૧૮ વર્ષીય શીનાને બચાવવા સમાજ સમક્ષ તેના પરિવારની અપીલ

Wednesday 14th August 2019 06:41 EDT
 
 

લંડનઃ લ્યૂકેમિયાથી પીડાતી વોટફર્ડની ૧૮ વર્ષીય શીના શાહને પોતાની જીંદગી બચાવવા તેને મેચ થાય તેવું બોનમેરો શોધવા માટે માત્ર પાંચ અઠવાડિયાનો સમય છે. એક મહિના અગાઉ તેની કેમોથેરાપી કરાઈ હતી. શીનાને યોગ્ય મેચ નહીં મળે તો તેના માતા-પિતા તેમના બોનમેરો આપવાનો પ્રયાસ કરશે તેમ અખબારી અહેવાલોમાં જણાવાયું હતું. પરંતુ, ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે તેઓ યોગ્ય મેચ ન હોવાથી કદાચ સફળ ન પણ નીવડે. શીના મૂળ ભારતીય હોવાથી યુકેમાં તેને મેચ થાય તેવું બોનમેરો સહેલાઈથી મળવું મુશ્કેલ છે.

શીનાના પરિવારે તેને મેચ થાય તેવું બોનમેરો શોધવા માટે લોકો બોનમેરો રજિસ્ટરમાં જોડાય તે માટે વૈશ્વિક અભિયાન શરૂ કર્યું છે.

કેમ્પેઈન લીફલેટમાં શીનાના માતા-પિતાએ શીનાને બચાવવા મદદ માટે સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું,‘ અમારી પુત્રી શીનાને ૧૫ વર્ષની વયે લ્યૂકેમિયાનું નિદાન થયું હતું. ૨૦૧૮ના અંતે અઢી વર્ષની કેમો સારવાર બાદ અમને લાગ્યું હતું કે તે હવે સાજી થઈ ગઈ છે. પરંતુ, ગયા મહિને લ્યૂકેમિયાએ ફરી ઉથલો માર્યો હતો.’

ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં શીનાના પિતા મિનેશ શાહે જણાવ્યું હતું,‘ અમે તાકીદે ડોનર શોધીએ છીએ. એન્થની નોલાન અને DKMS પણ અમને મદદ કરી રહ્યા છે. અમે અમારી દીકરીને બચાવવા માટે કોમ્યુનિટીને અપીલ કરીએ છીએ.

આપને કોઈ પ્રશ્ર હોય તો મિનેશ શાહનો [email protected] અથવા 07834 092 824 પર સંપર્ક કરી શકો છો.

 


comments powered by Disqus