INS વિરાટ અને રાજીવ ગાંધીનું વેકેશન

Tuesday 14th May 2019 15:41 EDT
 

લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણનું મતદાન રવિવારે સંપન્ન થયું છે. ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પક્ષો વચ્ચે આક્ષેપોનાં મિસાઈલ્સ છૂટતાં જ રહે છે. ભારતના લશ્કરી દળો નરેન્દ્ર મોદીની અંગત જાગીર નથી તેવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપોના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની જાહેરસભામાં રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ ૧૯૮૭ના ડિસેમ્બરમાં પરિવાર અને મિત્રો સાથે લક્ષદ્વીપમાં રજાઓ ગાળવા વિમાનવાહક જહાજ INS વિરાટનો ઉપયોગ ‘પર્સનલ ટેક્સી’ તરીકે કર્યો હોવાનો ઉલ્લેખ કરીને નવો વિવાદ છેડ્યો છે. વડા પ્રધાને આ મુદ્દે ‘ઈન્ડિયા ટુડે’ સામયિકના તે સમયના રિપોર્ટ્સનો હવાલો આપ્યો હતો. કોંગ્રેસના નેતાઓ કહે છે કે રાફેલ, નોટબંધી, જીએસટી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પરથી ધ્યાન અન્યત્ર વાળવા મોદી આક્ષેપો કરે છે.
‘ઈન્ડિયા ટુડે’ના તત્કાલીન પત્રકાર અનિથા પ્રતાપ તેમની વેકેશન અને વિરાટની આ સ્ટોરીને વળગી રહે છે, જે મુજબ આ વેકેશનમાં રાજીવ ગાંધીના પરિવાર ઉપરાંત, તેમના સાસરિયા, સંતાનો સાથે મિત્ર બચ્ચન દંપતી, રાહુલના મિત્રો પણ સામેલ હતાં. રાજીવ ગાંધીએ લક્ષદ્વીપમાં વેકેશન ગાળવા જવા માટે વિરાટના દુરુપયોગ બાબતે ૧૯૮૮માં પણ વિવાદ છેડાયો હતો. જોકે, આ પછી બોફોર્સ વિવાદ ચગ્યો તેના કારણે વેકેશનનો વિવાદ પાછળ ધકેલાઈ ગયો હતો.
લક્ષદ્વીપના તત્કાલીન વહીવટદાર વજાહત હબીબુલ્લાહે કહ્યું છે કે વડા પ્રધાન ગાંધીએ INS વિરાટ પર વેકેશન ગાળ્યું ન હતું. તેઓ કહે છે વડા પ્રધાન ઉપરાંત, અન્ય પ્રધાનો પણ કાવરાટ્ટીના કાર્યક્રમમાં હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર વિરાટને ત્યાં સ્ટેશન કરી રખાયું હતું. આ પછી, તેમણે લક્ષદ્વીપ વેકેશન પર જવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાનના કાર્યક્રમો મહિનાઓ અગાઉ નિશ્ચિત થતાં હોય ત્યારે આ કેટલું વિચિત્ર કહેવાય?
કોચીનસ્થિત સધર્ન નેવલ કમાન્ડના તત્કાલીન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ અને નૌસેનાના પૂર્વ વડા એડમિરલ એલ. રામદાસે પણ વડા પ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી લક્ષદ્વીપ જતી વખતે વિમાનવાહક જહાજ પર આવ્યાં હોવાનું કહ્યું છે. વડા પ્રધાન નેશનલ ગેમ્સના સત્તાવાર ઈનામ વિતરણ કાર્યક્રમ માટે ત્રિવેન્દ્રમ્ આવ્યા હતા અને અન્ય સત્તાવાર કાર્યક્રમ માટે જવાના હતા. જહાજ પર તેમના માનમાં ડિનર પાર્ટી યોજાઈ હતી તે સિવાય અન્ય કોઈ પાર્ટી થઈ ન હતી. વડા પ્રધાને સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને લોકોને મળવા જવા હેલિકોપ્ટર દ્વારા ટુંકા પ્રવાસ કર્યા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે. પૂર્વ એડમિરલનું કહેવું છે કે ગાંધી પરિવારના અંગત ઉપયોગ માટે કોઈ જહાજને ખાસ ડાઈવર્ટ કરાયું ન હતું. ઘણાં તત્કાલીન નૌસેના અધિકારીઓ પણ વેકેશન મુદ્દે કશું બોલતા નથી તે પણ વિચારવા જેવું છે.
આ વિવાદ પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આક્ષેપનો ઉત્તર વાળે તે સ્વાભાવિક છે. રાહુલ પણ સ્વીકારે છે કે તેઓ INS વિરાટ પર હતા, પરંતુ સત્તાવાર પ્રવાસ હતો. કોઈ શા માટે વિમાનવાહક જહાજ પર વેકેશન ગાળે, તે કોઈ ક્રુઝ જહાજ ન હતું. આ વાત એક રીતે સાચી કહેવાય, પરંતુ આક્ષેપ જહાજ પર વેકેશન ગાળવાનો નથી. વેકેશન ગાળવાના સ્થળ સુધી પહોંચવાનો છે. પૂર્વ એડમિરલ રામદાસની વાત માનીએ તો રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી જ જહાજ પર હતાં, રાહુલ અથવા કોઈ વિદેશીઓ તેમની સાથે ન હતા. હવે જો રાહુલ ગાંધી ખુદ કહે છે કે પિતા સાથે તેઓ પણ વિરાટ પર હતા ત્યારે કોનું સાચું માનવું તે ખબર પડતી નથી.
રાજીવ ગાંધી પત્ની કે પરિવાર અને મિત્રો સાથે વેકેશન ગાળવા ગયાં હોય તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. ફાઈલો, સમસ્યાઓ સહિતનાં રાજકારણનું દબાણ એટલું ભારે હોય છે કે થોડો સમય પરિવાર સાથેની હળવાશ જરૂરી બને છે. વડા પ્રધાનના વેકેશનની પ્રાઈવસી જળવાય તે માટે લક્ષદ્વીપ જેવા ટાપુસમૂહની પસંદગી પણ યોગ્ય હતી. જોકે, તેઓ સત્તાવાર વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરી શક્યા હોત.
ભારતના મુખ્ય વિમાનવાહક જહાજનો ઉપયોગ ગાંધી પરિવારને લક્ષદ્વીપ પહોંચાડવા માટે થયો હોય તો પણ તે જહાજ એકલું હોતું નથી. તેના વળાવિયાં-એસ્કોર્ટ જહાજોનો કાફલો પણ સાથે હોય છે. કહેવાય છે કે તેની સાથે સબમરીન પણ હતી. અરબી સમુદ્રમાં ૧૦ દિવસ આ કાફલો નિરુદ્દેશે ફરતો રહે તેની પાછળ કેટલો ખર્ચ થયો હોય તે ઉપરાંત, દેશના સૌથી લડાયક જહાજના આવા ઉપયોગથી નૌસેનાની લડાયક ક્ષમતા પર કેટલી વિપરીત અસર થાય તે પણ વિચારવા જેવું છે.


comments powered by Disqus