નવી દિલ્હીઃ શીખ મતદારોનું વર્ચસ ધરાવતી દિલ્હી અને હરિયાણાની લોકસભા બેઠકો માટે રવિવારે - ૧૨ મેના રોજ મતદાન યોજાવાનું હતું તે ટાંકણે જ જાણીતા ટેક્નોક્રેટ અને ઇંડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ૧૯૮૪ના શીખ રમખાણ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી હતી. પિત્રોડાએ ૧૯૮૪નાં શીખ રમખાણો મુદ્દે એવી ટિપ્પણી કરી હતી કે, ‘હુઆ તો હુઆ...’ તેમના આ શબ્દોથી શાસક ભાજપને કોંગ્રેસને ભીંસમાં લેવાનો મોકો મળી
ગયો હતો.
બીજી તરફ, પિત્રોડાના શબ્દોથી પક્ષને નુકસાન થઇ શકે છે તેવો અણસાર આવી જતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદનને વખોડતાં કહ્યું હતું કે સામ પિત્રોડાને આવું બોલતાં શરમ આવવી જોઇએ. તેમણે જે કંઇ પણ કહ્યું છે તે ખોટું છે. તેમણે દેશની માફી માગવી જોઇએ. સોમવારે પંજાબના ફતેહગઢ સાહેબમાં રેલીને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે મેં આ અંગે તેમની સાથે ફોન પર વાત કરી છે. મેં તેમને ફોન પર જણાવ્યું છે કે તમે ૧૯૮૪ અંગે જે કંઇ પણ કહ્યું છે તે બદલ તમને શરમ આવવી જોઇએ અને તમારે દેશની માફી માગવી જોઇએ. રાહુલે જણાવ્યું હતું કે ‘હું આ અંગે વિચારતો નથી એમ કહેવું તે પણ વધુ એક જૂઠ છે.’
પિત્રોડાએ પણ પોતાના શબ્દો અંગે દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારી હિન્દી ખરાબ છે. તેમણે જણાવ્યું હતું કે હું એમ કહેવા માગતો હતો કે જે થયું તે ખરાબ થયું. ‘હું ખરાબ થયું’નો હિન્દી અનુવાદ બરાબર રીતે કરી શક્યો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.’ જોકે પિત્રોડાએ આ નિવેદન આપ્યું ત્યાં સુધીમાં તો ભાજપ સહિતના પક્ષોએ તેમના પર ટીકાની ઝડી વરસાવી દીધી હતી.
આ શબ્દો કોંગ્રેસનો
અહંકારઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતકમાં રેલીને સંબોધતા કોંગ્રેસનાં નેતા સામ પિત્રોડાને આ મુદ્દે ઘેર્યા હતા. મોદીએ આક્ષેપો કર્યા હતા કે, ‘કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ શીખવિરોધી રમખાણોને માત્ર ૩ શબ્દોમાં જ સમેટી લીધા, જે શીખો પ્રત્યે તેમની નફરત અને ગુસ્સો દર્શાવે છે. આ નેતા ગાંધી પરિવારનાં ખુબ જ નીકટનાં છે. ૧૯૮૪નાં રમખાણો વખતે હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનાં અનેક શીખોની હત્યા કરાઈ હતી અને આજે કોંગ્રેસ કહે છે, હુઆ તો હુઆ...’
મોદીએ કહ્યું કે આ ત્રણ શબ્દોમાં કોંગ્રેસનો અહંકાર સમજી શકાય છે. કોંગ્રેસ માટે લોકોનાં જીવનનું કોઈ મૂલ્ય નથી. કોંગ્રેસ અને તેની સાથીઓથી સાવધ રહેવાની લોકોએ જરૂર છે. કોંગ્રેસે ૭૦ વર્ષ દેશ ચલાવ્યો પણ તેના દિલ અને દિમાગમાં શું ભર્યું છે તે જુઓ.
કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર અને બ્લેકમની મુખ્ય પ્રવાહ બની ગયા અને કોંગ્રેસ ગરીબોની મલાઈ જ ખાતી રહી. કોંગ્રેસ કેટલી સંવેદનહીન છે એ તેનાં ત્રણ શબ્દો પરથી દેખાઈ આવે છે. તેનાં એક નેતાએ ૧૯૮૪નાં શીખ રમખાણો અંગે કહ્યું, હુઆ તો હુઆ. આ નેતા રાજીવ ગાંધીનાં સારામાં સારા મિત્ર હતા અને કોંગ્રેસનાં નામદારનાં ગુરુ છે. તેમના માટે ઈન્સાન એ ઈન્સાન નથી. જીવનનું કોઈ મૂલ્ય નથી. હજારો શીખોની હત્યા કરાઈ અને ઘર સળગાવાયા. અનેક રાજ્યોમાં શીખોને નિશાન બનાવાયા અને કોંગ્રેસનાં નેતા કહે છે હુઆ તો હુઆ. હરિયાણાની જનતા આનો જવાબ દેશે.
રાજીવે કહ્યું હતું કે...
વડા પ્રધાન મોદીએ ૧૯૮૪નાં શીખ રમખાણો અંગે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની વીડિયો ક્લિપને ટાંકતાં કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા કેવી છે એ તેમનાં નિવેદનો પરથી જણાઈ આવે છે. તેઓ વર્ષો સુધી લોકોની અવગણના કરતા આવ્યા છે. રાજીવ ગાંધીએ જ તે વખતે કહ્યું હતું કે, જબ બડા પેડ ગિરતા હૈ તબ જમીન હિલતી હૈ. આ બાબત કોંગ્રેસનું ઘમંડ દર્શાવે છે. જનતા જવાબ આપવા તૈયાર છે.
પિત્રોડાએ શું કહ્યું હતું?
૧૯૮૪માં શીખોની હત્યાની સૂચના રાજીવ ગાંધી દ્વારા અપાઇ હતી કે કેમ તેવા ભાજપનાં દાવા અંગે જ્યારે પિત્રોડાને સવાલ પૂછાયો ત્યારે તેમણે ઉશ્કેરાઇને જવાબ આપ્યો હતો કે, રમખાણો તો ૧૯૮૪માં થયા હતા. હવે ૮૪નું શું છે? તમે પાંચ વર્ષમાં શું કર્યું તેની વાત કરો. ૧૯૮૪માં હુઆ તો હુઆ... આપને ક્યા કિયા? તેવો પ્રશ્ન મોદીના શીખ રમખાણોની ટિપ્પણી પછી સામ પિત્રોડાએ કર્યો હતો.
ભાજપ-સાથી પક્ષોનો વિરોધ
પિત્રોડાનાં આ નિવેદન પછી ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે. તો સહયોગી પક્ષ શિરોમણિ અકાલી દળે પણ વિરોધ પ્રદર્શન યોજીને તેમના આક્રોશને વાચા આપી છે. અકાલી દળના સભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર દેખાવો-પ્રદર્શન કરીને તેમના આક્રોશને વાચા આપી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે પિત્રોડાનું નિવેદન ટ્વિટ કરીને કોંગ્રેસ પાસે જવાબ માગ્યો છે. તેમણે કહ્યું કે દેશ મર્ડરર કોંગ્રેસને તેના પાપ માટે ક્યારેય માફ નહીં કરે. પ્રકાશ જાવડેકરે તેમની ટિપ્પણીને પરેશાન કરનારી ગણાવીને ટ્વિટ કર્યું છે કે, તેઓ એટલે કે પિત્રોડા કહી રહ્યા છે કે ૧૯૮૪માં નરસંહાર થયો તો શું? દેશને આ ટિપ્પણી અસ્વીકાર્ય છે. અમે આ સાંખી લઈશું નહીં. કોંગ્રેસ લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે. તેઓ રાહુલ ગાંધીના ગુરુ છે. જો ગુરુ આવા હશે તો ચેલા કેવા હશે? જનતાની ભાવનાઓ પ્રત્યે તે અસંવેદનશીલ છે.

