• આત્મહત્યા, ડ્રગ અને આલ્કોહોલના ઓવરડોઝથી થતાં મૃત્યુમાં વધારો
મધ્યમ વયના બ્રિટિશરોમાં આત્મહત્યા, ડ્રગ અને આલ્કોહોલના ઓવરડોઝને લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં વધારો થયો હોવાની ચેતવણી આપવાની સાથે ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે સામાજિક અસમાનતા વિશે તેના પાંચ વર્ષના મોટા અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. થીંક ટેંક દ્વારા જણાવાયું હતું કે ‘ડેથ્સ ઓફ ડિસ્પેર’તરીકે ગણાતા આ પ્રકારના મૃત્યુમાં વધારો ઓછા શિક્ષિત લોકો માટે સંચિત ગેરલાભની પ્રક્રિયા સાથે કદાચ સંકળાયેલી હોઈ શકે. આ પ્રકારના મૃત્યુમાં ૪૫થી ૫૪ની વય વચ્ચેના લોકોમાં શરાબ પીવાથી લિવર સંબંધિત રોગોને લીધે થતાં મૃત્યુનો સમાવેશ થાય છે અને તેમાં ૧૯૯૩થી ૨૦૧૭ વચ્ચે સતત વધારો થયો હતો.
• હોસ્પિટલથી ઘરે જઈ રહેલા દર્દીનું રસ્તામાં મૃત્યુ
થોડા કલાકો પહેલા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એમ્બ્યુલન્સમાં ઘરે પાછા જઈ રહેલા ૭૯ વર્ષીય જીન હચીન્સનનું રસ્તામાં મૃત્યુ થયું હતું. તેમને ન્યૂમોનિયા હતો તે છતાં ડોક્ટરોએ બધું સારું થઈ જશે તેમ કહીને તેમને રજા આપી દીધી હતી. તેમને મીડલ્સબરોની જેમ્સ કૂક યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• દર્દીને ખોટી રીતે ગોંધી રાખવા બદલ હોસ્પિટલને દંડ
મહિલા દર્દીને તેના ઘરે પરિવાર પાસે જવા દેવાનો ઈન્કાર કરીને ચાર મહિના સુધી ખોટી રીતે ગોંધી રાખવા બદલ એક NHSની કિંગ્સ કોલેજ હોસ્પિટલ NHS ફાઉફન્ડેશનને દંડ કરાયો હતો. આવી કાર્યવાહીમાં દંડનો ભોગ બનનારી આ પ્રથમ હોસ્પિટલ હતી. હોસ્પિટલે તે પેન્શનરને તેમની મરજી વિરુદ્ધ ગોંધી રાખ્યા બાદ ‘મરવા માટે’ અપૂરતી સુવિધાવાળા નર્સિંગ હોમમાં મોકલી આપી હતી. કાયદાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટે તેના ચુકાદામાં જંગી રકમનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદો દર્દીઓના હક્કોને વધુ મજબૂત બનાવે તેવો અને ભવિષ્ય માટે દાખલો બેસાડે તેવો છે.
• એટન કોલેજ વિદ્યાર્થીઓને આભાર વ્યક્ત કરવાનું શીખવાડશે
એટન કોલેજ તેના વિદ્યાર્થીઓની ખુશી સુધારવાના પ્રયાસમાં આભાર કેવી રીતે વ્યકત કરવો અને કેવી રીતે ઉદાર બનવું તે શીખવશે. અભ્યાસક્રમમાં આ બાબતો ખૂટતી હોવાનું જણાતા સ્લાઉ નજીક આવેલી આ બોર્ડિંગ સ્કૂલ દ્વારા નવા પાઠ શીખવાડવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ડેવિડ કેમરન, બોરિસ જહોન્સન, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીનો સમાવેશ થાય છે.
• જમ્યા પછી બીલ ન ચૂકવનારને ૩૪ વીકની જેલ
ગયા ડિસેમ્બરમાં ફ્રેન્કી એન્ડ બેનીસમાં છ કલાક સુધી ભોજન જમ્યા પછી ૫૨.૯૧ પાઉન્ડનું બીલ ચૂકવવાનો ઈન્કાર કરનાર ૬૪ વર્ષીય પોલ રોકેટ્ટને કેમ્બ્રીજ ક્રાઉન કોર્ટે ૩૪ અઠવાડિયાની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે તેને બીલ ચૂકવ્યા વિના હોટલ છોડવાનો, રેસ્ટોરન્ટમાં જવા પર પ્રતિબંધનો ભંગ કરવાનો અને સેક્સ ઓફેન્ડર્સ નોટિફિકેશન રુલ્સનું પાલન ન કરવાનો દોષી ઠેરવ્યો હતો.
• જેલમાંથી મુક્ત કરાયેલા અનુયાયીનો નિવાસ અંજેમ ચૌધરીની નજીકમાં
સૈનિકોની હત્યાનું કાવતરું ઘડવા બદલ જેલભેગા કરાયેલા અંજેમ ચૌધરીના અનુયાયી ૨૪ વર્ષીય રાઝી ઈસ્લામને જેલમાંથી છોડી દેવાયો હતો અને હવે તે અંજેમ ચૌધરીના નિવાસથી એક માઈલ જેટલા અંતરે રહે છે. તે જેલની આઠ વર્ષમાંથી અડધી સજા ભોગવ્યા બાદ મુક્ત કરાયેલો ચૌધરીનો હાલનો અનુયાયી છે. તેણે સૈનિકોની હત્યા કરવા અને પાઈપ બોમ્બ બનાવવાની સામગ્રી ખરીદવા માટે અભ્યાસમાં નબળી ટીનેજરને તૈયાર કરી હતી.
• વયસ્ક બાળકો માટે ખર્ચનો ક્લેઈમ કરતા સાંસદો
એક મિનિસ્ટર સહિત સાંસદો એડલ્ટ બાળકો તેમના પર આધારિત હોવાનું જણાવીને તેમની રકમ પણ ક્લેઈમ કરીને ખર્ચ વધારતા હોવાનું ‘ધ ટેલીગ્રાફ’ દ્વારા જણાવાયું હતું. ૨૦૧૭માં અમલમાં આવેલા નિયમ મુજબ સાંસદો બીજા ઘરના ખર્ચા માટે બાળક દીઠ ૫,૪૦૦ પાઉન્ડ સુધીનો ક્લેઈમ કરી શકે છે. દર વર્ષે ૧૧૧,૧૪૮ પાઉન્ડ કમાતા એનર્જી મિનિસ્ટર ક્લેર પેરી તેમને ૧૭, ૧૯ અને ૨૨ વર્ષના ત્રણ બાળકો હોવાનું દર્શાવીને તેમને મળતા ૨૨,૭૬૦ પાઉન્ડના સ્ટાન્ડર્ડ એલાવન્સ પર ૯,૮૪૬ પાઉન્ડનો ક્લેઈમ કરે છે.
• 101 પર કોલનો ચાર્જ બંધ કરવા ટોક ટોક સંમત
ગુના વિશે પોલીસને જાણ કરવા માટે વધુ છ મિલિયન લોકોએ હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ટોક ટોક ૧૦૧ પર ફોન કરવા માટે થતો ચાર્જ વસૂલવાનું બંધ કરવાની જાહેરાત કરનારી હાલની કંપની બની હતી. ગુનાની જાણ કરવા માટે પણ ફોનના નાણાં ચૂકવવા પડે છે તે માટે લોકો દ્વારા વધી ગયેલા રોષ વચ્ચે વોડાફોન દ્વારા આવું પગલું લેવાયા બાદ વધુ ૧૩ મિલિયન ગ્રાહકો ૧૦૧ પર ફ્રી કોલ કરી શકશે.
• દસમાંથી ચાર લોકો ફેક ન્યૂઝ ફોરવર્ડ કરે છે
સોશિયલ મીડિયા પર રાજકારણને લગતા ન્યૂઝ શેર કરતાં દર દસમાંથી ચાર લોકોએ ખોટા અથવા અચોક્કસ ન્યૂઝફોરવર્ડ કરતા હોવાનું કબૂલ્યું હતું તેમ લફબરો યુનિવર્સિટીના ઓનલાઈન સિવિક કલ્ચર સેન્ટર (OCCC)ના અભ્યાસમાં જણાયુ હતું. ૧૮.૭ ટકા લોકોએ બીજા લોકોને ચિંતામાં મૂકવાના ઈરાદાસર તેમ કરતા હોવાનું જણાવ્યું હતું.
• સ્ટેબિંગ કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
સુપરમાર્કેટ કાર પાર્કમાં જીવલેણ સ્ટેબિંગ કરવાના આરોપસર ૨૬ વર્ષીય આકીબ પરવેઝને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેના પર ૮મી મેએ લંચટાઈમ દરમિયાન સ્લાઉની વેલિંગ્ટન સ્ટ્રીટમાં ટેસ્કોના અંડરગ્રાઉન્ડ કાર પાર્કમાં ૨૪ વર્ષીય નદીમ ઉદ્દીન હમીદ મોહમ્મ્દની હત્યા કરવાનો આરોપ છે.
• અત્યારે થતા લગ્નમાં ભંગાણની ઓછી શક્યતા
અત્યારે પરણતાં યુગલોમાં ૧૯૮૦ના દાયકામાં પરણેલાં યુગલો કરતાં ડિવોર્સની શક્યતા ખૂબ ઓછી રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. પારિવારિક સ્થિરતાની તરફેણ કરતી ચેરિટી મેરેજ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા સંશોધનમાં જણાયું હતું કે ૧૯૬૩માં જે યુગલ પરણ્યા હતા તેમના જીવન દરમિયાન ડિવોર્સનું જોખમ માત્ર ૨૮ ટકા હતું, જે ૧૯૮૬ અને ૧૯૮૯ વચ્ચે પરણેલા યુગલોમાં વધીને સૌથી વધુ ૪૪ ટકા હતું. પરંતુ, છેલ્લાં થોડાં વર્ષોમાં ઘટીને ૩૫ ટકા પર પહોંચ્યુ હતું.
• આતંકવાદ કરતાં સુનિયોજીત ગુના વધુ જોખમકારક
નેશનલ ક્રાઈમ એજન્સી મુજબ ગંભીર અને સુઆયોજિત ગુના દ્વારા ઉભું થતું જોખમ દીર્ઘકાલિન અને વિનાશક હોય છે. હવે તે આતંકવાદ કરતાં પણ મોટું જોખમ છે.
• ભરતી માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતું ISIL
આઈએસઆઈએલના આતંકવાદીઓ જેહાદને પ્રોત્સાહન આપવા અને પશ્ચિમના દેશો પર આતંકી હુમલા કરવા સમર્થન મેળવવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવાનું ધ સન્ડે ટેલીગ્રાફ દ્વારા જણાવાયું હતું. તે ફોટોગ્રાફ્સ અને કાફિરોની હત્યાની ઉજવણી મનાવતી ટેક્સ્ટ તેમજ મૃત સૈનિકોની અને માથું કાપતી તસવીરો તથા તાજેતરમાં શ્રીલંકામાં થયો તેવા આતંકી અત્યાચારની ધમકી પોસ્ટ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થાને નાકામ બનાવે છે.
• બ્રિટનમાં રહેવા દેવા પાકિસ્તાની ખ્રિસ્તીની અરજ
ચાર વર્ષ અગાઉ પાકિસ્તાનમાં ધર્મનિંદાના કઠોર કાયદા સામે વિરોધ દર્શાવીને બ્રિટન નાસી આવેલા ૪૫ વર્ષીય ખ્રિસ્તી વ્યક્તિ અઝીમ વઝીરે જણાવ્યું હતું કે હોમ ઓફિસ તેને પાકિસ્તાન પાછો મોકલી દેશે તો ત્યાં તેની હત્યા થઈ જશે. બ્રિસ્ટોલમાં ચર્ચના કેરટેકર તરીકે ફરજ બજાવતા વઝીરને હિથરો નજીક કોનબ્રુક સેન્ટરમાં રખાયા છે.
• હેરડ્રેસરની તંગીને લીધે કેમ્બ્રીજમાં પ્રવેશ ન લેતા અશ્વેત વિદ્યાર્થીઓ
કેમ્બ્રીજમાં આફ્રો-કેરેબિયન હેરડ્રેસર ન હોવાથી અશ્વેત વિદ્યાર્થીઓ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરતા ન હોવાનું યુનિવર્સિટીના પ્રો-વાઈસ-ચાન્સેલર પ્રો. ગ્રેહામ વર્ગોએ જણાવ્યું હતું. આ સંસ્થામાં અશ્વેત વિદ્યાર્થીઓ શા માટે પ્રવેશ લેતા નથી તેના વિશેના અભ્યાસમાં આ અમપેક્ષિત કારણ બહાર આવ્યું હતું.
• કેન્ટના સેન્ટરમાં ક્લિનર બે દિવસ લિફ્ટમાં ફસાઈ
કેન્ટના માર્ગેટ એડલ્ટ એજ્યુકેશન સેન્ટરમાં ૫૦થી ૬૦ વચ્ચેની વયની મહિલા ક્લિનર બે દિવસ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી હતી. તેને બહાર કાઢીને હોસ્પિટલે લઈ જવાઈ હતી. લિફ્ટમાં ફસાઈ ત્યારે આ મહિલા તેના પરિવારનો સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી. તેના પરિવારજને જણાવ્યું હતું કે તેને પોતાનો યુરિન પીવાની ફરજ પડાઈ હતી. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે.
• બેકહેમને ડ્રાઈવિંગ કરવા પર છ મહિનાનો પ્રતિબંધ
ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમ પર પોતાની બેન્ટલી કાર ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ બદલ ડ્રાઈવિંગ પર છ મહિનાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ૨૧ નવેમ્બર,૨૦૧૮ના રોજલંડનના વેસ્ટ એન્ડમાં ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ જોવા બદલ તેને ૭૫૦ પાઉન્ડનો દંડ પણ કરાયો હતો. ૪૪ વર્ષીય બેકહેમે કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે તેને ડ્રાઈવિંગ કરવા નહીં દેવામાં આવે તો તે તેના બાળકોને સ્કૂલે મૂકવા જઈ શકશે નહીં.
• ઘર બહાર કાર પાર્ક કરવાના £૨૪૨ મિલિયન ચૂકવતા કારચાલકો
યુકેમાં વધુ ૨,૫૦૦ સ્ટ્રીટ પર લોકલ ઓથોરિટીઝ દ્વારા પાર્કિંગ પરમીટ સ્કીમ દાખલ કરવામાં આવતાં કારચાલકોએ તેમના જ ઘરબહાર કાર પાર્ક કરવા માટે ૨૪૨ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા.
• ડોક્ટર તરીકે પુરુષ કરતાં મહિલા વધુ સારી
મહિલાઓ ડોક્ટર તરીકે પુરુષો કરતાં વધુ સારી પૂરવાર થાય છે કારણ કે તેમનામાં સ્પર્ધાનો ભાવ ઓછો હોય છે અને તે સારી રીતે વાતચીત કરી શકે છે તેમ લેખક અને બ્રિટનના અગ્રણી ન્યૂરોસર્જન ડો. હેનરી માર્શે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પુરુષ ડોક્ટરો ટીમવર્કમાં જ સારા હોય છે.
• ૩૭૭ સાંસદોના સત્તાવાર ક્રેડિટ કાર્ડ સસ્પેન્ડ કરાયા
એક્સપેન્સીસ વોચડોગ દ્વારા ખર્ચ અંગેના નિયમોના ભંગ બદલ જેરેમી કોર્બિન, બોરિસ જહોન્સન સહિત સેકડો સાંસદો અને નવ કેબિનેટ મિનિસ્ટરના સત્તાવાર ક્રેડિટ કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૧૫થી અમાન્ય ખર્ચની રકમ પરત ચૂકવવામાં અથવા ખર્ચની રસીદો સુપરત કરવામાં નિષ્ફળ ગયેલા ૩૭૭ સાંસદોમાં તેમનો સમાવેશ થાય છે.
• સાજિદે આઠ કટ્ટર ધર્મ ઉપદેશકો પર પ્રતિબંધ મૂક્યો
સાજિદ જાવિદે જણાવ્યું હતું કે હોમ સેક્રેટરી બન્યા પછી પોતાની સત્તાનો ઉપયોગ કરીને તેમણે યુકેમાં આઠ વખત કટ્ટર ધર્મ ઉપદેશકો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે ઈસ્લામી અને ઉગ્ર જમણેરીઓ બન્ને તરફથી થતાં આતંકવાદને ડામી દેવાની ખાતરી આપી હતી.
• યુકેમાં ૩૦ વર્ષમાં શરાબસેવનનું પ્રમાણ ઘટ્યું
યુકેમાં ચાર વયસ્કમાંથી એક શરાબનું સેવન ન કરતા હોવાનું લેન્સેટના ૧૮૯ દેશોના અભ્યાસમાં જણાયું હતું. છેલ્લાં ૩૦ વર્ષમાં વૈશ્વિક રીતે શરાબના સેવનનું પ્રમાણ વધ્યું છે, જયારે બ્રિટનમાં તે ઘટ્યું હતું. ૧૯૯૦થી યુકેમાં શરાબના માથાદીઠ વપરાશમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અગાઉ આ ટકાવારી ૧૨.૫ હતી તે ઘટીને ૧૧.૪ થઈ હતી.
• ડોક્ટરોમાં દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિનો અભાવ
દર્દીઓએ બપોરે ડોક્ટરને બતાવવા જવાનું ટાળવું જોઈએ, કારણ કે કામના બોજને લીધે થાકી ગયેલા ડોક્ટરોમાં બપોર સુધીમાં સહાનુભૂતિ ઘટી જતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. અડધા ઉપરાંતના ફેમિલી ડોક્ટરો વિચારતા હોય છે કે તેઓ તેમની મર્યાદા કરતાં વધુ કામ કરતાં હોય છે. કેટલાંક ડોક્ટરો દિવસના ૧૦૦થી વધુ કેસ જોતા હોય છે. ડોકટરોના કહેવા મુજબ વધુ પડતા કાર્યબોજને લીધે દર્દીઓ જોખમમાં મૂકાય છે અને થાકને લીધે અયોગ્ય નિર્ણયો, ભૂલો અને રોષ વ્યાપે છે.
• ફ્રેશ જુનિયર સોલિસિટર્સનો પગાર વધારીને £૧૦૦,૦૦૦ કરાયો
ટોચની બ્રિટિશ લો કંપની મેજિક સર્કલ દ્વારા જૂનિયર સોલિસિટર્સ માટેનો પ્રારંભિક પગાર વધારીને ૧૦૦,૦૦૦ પાઉન્ડ કરાયો છે. આ રકમ ઈન્વેસ્ટમેન્ટ બેંકમાં ફરજ બજાવતા તેમના સમકક્ષોથી બમણાં કરતાં વધુ છે. ગયા વર્ષે ચૂકવાયેલી રકમમાં ૧૫,૦૦૦ પાઉન્ડ કરતા પણ વધુનો વધારો કરાયો છે. તેથી નવા ક્વોલિફાઈડ વકીલોને હવે તેમની જોબના પ્રથમ વર્ષે જ છ આંકડાનો પગાર મળશે.
• નટ્સ ખાનારી સગર્ભાને વધુ બુદ્ધિશાળી બાળક અવતરે
સગર્ભાવસ્થાની શરૂઆતથી નિયમિતપણે નટ્સ ખાતી ભાવિ માતાઓને વધુ બુદ્ધિશાળી બાળકો જન્મતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. આઠ વર્ષના ગાળામાં ૨,૨૦૦ બાળકોના વિશ્લેષણમાં જણાયું હતું કે જે બાળકોની માતાએ ગર્ભાવસ્થાના શરૂઆતના ૧૨ અઠવાડિયામાં એક અઠવાડિયા દરમિયાન ત્રણ અથવા તેથી વધુ વખત નટ્સ ખાધા હતા તેમના બાળકો ઓછું નટ્સ ખાનારી માતાઓના બાળકો કરતાં વધુ બુદ્ધિશાળી હતાં.
