‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી સી બી પટેલમાં અજબનું જ્ઞાન અને ગજબની શક્તિ છે. એકલા ‘જીવંત પંથ’માં જ નહીં, પરંતુ, બન્ને સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ માં તેમણે જે જ્ઞાન પીરસ્યું છે તે આટલા વર્ષોમાં દુનિયાભરના અસંખ્ય વાચકોએ વાંચ્યુ છે. તે વાંચીને આપણને તેમના પર માન અને ગૌરવ થાય છે. ગજબની શક્તિ, મોટી ઉંમર, ડાયાબિટીસ, માથે ખૂબ જવાબદારી છતાં ચાલીને અથવા બસમાં કે ટ્રેનમાં, જ્યાં આમંત્રણ મળ્યું હોય ત્યાં પહોંચી જાય છે. તેમના દિલમાં દયાનો ભાવ પણ કેવો કે રસ્તામાં ભીખ માગતા રામરખા જેવા હિંદુ લાચાર પુરુષને ઘરે લઈ જઈ બધી જાતની આગતા સ્વાગતા કરીને તેને સારો રસ્તો દેખાડે છે. પછી ભલેને તે દિવસે તેમને બીજા આમંત્રણમાં પણ ન જઈ શકાય.
સી બી પટેલને મેં પહેલી વખત કિંગ્સબરી ફેરમાં જોયા અને હું તેમને કહેવા ગઈ કે આજના ફેરમાં હું પણ જોક્સ કહેવા આવી છું. આગળની સીટમાં બે જગ્યા હતી. તેમણે મને બેસાડીને બાજુની સીટમાં પોતે બેઠા. થોડીઘણી વાતો કરીને તેમણે મને પૂછ્યું કે તમારા પતિ ક્યાં? મેં કહ્યું કે છેલ્લી લાઈનમાં બેઠા છે. સીબીએ તુરંત પાછળ જોયું. મારા પતિએ હાથ ઉંચો કરીને નમસ્કાર કર્યા. સીબી તુરત જ ત્યાં ગયા અને મારા પતિને આગળ લાવીને પરાણે તેમની જગ્યાએ બેસાડ્યા. સીબી પોતે છેલ્લી જગ્યામાં જઈને બેઠાં. ત્યારે મને સ્વ. રાજકપુરની ફિલ્મ ‘જીસ દેશમેં ગંગા બહતી હૈ’નું ગીત યાદ આવી ગયું ‘મહેમાં જો હમારા હોતા હૈ વો જાન સે પ્યારા હોતા હૈ’.
વાચકમિત્રો, સીબીનું ‘જીવંત પંથ સર્વોત્તમ ૮૦’ (૨૦૦૫-૨૦૧૦) ખરેખર ભવ્ય છે. તેમાં પહેલા જ પાને સ્વામી સચ્ચિદાનંદજીએ સી બી વિશે જે હકીકતો લખી છે તે વાંચીને સી બી પર ગર્વ થાય છે. તેમણે લખ્યું છે, ‘આ પુરુષ એક અડીખમ યોદ્ધાની માફક વિપરિત પરિસ્થિતિમાં પોતાના કર્તવ્ય માટે અડીખમ ઉભા રહ્યા છે. આ દેશના અસંખ્ય બ્રિટનવાસી ભારતીય સમુદાય સામે જ્યારે જ્યારે ખરાબ પડકારો સર્જાયા છે, ત્યારે સીબી તેમની વહારે પહોંચ્યા છે. ઈતિહાસ પણ આ વાતનો સાક્ષી છે.
ધન્ય છે સીબી
સીબીએ ‘જીવંત પંથ સર્વોત્તમ ૮૦’માં પાન ૨૯૮ પર ૧૯૫૪માં બનેલી ફિલ્મ ‘નાસ્તિક’નું ગીત લખ્યું છે. ‘ગગન ઝનઝના રહા, પવન સનસના રહા’ આવા સુંદર ગીત બદલ આભાર.
