વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પરના જીવન પરથી બાયોપિક બનાવીને રિલીઝ માટેની વાતો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથની બાયોપિકની ચર્ચા ચાલી છે. ચૂંટણી પૂરી થયા પછી યોગીની બાયોપિક રિલીઝ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક હજીય રિલીઝ નથી થઈ. ચૂંટણી પૂરી થયા પછી ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. તેથી જ બોલિવૂડમાં રાજકીય નેતાઓની બાયોપિક પણ કદાચ ચૂંટણી પછી જ રિલીઝ કરવાનો નિર્ણય ફિલ્મમેકર્સ લઈ રહ્યાં છે. તાજી જાણકારી પ્રમાણે એક્ટર કુમુદ મિશ્રા હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પરથી આધારિત ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા દેખાશે. કુમુદ મિશ્રા ‘એરલિફ્ટ’ અને ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. સાંભળવામાં આવ્યું છે કે કુમુદ મિશ્રાની આ ફિલ્મ બનારસના બેકડ્રોપ પર આધારિત હશે, જેમાં સ્થાનિકોનું જીવન પણ દર્શાવાશે. ડિરેક્ટર ઝૈઘમ ઈમામે ફિલ્મ અને કુમુદ મિશ્રાના કેરેક્ટર વિશે કહ્યું છે કે, કુમુદ બનારસના સ્થાનિક નેતાનું પાત્ર ભજવશે. આ કેરેક્ટર યોગી આદિત્યનાથના જીવન પરથી આધારિત છે અને તે પોઝિટિવ હશે. ડિરેક્ટરે જણાવ્યું કે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે અને ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા તૈયાર છે.

