આપણે ભલે માનતા હોઇએ કે વિશ્વ હવે ખુબ નાનું બની ગયું છે. ઘરની ચાર દિવાલો વચ્ચે આપણી ફીંગર ટીપ વડે ગમે તે વસ્તુ મેળવી શકીએ, જ્ઞાન-વિજ્ઞાન વિષે માહિતી મેળવી શકીએ અને પૃથ્વીના ગમે તે ખૂણે સગાંસહોદરને હાથમાં રહેલા મોબાઇલ ફોન મારફતે મળી શકીએ, જોઇ શકીએ અને અલક મલકની વાતોય કરી શકીએ. ખરેખર કહીએ તો વર્તમાન જગતના આ સોશ્યલ મિડિયાએ મનુષ્યની ફરતે એક અલાયદી દુનિયા રચી હોય અથવા તો અદ્રશ્ય લોખંડી કેદ ઉભી કર્યા જેવું લાગે. હથેળીમાંનો પેલો મોબાઇલ એ જ એનો ૨૪ કલાકનો સંગાથી. દોઢ બે વર્ષનું ગલુડિયું ય જાણે અભિમન્યુની જેમ માતાના ઉદરમાં જ મોબાઇલ ટેકનોલોજીના પાઠ ભણીને આવ્યું હોય એમ ભલે ભાકોડિયાં ભરતું હોય પણ મોબાઇલ કે આઇપેડના સ્ક્રીન પર આંગળીઓ ફેરવતું થઇ જાય.
આ મોબાઇલના વોટ્સઅપે તો ભલભલાને ભરમાવી ગળાડૂબ કરી દીધા છે. વાઇફાયના આશ્રયે દુનિયાભરના મિત્રો-સગાં સહોદરને સવારે ઊઠી જે તે ઇષ્ટદેવની વિવિધ તસવીરો મોકલી જયશ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મતાજી, ઓમ નમ: શિવાય, ઓમ સાંઇરામ પાઠવી મોબાઇલમાં ચક્કાજામ કરી દે છે. અરે.. ગણેશ ચતુર્થી, શિવરાત્રિ, નવરાત્રિ, દિવાળી, હોળી-ધૂળેટી, સ્વાતંત્ર દિન, પ્રજાસત્તાકદિન જેવા વાર-તહેવારે તો માય ગોડ! મેસેજ જોઇ ચક્કર આવવા માંડે.
આજકાલ ભારતીય રાજકારણ ઉપર જાત જાતના વિડિયો ને રમૂજી ટૂચકા ને મનોરંજક પ્રોગ્રામોની વિડિયો કલીપ્સથી મોબાઇલનું પેટ તરબત્તર કરી દેવાય છે.
સૌની જેમ અમેય ટેકનોલોજી સાથે કદમ મિલાવતા રહીએ છીએ એટલે આ "વોટસઅપ"ના બંધાણી તો છીએ જ. અમારા મોબાઇલમાં જાણવા જેવું કે માણવા જેવું લાગે એ અપનાવીએ છીએ બાકી બધું નીચે કચરા ટોપલી દેખાય એમાં ફગાવતા રહીએ છીએ. ઘણીવાર જ્ઞાની, વિદ્વાનો ગાંઠે બાંધવા જેવી માહિતી "વોટસઅપ"માં મોકલતા હોય છે. એક મહિલા પત્રકાર તરીકે અમે પણ ઘરગૃહસ્થીમાં વ્યસ્ત રહેતા હોઇ સમય મળ્યે ટ્રેનમાં કે રાત્રે સૂતા પહેલાં થોડી નિરાંતની પળોમાં આ "વોટસઅપ"માં કેટલુંક વાંચી હળવાશ અનુભવીએ છીએ.
જીવન સંધ્યાએ પહોંચેલા કેટલાક વડીલો, માતાઓને આ મોબાઇલ વાપરવા કે એના વોટ્સઅપ જોવા અશક્ય બને છે. અમે "વોટ્સઅપ"માંથી "ગાંઠે બાંધવા જેવી વાતો" અથવા તો "જ્ઞાન સાથે ગમ્મત" જેવી કોલમ હેઠળ અવનવું વાંચન પીરસવા પ્રયાસ કરવા માગીએ છીએ.
અમને અમેરિકાના ન્યુજર્સીથી એક સ્નેહીજને અમને મોકલેલા મેસેજમાં ખૂબ ગૂઢાર્થ અને જીવનના સત્યને સમજવા જેવા વાક્ય મોકલ્યાં છે. વાચક ભાઇ-બહેનો, વડીલો આપને નિરાંતભરી પળોમાં આ વાગોળવા-મનોમંથન કરવા ઉપયોગી થશે એવી આશા સહ સાદર છે:-
વાહ રે મનુષ્ય તારો સ્વભાવ: મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે અને મૂંગા પશુઓને મારીને ખાય છે...વાહ !!
• આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો.
• જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે.
વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય: વરઘોડામાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે પણ સ્મશાન માં ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે એટલે કે લોકો ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ હોય છે.
અજબ તારી દુનિયા ગજબ તારો ખેલ: મીણબત્તી સળગાવીને મરેલાં ને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી હોલવીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. વાહ રે દુનિયા ! લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે.
• પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે; બિંદી ૧ રૂપિયામાં આવે છે એને માથા પર લગાવવામાં આવે છે એટલાજ માટે કીંમતનું મહત્વ નથી વસ્તુ કે વ્યક્તિનું કાર્ય મહત્વનું છે.
• એક પુસ્તકાલયમાં ગીતા અને કુરાન એક બીજા સાથે નથી ઝગડતા અને જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી.
• લીમડાની જેમ કડવું શિખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે, મીઠી વાત કરનારા ખુશામતખોર મતલબી હોય છે.
• દુધ વેચવાવાળાને ઘેર ઘેર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને. પરંતુ દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે!!
