BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરતમાં વિચરણ કરી રહ્યા છે. ૬ઠ્ઠી મેએ તેઓ સુરત નજીક કણાદ ખાતે પધાર્યા હતા. ૭મી મે અને અખાત્રીજના પાવન દિવસે કણાદમાં પૂ. મહંત સ્વામીના હસ્તે નૂતન BAPS શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લગભગ ૨૫,૦૦૦ હરિભક્તોને પણ શિલા આપવામાં આવી હતી અને તેમણે પણ શિલાન્યાસનો લાભ લીધો હતો. આ પ્રસંગે યોજાયેલી સભામાં પૂ. મહંત સ્વામીએ કહ્યુ,‘ આજે અહીં શિલાન્યાસ થયો છે અને જોતજોતામાં મંદિર થઈ જશે.’ સંતોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં મંદિરના નિર્માણ માટે સેવા આપનારા હરિભક્તોનું સન્માન કરાયું હતું. ૮થી ૧૦ મે દરમિયાન સુરતમાં પૂ. મહંત સ્વામીની નિત્ય પ્રાતઃપૂજા અને દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. પૂજા સાથે પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું પણ નિરુપણ કર્યું હતું. ૧૨મીએ પૂ. મહંત સ્વામી ફરી કણાદ પધાર્યા હતા. કણાદમાં નિર્માંણ પામનારા મંદિરની ભૂમિ પર વિશેષ રવિસભાનું આયોજન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ આ ભૂમિ કેવી રીતે સંપાદિત થઈ તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું,‘ પહેલા નાણાંવટનું અને પછી અડાજણનું મંદિર નાનું પડે છે. તેથી હવે ૧,૦૦૦ વર્ષ સુધી તકલીફ ન પડે તેવું કરીએ.’ તેમણે ઉમેર્યું,‘ યોગીબાપા કહેતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે. આપણને તે વખતે તે વાત સાચી ન લાગે. પણ અત્યારે તે બધું સાકાર થતું જાય છે. અબુધાબીમાં અને કણાદમાં મંદિરનો શિલાન્યાસ થયો. ચારેકોર ડંકા વાગે છે.’ રવિસભામાં અંદાજે ૩૦,૦૦૦ હરિભક્તો હાજરી આપી હતી. ૧૩મીએ પૂ.મહંત સ્વામીના હસ્તે ઉકાઈ ક્ષેત્રના સોનગઢના તેમજ સાંકરી ક્ષેત્રના કાછલ અને જામનકુવાના મંદિરોની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

