિસરો સમગ્ર યુકેમાંથી આવ્યા હતા. તેઓ ગ્લાસગો, માન્ચેસ્ટર, બ્રેડફર્ડ, લેસ્ટર, મિલ્ટન કેઈન્સ અને સ્વીન્ડનથી આવ્યા હતા.
સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટરના ચેરમેન પ્રદીપ ભારદ્વાજે જણાવ્યું હતું કે રક્ષાબંધન હિંદુઓના મુખ્ય તહેવારો પૈકી એક છે. તેમાં બહેન તેના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેના રક્ષણનું વચન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે સંસ્થાએ નાગરિકોની સેવા અને રક્ષણ કરવા માટે ફરજ નિભાવતા આર્મ્ડ ફોર્સીસ એન્ડ ઈમરજન્સીના કાર્યની પ્રશંસાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જવાનોના કાંડા પર બાંધવામાં આવેલી રાખડી કોમ્યુનિટીની સેવા કરવાનું અને રક્ષણ કરવાનું જ વચન નથી પરંતુ, ફોર્સીસે નિઃસ્વાર્થ ભાવે કરેલી ઉદાહરણરૂપ કામગીરી પ્રત્યે કોમ્યુનિટીનો આભાર દર્શાવવાનું પણ છે.
રક્ષાબંધનની ઉજવણીમાં બ્રિટિશ આર્મી, નેવી, આરએએફ, પોલીસ, ફાયર એન્ડ સેફ્ટી, એમ્બ્યુલન્સ સર્વિસીસ, વિલ્ટશાયર એર એમ્બ્યુલન્સના અધિકારીઓ તેમજ લોર્ડ લેફ્ટનન્ટ ઓફ વિલ્ટશાયરનું પ્રતિનિધિત્વ કરતા શ્રીમતી નિકી આલ્બેરી, ડેપ્યૂટી મેયર ઓફ સ્વીન્ડન કાઉન્સિલર ગેરી પર્કિન્સ, પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર એન્જસ મેકફર્સન, ચીફ કોન્સ્ટેબલ કિયર પ્રીટચાર્ડે ભાગ લીધો હતો.
આચાર્ય કૃષ્ણાજી અત્રી MBE એ કોમ્યુનિટી તેમજ આર્મ્ડ ફોર્સીસના અભિગમથી રક્ષાબંધન ઉત્સવના મહત્ત્વ વિશે પ્રવચન આપ્યું હતું. ડિફેન્સ હિંદુ નેટવર્કના સમર્થક રિયર એડમીરલ ટીમ હોજસન, DHNના ચેરમેન લેફ્ટનન્ટ કર્નલ અશોક રાવ અને આશિષ ચન્નાવરે પ્રવચનો કર્યા હતા.

