અ..ર..ર.ર..ર….! મોંઘુદાટ સોનું એશિયનોને ભારે પડી રહ્યું છે!!

- કોકિલા પટેલ Wednesday 15th May 2019 06:44 EDT
 

દિવસે દિવસે આસમાને જતા સોનાના ભાવ આપણા સમાજ માટે ચિંતાજનક બની રહ્યા છે. ઘરમાં ઘૂસી પરિવારજનો પર ત્રાસ વર્તાવી, લૂંટ મચાવવી કે રસ્તે જતી મા-બહેનોના ઘરેણાં તોડી ભાગી જવાની ઘટનાઓએ માઝા મૂકી છે. પ્રેસમાં જતાં અમારા એક શુભેચ્છક-મિત્ર હરીનભાઇએ તાજેતરમાં એમના પરિચિતને ઘરે બનેલી ઘટનાનો વિડિયો મોકલી આપ્યો છે. પશ્ચિમ લંડનના હંસલોમાં એક શાહ કુટુંબમાં આ ઘટના બની છે. આ ઘરમાં વયોવૃધ્ધ માતા જેઓ માંડ લાકડીને ટેકે ચાલી શકે છે. ઘરના પોર્ચમાં મૂકેલા કેમેરામાં ટેપ થયેલી આ ઘટના મુજબ વૃધ્ધમાજી પોર્ચની ખુરશીમાં બેઠાં છે અને દરવાજે એક વ્યવસ્થિત તૈયાર થયેલી યુરોપિયન મહિલા આવીને ઉભી. તેણીએ બહાર ઉભા ઉભા માજીને એવું કંઇક ઇશારે સમજાવ્યું એટલે ઘરનો દરવાજો ખોલવો કે નહિ એની અવઢવમાં માજી થોડાં ખચકાય છે. પરંતુ થોડીક વારમાં માજી બારણું ખોલે છે, પેલી યુરોપિયન મહિલા એ વૃધ્ધ માજીનો હાથ એના હાથમાં લઇ ચૂમે છે અને એમની સોનાની બંગડીઓ પર હાથ ફેરવે છે, એ વખતે માજી હાથ પાછો ખેંચવા જાય છે પણ પેલી યુરોપિયને માજીનો હાથ બરોબર પકડી હાથમાંથી બંગડીઓ કાઢી લઇ ભાગી જતી દેખાય છે.

આવો જ એક પ્રસંગ સડબરીમાં બન્યો છે. સમર આવ્યો છે એટલે આપણા ભાઇ-બહેનો સાંજનું ડીનર લઇ વોક લેવા જતા હોય છે એમ આ વિસ્તારમાં બે ગુજરાતી મહિલાઓ વોક લેતી હતી ત્યારે સામેથી એક આફ્રો કેરેબિયન યંગ કપલ જતું હતું. ગુજરાતી બહેનોના ગળામાં સોનાના ચેઇન જોઇ પેલા આફ્રો કેરેબિયનનું મન લલચાયું. પેલાએ ચારેબાજુ જોઇ લીધું કે કોઇ આવતું નથી ને! પેલી બે મહિલાઓમાં એકને ખબર પડી ગઇ કે આફ્રો કેરેબિયન ગળામાં ચેઇન ઉપર તરાપ મારવાનો છે એટલે "સ્વામીબાપા...સ્વામીબાપા" નું રટણ સાથે બે હાથ ગળા પર રાખી ચેઇન દબાવી રાખ્યો તેમ છતાં અડધો ચેઇન તોડી લીધો અને બીજી બહેનનો તો આખો ચેઇન તોડી ભાગી છૂટ્યો. આ જ વિસ્તારમાં કાન્તિભાઇ પટેલને ત્યાં સાંજે ઘરના ફ્રંટ ડોરને લાત મારી તોડી ત્રણ યુરોપિયન અને એક આફ્રો કેરેબિયન ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સીધા જ પટેલનાં ધર્મપત્નીના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ ઉતારવા માંડી હતી. પરંતુ સાવચેત કાન્તિભાઇએ નજીક પડેલા ફોનથી પોલીસને ઇનફોર્મ કરી દેતાં લૂટારા ભાગી છૂટ્યા હતા.


comments powered by Disqus