રામમંદિરઃ સંવાદથી સમાધાન સુધી

Tuesday 14th May 2019 15:42 EDT
 

ભારતની લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પણ રામમંદિર નિર્માણનો મુદ્દો એટલો ગાજ્યો કે વરસ્યો નથી. બધાની નજર સુપ્રીમ કોર્ટ પર જ છે. અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે રચેલી મધ્યસ્થી સમિતિએ કોર્ટ પાસેથી વધુ ચર્ચા માટે સમયની માગણી કરી છે, જેને કોર્ટે માન્ય રાખી ૧૫મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સમિતિએ સાતમી મેએ સુપ્રીમ કોર્ટને તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બંધારણીય બેન્ચે જણાવ્યું છે કે કમિટી તેના અંતિમ નિર્ણય પર પહોંચી શકી નથી અને આ માટે તે સમય માગે છે. રામમંદિરનો માર્ગ સંવાદથી સમાધાન તરફનો જ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ કેસમાં આટલા વર્ષો વીતી ગયાં છે ત્યારે સમિતિને વધુ થોડો સમય આપવામાં કોઇ વાંધો ન હોવો જોઇએ. બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે તેમને આઠ સપ્તાહમાં જ રિપોર્ટ મળી ગયો છે. રિપોર્ટ ગુપ્ત રાખવાનો હોવાથી કોર્ટે તેની માહિતી આપવા ઈનકાર કર્યો છે. આ સમિતિ ફૈઝાબાદમાં ભારે સુરક્ષા વચ્ચે રિપોર્ટ તૈયાર કરી રહી છે. સીસીટીવી કેમેરા સહિતની ભારે સુરક્ષા વચ્ચે કમિટી કામગીરી શરૂ કરશે, જે આગામી ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે.
ગત આઠ માર્ચની સુનાવણીમાં અયોધ્યા વિવાદના વાતચીતથી સમાધાન માટે નિવૃત્ત જસ્ટિસ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લાના વડપણ હેઠળ રચાયેલી ત્રણ સભ્યની મધ્યસ્થતા પેનલમાં સીનિયર એડવોકેટ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરનો સમાવેશ થયો છે.
આ જટિલ મામલાનો સમાધાનકારી માર્ગ શોધવા પ્રયાસ આવશ્યક છે. જો મધ્યસ્થતા પેનલ માનતી અને કહેતી હોય કે વાતચીત સકારાત્મક દિશામાં ચાલી રહી છે ત્યારે તેમને થોડો વધુ સમય આપવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ સકારાત્મકતા અપનાવીને શાંતિપૂર્વક લાવી શકાશે. આ હવે માત્ર ટાઈટલ કે જમીનમાલિકીના હકનો દાવો નથી. સમગ્ર દેશની લાગણી અને આસ્થા તેની સાથે સંકળાયેલી છે એ તો કોર્ટ પણ માને છે.
કાનૂની દાવામાં એક પક્ષનો વિજય અને બીજાનો પરાજય તેમજ પરંતુ સમાજ પર તેની નકારાત્મક અસર પણ નિશ્ચિત રહે છે. દેશના બે મુખ્ય સમુદાયો વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી ચાલી આવતું વૈમનસ્ય પણ વધી જશે. આ વિચારીને જ કોર્ટે મધ્યસ્થતાનો પ્રયાસ આગળ વધાર્યો છે.
કદાચ આ કારણે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર અંગે કોઈ કાયદો કે વટહુકમ બહાર પાડવાના બદલે કોર્ટના આદેશની રાહ જોઈશું એમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની રાહબરી હેઠળની સમાધાન પ્રક્રિયામાં બંને સમુદાયોને મંજૂર હોય એવો ઉકેલ કાઢી શકાય છે. બંને પક્ષોએ નમતું જોખવું પડશે, થોડું ઘણું જતું પણ કરવું પડશે, પરંતુ તેના કારણે હાર કે જીત જેવી ભાવનાનો સામનો નહિ કરવો પડે.


comments powered by Disqus