‘ઓડિયન્સ એટલું બધું છે કે મેદાનમાં હવે અંદર પ્રવેશી શકાય એમ નથી.’
‘બે દિવસ સંગીતમય બની રહેશે એ વાતનો આનંદ છે.’
‘ગાયો માટે તો લોકો બહુ પૈસા લખાવશે જોજો.’
‘સાત લાખ રૂપિયા મણિનગર ગાદી સંસ્થા તરફથી આરંભે ગાય માતાની સેવામાં લખો...’
આ અને આવા અનેક વાક્યો વાતાવરણમાં સંભળાયા અને ગાયમાતા જેમાં દેવતાઓનો વાસ છે, જેનું દૂધ શરીરને પોષણ આપે છે, જેનું હંમેશા પૂજન થાય છે, એના પ્રત્યે લાગણી સાથે બે દિવસની સાંજથી મોડી રાત્રિ સુધીનો સમય સૂરમયી બની રહ્યો હતો.
અવસર હતો લાખ્ખો લોકો માટે જેમના આશીર્વાદ અને વિચારો પ્રેરક બની રહ્યા છે એવા આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા માધાપર શ્રી સ્વામીનારાયણ મંદિર અમૃત મહોત્સવનો. પૂજ્ય મુક્તજીવન સ્વામીબાપાના અનેક સંસ્મરણો પણ કચ્છ સાથેના રહ્યા છે એનુંયે ભાવપૂર્ણ સ્મરણ રહ્યું હતું.
દિલેરી, દાતારી અને દયાથી ભર્યાભર્યા લોકોનો મુલક એટલે કચ્છ. કચ્છમાં વરસાદ ઓછો વરસે, પરંતુ કચ્છીઓ જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં મન મુકીને વરસે. દેશ-વિદેશમાં ફેલાયેલા મહેનતકશ કચ્છી લોકો જેમ પૈસો રળવામાં આગળ તેમ જ એ પૈસો શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે વાપરવામાં, ધર્મ કે ગાયોની પાંજરાપોળો માટે વાપરવામાં પણ હંમેશા આગળ રહે. દાન-ધરમ કરવાના હોય કે કથા-કીર્તન અને ભોજનના આયોજનો હોય, કચ્છના લોકો હંમેશા ઉદારતાથી અને ઉમળકાથી આવા કાર્યોમાં જોડાય છે.
કાર્યક્રમની કલ્પના અને ડિઝાઈન કરનાર મુંબઈના જાણીતા સંગીતકાર કીર્તી વરસાણી કહે છે કે ‘આ વર્ષે કચ્છમાં વરસાદ ઓછો પડ્યો. ખબર હતી કે પાણી વિનાના મે-જુન-જુલાઈના દિવસો બહુ કાઠા પડવાના છે અને એટલે ચાર મહિના પહેલા જ આ ઉત્સવ નિમિત્તે બે દિવસના સંગીતના કાર્યક્રમો દ્વારા ગૌસેવા માટે ફાળો એકત્ર કરીને ગાય માતાની સેવા કરવાની, તેમનું સંરક્ષણ કરવાની ઈચ્છા હતી અને એ મુજબ આયોજનો નક્કી કરી દીધું હતું.’
ગામલોકો અને યુવાનો પાસે વાત મૂકી તો સહુએ સાથે મળીને વાત ઉપાડી લીધી અને આમ આખું યે આયોજન હાથ ધરાયું. મણિનગર શ્રી સ્વામીનારાયણ સંસ્થાન, શ્રી કચ્છ માધાપર લેઉઆ પટેલ જ્ઞાતિ મંડળ, માધાપર લેઉઆ પટેલ યુવક સંઘ અને ગામના યુવાનો આયોજનમાં જોડાયા. મુંબઈ-ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોએ પણ સાથ આપ્યો. ઓસમાણ મીર, ગીતાબહેન રબારી, મુખ્તાર શાહ, ફિરોઝ લાડકા, જ્હાન્વી જોષી, હરગુણકૌર, નિકિતા વાઘેલા, નઈમ દાફરાણી, કલ્પેશ વેકરિયા જેવા જાણીતા ગાયકો, ૨૭ વાદ્યકારો અને ૪૧ કોરસ ગાયકો સાથે મને પણ સાથી કોમ્પેર ઝરણા સાથે પર્ફોમ કરવા મળ્યું એનો આનંદ હતો.
‘ગૌ સેવા મેં પ્રાણી તું
થોડા લગા લે ધ્યાન
જૂઠી જગ કી માયા યે સબ
કર લે પ્રભુ કા કામ...’
જેવી અનેક પંક્તિઓ અને સંસ્કૃત શ્લોકમાં સમાયેલ ગાય માતા પ્રત્યેનો ભક્તિનો-પ્રેમનો ભાવ સમગ્ર વાતાવરણમાં ગુંજતો હતો. ગાય આપણને પંચગવ્ય આપે છે અને તેના અનેક આયુર્વેદિક ગુણો છે. જેના કારણે ગાયોના માનવજાત ઉપર અનંત ઉપકાર છે. એ ઉપકારને વશ થઈને માણસે ઉનાળાના આ દિવસોમાં ગાયોના તથા અન્ય પશુ-પંખીના જતન માટેના પ્રયાસોમાં જોડાવું જોઈએ. જ્યાં જ્યાં વ્યક્તિગત કે સામૂહિક રીતે ગૌ રક્ષાના-ગૌ સંરક્ષણના પ્રયત્નો થતા હોય તેમાં ક્ષમતા મુજબ તન-મન ધનથી જોડાવું જોઈએ. ગૌમાતા પ્રત્યે આવી સેવાભાવના જોવા મળે ત્યારે ભારતીય સંસ્કૃતિના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.
