આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ, જેણે વિદેશમાં રહીને માતૃભાષાની સેવા કરી. બાળપણમાં લશ્કરમાં જોડાવાનું સપનું જોતા આ મહાનુભાવે જાતમહેનતે અખબાર ઊભું કર્યું અને કલમના જોરે ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારનું રક્ષણ કર્યું. તેમણે આના થકી જંગ લડીને લોકોને તેમના હકો પણ અપાવ્યા. બ્રિટનમાં રહીને તેમણે પોતાના વતન અને બંધુત્વનું જતન કર્યું. તેમની કલમમાં એવી તાકાત હતી કે તેમણે વતનથી હજારો દૂર અજાણી ભૂમિ બ્રિટનમાં રહેતા એશિયનનો અવાજ બની તેમની લાગણી અને માગણીનો અવાજ બનવામાં કોઈ કસર છોડી નહીં. આ મહાનુભવ છે બ્રિટનના સામયિક ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી ભાદરણના શ્રી ચંદ્રકાંત બાબુભાઈ પટેલ, જેઓ સી.બી. પટેલ તરીકે વધુ જાણીતા છે.
ગુજરાતી એમ્બેસેડર એવા સી.બી. પટેલ એવા ગુજરાતી છે, જે ખરા અર્થમાં ગ્લોબલ છે. વિદેશમાં રહીને જેમને પોતાના વતન પ્રત્યે તીવ્ર દેશદાઝ છે, અન્યાય સામે આંદોલન કરવું, પારકી ભૂમિને પોતીકી બનાવવી, સ્વદેશ અને પરદેશમાં ભારતીય સમુદાયની સમસ્યાઓ દૂર કરવી અને સત્ય કહેવું. જરૂર પડ્યે ગેરરીતિ દૂર કરવાનાં એકશન લેવામાં તેમની કલમ ક્યારેય ખચકાઈ નથી.
વિદેશોમાં રહેતાં ભારતીયોની વિકાસગાથામાં મોટો ભાગ ભજવનાર સી.બી. ખરેખર અનોખા માનવી છે. સી.બી. બ્રિટનમાં છેલ્લા ૪૦ વર્ષથી સામયિકો સફળતાપૂર્વક ચલાવે છે. તેમનાં આ સામયિકો બહોળો વાચક વર્ગ ધરાવે છે. તેમનો મૂળ ધ્યેય એ છે કે ગુજરાતના સમાચારોને દુનિયામાં વહેતા કરવા. ગુજરાતી સંસ્કૃતિ જળવાય, બ્રિટનમાં રહેતા એશિયનોના સામાજિક અને માઇગ્રેશનના લગતા પ્રશ્નોને અખબારમાં ઊઠાવી તેનો ઉકેલ લાવી શકાય.
આ સાપ્તાહિકો દેશ અને દુનિયાની વિવિધ સંસ્થાઓ માટે વિનામૂલ્યે કામ કરે છે. હિથ્રોથી અમદાવાદની નોન-સ્ટોપ ફ્લાઇટના રિસ્ટોરેશન માટે તેમણે મોટો ભાગ ભજવેલો. તેમની આ સિદ્ધિની નોંધ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેમ્બલીના પોતાના ભાષણમાં પણ લીધી હતી. કલમ, કાર્યપદ્ધતિ, કર્તવ્યનિષ્ઠા અને કદમની આગેકૂચ, દરેકને ‘મૈં હું ના...’ જેવા સી.બી.ની વાત કરીએ એટલી ઓછી છે.
એંશી પ્લસ ઉંમરમાં પણ અડીખમ રહેતા એવરગ્રીન એડિટર, બ્રિટનમાં ભારતીય સમુદાય સામે જ્યારે પડકાર સર્જાય છે ત્યારે તેમની અખબારી ઝુંબેશ રસ્તો શોધે છે. હાઇલી સ્કિલ્ડ માઇગ્રન્ટ પ્રોગ્રામ વિઝા સ્કીમમાં અન્યાય સામે આંદોલન હોય કે હરેકૃષ્ણ મંદિર બંધ કરી દેવા સામે વિરોધની ચળવળ, આ બધામાં સી.બી. પટેલનું યોગદાન મોટું છે. પત્રકારત્વ અને પ્રકાશનને તેઓ વ્યવસાય તરીકે નહીં પણ તેના થકી સમાજને તેઓ કંઈ પાછું આપવાના પ્રયત્નો કરે છે. પેટ્રન કાઉન્સિલના, ઇન્ડિયા લીગ અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના પણ ચેરમેન છે. તેઓ ૨૦૦૮માં નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ)ના પ્રેસિડન્ટ ઇલેક્ટ થયા હતા.
લેબર પાર્ટીના ફોર્મર લીડર, નીલ કિન્નોકે ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનને વખાણ કરતાં કહ્યું કે ‘સીબી એટલે કોમ્યુનિટી બોન્ડિંગ.’ તેમણે યુકે, આફ્રિકા અને ઇન્ડિયામાં અનેક સારાં કામો માટે ફંડ ઊભું કરવા માટે પણ કામ કર્યું છે. પીળા પત્રકારત્વથી દૂર રહેવું, પૈસા માટે આડેધડ જાહેરખબર ના લેવી, નારાજગી વહોરવી પડે તો ય સત્ય જ લખવું અને છેક સુધી હાર ન માનવી એ સી.બી.નું ચરિત્ર છે.
એશિયનોનો અવાજ
૧૯૮૧માં સી.બી. ફક્ત એક જ એવા બ્રિટિશ ઇન્ડિયન જર્નાલિસ્ટ હતા, જેમને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર માર્ગારેટ થેચરે પોતાની ઇન્ડિયાની વિઝિટ પર વેલકમ કરેલા. તેમણે અખબાર દ્વારા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ માટે સેવા આપી છે. તેમની એકધારી સમાજસેવા માટે તેમને મહાત્મા ગાંધી ફાઉન્ડેશન તરફથી ગોલ્ડ મેડલ પણ એનાયત થયો છે. અનેક એસોસિએશનને તેમનાં પબ્લિકેશન્સની સતત મદદ મળતી છે, જેમ કે જોઇન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઇમિગ્રન્ટસ, ધ રોયલ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ બ્લાઈન્ડ, હેલ્પએજ ઇન્ડિયા, મેનકેપ વગેરે.
અચાનક જિંદગીની દિશા બદલાઈ
મૂળ વતન આણંદ - ભાદરણના સી.બી.નો જન્મ નડિયાદમાં માતા-પિતા કમળાબેન અને બાબુભાઈ મણિભાઈનાં ઘરે ૧૯૩૭માં થયેલો. તેમને સારું ભણતર અને સંસ્કાર મળેલા, જે તેમણે વિદેશમાં પણ જાળવ્યા. તેમને જિંદગીનો સૌથી મોટા પાઠ તો તેમનાં માતા-પિતા તરફથી જ મળેલા. તેઓ ભારતનાં કુદરતી સૌંદર્ય, નદી-ઝરણાં, મંદિરો જેવા વાતાવરણમાં મોટા થયેલા, જેની ઊંડી અસર તેમના પર પડેલી. વિદ્યાર્થી તરીકે તે હોંશિયાર. જ્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતા ત્યારે તેમની લીડરશીપ સ્કીલ પણ ખીલવા લાગી. તે કોલેજ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી બન્યા, એનસીસીમાં પણ ઓફિસર રહ્યા, શૂટિંગમાં પણ મેડલો મેળવ્યા.
નાનપણથી ઇન્ડિયન આર્મીમાં જોડાવાનું સપનું હતું, પણ એ પૂરું ન થતાં તેઓ ટાન્ઝાનિયા માઇગ્રેટ થઈ ગયા અને ત્યાં લો ભણવાનું શરૂ કર્યું, સાથે સિવિલ સર્વિસમાં પણ કાર્યરત બન્યા. બાદમાં આગળ ભણતર માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. આ નવી જગ્યામાં નવા તરંગો, ભણતર સાથે રિઅલ એસ્ટેટ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું. તેમને અમુક રિટેઇલ દુકાનની ખરીદી પણ કરી, કાયદાના ભણતરને લીધે અનેક કંપનીઓને ગાઇડન્સ પણ આપતા. એક ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ તરીકે તેઓ સફળતા પણ મેળવવા લાગ્યા. તેઓ લેબર પાર્ટીમાં પણ એક્ટિવ હતા. સફળતા તો હતી જ, પરંતુ કંઈક ખૂટતું હોય તેવું તેમને સતત લાગતું.
૧૯૭૩માં તેમને ભારત આવવાની ઇચ્છા થઈ. એટલે તેઓ નર્મદા નદી પર દિવાળી ઉજવવા ઇન્ડિયા પહોંચ્યા હતા. એ દરમિયાન અચાનક તેમને તેમના પિતા મળી ગયા. તેમના પિતા ઘણા વરસોથી સાધુ બની ગયા હતા. સંત પિતા સાથે વાત કરવાનો આ મોકો તેમને અણધાર્યો મળ્યો હતો. તેના પિતાને તેઓ ખુશ ના લાગ્યા. તેમની નાખુશી પારખીને તેમને કહ્યું કે ‘પૈસા કમાવા એ બધું નથી, પૈસા પાછળ પાગલ ના થાવ. જો તારે કંઈ કામ કરવું હોય તો તું જ્ઞાન ફેલાવવાનું કામ કર. અક્ષરજ્ઞાન કર, જ્ઞાન અને શબ્દો દ્વારા સમાજ માટે કંઈક કરી શકે છે.’
૧૯૭૫માં તેમને કુસુમબેન શાહનો ફોન આવ્યો, તેમને સી.બી.ને ‘ગુજરાત સમાચાર’ને ટેકઓવર કરવા કહ્યું. ત્યારે આ પબ્લિકેશન ખૂબ તકલીફમાં હતું, એ સમયે સી.બી.ને પોતાના પિતાજીના શબ્દો યાદ આવ્યા અને બીજું કંઈ વિચાર્યા વગર તરત પબ્લિકેશન ટેકઓવર કરી લીધું.
બસ, પછી તો તેમણે આ પબ્લિકેશનને આગળ વધારવા અને વિસ્તારવા ખૂબ મહેનત કરી અને આ ગુજરાતી વિકલીની સફળતા બાદ તેમને અંગ્રેજી વિક્લી ‘ન્યૂ લાઇફ’ પણ શરૂ કર્યું, જે હાલમાં ‘એશિયન વોઇસ’ના નામથી જાણીતું છે. આ બન્ને વીકલીએ તેના સ્ટ્રોંગ એડિટોરિયલ કન્ટેન્ટ, ફ્રેન્ક વ્યુ, પીપલ-સેન્ટ્રિક ઇનિશિયેટિવ થકી બહોળો વાચક વર્ગ બનાવ્યો.
બ્રિટન અને ગુજરાતી મૂલ્યો
ગુજરાતી ભાષાને બીજી વિદેશ ભાષા સાથે ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ સી.બી. કહે છે કે, ‘હું ગુજરાતી છું અને ગુજરાતી ભાષાથી પહેલેથી પ્રભાવિત છું. આમાં બીજા સમાજના અપમાનની વાત નથી, પણ સમતોલ જીવન માટે જે આવશ્યક એટીટ્યૂડ જોઈએ, એ ગુજરાતી સંસ્કારમાંથી સહજ રીતે પ્રાપ્ત થાય એવું મારું દૃઢપણે માનવું છે. બ્રિટન અને ભારતીય-ગુજરાતી મૂલ્યો ઘણી રીતે સમાંતર છે. બન્ને આશાવાદ, ટોલરન્સ પાવર, મહત્ત્વાકાંક્ષી, શાંતિપ્રિય છે. અમુક ફરક તો રહેવાનો જ, પણ આ સ્થળ મને બહુ જ ફાવી ગયું. હું તો ફક્ત શિક્ષણ લેવા આવ્યો હતો, પણ ઘણી વાર આપણા આયોજન કરતાં પણ સંજોગો એવા આપોઆપ ઉપસી ગયા કે હું અહીંયા રહી ગયો. સંન્યસ્ત પિતાએ મુલાકાતમાં મને પૂછેલું કે ‘પુસ્તકો વાંચો છો?’ વધારામાં કહેલું કે પ્રિન્ટેડ શબ્દો દ્વારા સમાજને કંઈક પાછું આપો. સમાજને કંઈ સત્વશીલ આપવા પ્રયત્ન કરો. અંધશ્રદ્ધા દૂર કરો. ત્યારે જાણે અમારા બન્નેનાં સંબંધ પિતા-પુત્ર કરતાં ગુરુ-શિષ્યના બની ગયા હતા. એ બાદ અમે ફરી પાછા કોઈ દિવસ ન મળ્યા.’
ભારત માટે ખૂબ આશાવાદી છું
ભારતને વિશ્વમાં ક્યાં જોવા માગો છો એમ પૂછતાં તેમણે કહ્યું કે, ‘ભારત માટે હું ખૂબ આશાવાદી છું. એક તો ભૂતકાળના રેફરન્સમાં વાત કરીએ, તો આ માત્ર ભૌતિક જીડીપીની વાત નથી. માનવ સંસ્કૃતિની સફળતા અને નિષ્ફળતા ફક્ત આર્થિક કારણોમાં જ નથી હોતા. ભારતની મોટામાં મોટી તાકાત હોય તો એ છે આપણો સંસ્કારનો વારસો. ભારતનું આધ્યાત્મિક પ્રદાન, સંગીત, કળા, યોગ, શાકાહાર ખૂબ અગત્યનાં છે. મોટામાં મોટી વસ્તુ આપણી એ છે કે ‘આઇ કેન બી રોંગ, યુ કેન બી રાઈટ’, એ માન્યતા બહુ જ સહજ રીતે સ્વીકારીએ છીએ. આપણો ધર્મ એમ કદી નથી કહેતો કે ‘અમે જ માત્ર શ્રેષ્ઠ છીએ, તમે અમારા ફોલોઅર્સ બનો.’ ભારત કે ભારતીયોએ બીજા પર હુમલો કરીને કદી કબજો મેળવ્યો નથી. આ આપણો માઇન્ડસેટ છે. આપણો બચાવ કરવો જોઈએ. સ્વરક્ષા આવશ્યક છે, પણ આક્રમકતા આપણા લોહીમાં નથી. ભવિષ્યમાં ભારત માટે આ એસેટ છે. હાલમાં ભારતનું યુવાધન ફુલ ઓફ એનર્જી, હોપ, કોન્ફિડન્સથી ભરેલા કામ કરવા થનગનતા છે. ગામડાંમાં ઊંચ-નીચના ભાવ બહુ જ પ્રબળ હતા, ઇન્ટરકાસ્ટ લગ્ન અસંભવ હતા, ત્યારે પૈસાદાર લોકો કે નગર શેઠથી ડરતા. જ્યારે આજના યુવાનને આ બાબતોની પડી નથી.’
• સાભાર સૌજન્યઃ ગુજરાતના અગ્રણી દૈનિક ‘નવગુજરાત સમય’ની ‘રવિવાર સમય’ પૂર્તિમાં ૩ માર્ચ ૨૦૧૯ના રોજ ‘ગ્લોબલ ગુર્જરી’ કોલમમાં પ્રકાશિત લેખ.)
(આણંદથી પ્રસિદ્ધ થતાં ‘નયા પડકારમાં પ્રકાશિત લેખ માટે વાંચો આવતા સપ્તાહનું ‘ગુજરાત સમાચાર’)

