વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી અગાઉ રાજકીય માસ્ટર સ્ટ્રોક તરીકે દેશના સવર્ણ છતાં આર્થિક રીતે ગરીબ નાગરિકોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી. એટલું જ નહિ, લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે આ મુદ્દે બંધારણીય સુધારાને પસાર કરાવી દેવાની રાજકીય કુનેહ પણ દર્શાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય પછી લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ માટે આ મુદ્દો મહત્ત્વનો બની રહેશે. દેર આયે, દુરસ્ત આયે જેવી વિલંબથી જાહેર કરાયેલી આ દસ ટકા અનામતનો લાભ આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગને જ મળવાનો નથી, મુસ્લિમ, શીખ, પારસી સહિત લઘુમતી વર્ગના ગરીબો પણ કોઈ પણ ભેદભાવ વિના તેનો લાભ મેળવવાને પાત્ર છે. રાજકીય પક્ષોએ આ બિલના ટાઈમિંગ વિશે સવાલ ઉભો કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. આમ છતાં, કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ તેઓ સવર્ણ ગરીબોને અનામતના વિરોધમાં હોવાનું ન ગણાય તેને ધ્યાનમાં રાખી મજબૂરીવશ પણ લોકસભા અને રાજ્યસભામાં આ બિલની તરફેણમાં મતદાન કર્યું છે. આ બિલ પસાર થતાં જ અત્યાર સુધી જે જાતિઓને અનામત મળી નથી તેઓ આ નવી શ્રેણીમાં આવી ગયા છે. સરકારે નવા ક્વોટા માટે આર્થિક લાયકાતનો માપદંડ ખાસ્સો ઉદાર રાખ્યો હોવાથી સમાજના લગભગ તમામ વર્ગો અનામત માટે લાયક ઠરે છે.
પાયાનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સવર્ણોને અનામત સંબંધિત ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો સંસદમાં તો પસાર થઈ ગયો છે પરંતુ, ન્યાયતંત્રની કસોટીની એરણે ટકી શકશે કે કેમ? ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટની ૧૩ ન્યાયમૂર્તિની બંધારણીય બેન્ચે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ઐતિહાસિક ચુકાદા સાથે બંધારણના પાયાના સિદ્ધાંતોનો વિચાર રજૂ કરવા સાથે ઠરાવ્યું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે પરંતુ તેના પાયાના સિદ્ધાંતો અને મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકે નહિ.
વર્તમાન ૧૨૪મા બંધારણીય સુધારા સામે કાનૂની પડકાર એ છે કે ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે બંધારણમાં સમાનતાના મુદ્દાને આગળ ધરી અનામતમાં કુલ ૫૦ ટકાથી વધુ જોગવાઈ બંધારણના પાયાના સિદ્ધાંતોનો ભંગ કરે છે તેમ ઠરાવ્યું છે. આ અગાઉ પણ, માત્ર આર્થિક માપદંડ પછાતપણાને નક્કી કરવાનો એકમાત્ર પાયો ન બની શકે તેમ જણાવી વિવિધ જૂથો માટે જાહેર કરાયેલી અનામત નીતિઓને ગેરબંધારણીય ગણાવી ફગાવી દેવાઈ છે. અનામત માટે જે ચાર જોગવાઈ કે માપદંડ રજૂ કરવામાં આવ્યાં છે તે બંધારણના પાયાના એક યા બીજા સિદ્ધાંતોનો ભંગ કરે છે તેવી દલીલ સાથે સ્વેચ્છિક સંસ્થા યૂથ ફોર ઇક્વલિટી દ્વારા તેને પડકાર અપાઈ ગયો છે.
આપણાં બંધારણમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો માટે અનામતની વ્યવસ્થા છે. માત્ર આર્થિક આધારે અનામતની જોગવાઈ કરવી બંધારણની જોગવાઈ અને અનામતની ભાવનાથી વિપરીત છે. બીજું આર્થિક માપદંડના આધારે ૧૦ ટકા અનામત આપવાથી કુલ અનામત ૫૯ ટકા થઈ જશે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી થયેલી ૫૦ ટકાની મર્યાદાથી બહાર હશે. જે વાંધાવિરોધની દલીલો તે સમયે માન્ય રખાઈ હતી તે આજે પણ માન્ય ઠરશે તેમાં નવાઈ નથી. આમ, આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં આવી પહોંચ્યો છે તેથી સરકાર વધુ પગલાં લઈ શકે તેવી સ્થિતિમાં રહી નથી. જો મોટી બંધારણીય બેન્ચ રચીને કોર્ટ તાત્કાલિક સુનાવણી કરી તેને ખારીજ કરતો ચુકાદો આપશે તો સરકારની ચૂંટણી પૂર્વેની હિલચાલ વ્યર્થ કવાયત બની રહેશે.
આર્થિક રીતે પછાત સવર્ણોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરીને મોદી સરકારે દેશભરમાં ચર્ચા જગાવી છે. સરકારનો ઉદ્દેશ સારો જ છે પરંતુ, દેશમાં બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. રોજગારી સર્જનના સરકારના પ્રયાસો છતાં દેશમાં બેરોજગારી દર છેલ્લા બે વર્ષના ટોચના સ્તરે પહોંચ્યો છે. મોટી સમસ્યા શ્રમ બજારમાં સતત આવી રહેલા નવા ગ્રેજ્યુએટોની છે. દેશમાં દર વર્ષે લગભગ સવા કરોડ નવા લોકો રોજગારની શોધમાં ઝંપલાવે છે. પરંતુ નોકરીઓનું સર્જન થઇ રહ્યું નથી. આ જ કારણે સામાન્ય ચપરાસીની નોકરી માટે પણ ડોકટર, એન્જિનિયર કે પીએચડી યુવાનો પણ અરજી કરતાં હોય છે. માગ અને પુરવઠાના આ મોટા તફાવતે બેરોજગારીના ચિત્રને વિકરાળ બનાવ્યું છે. વાસ્તવિકતા એ છે કે અનામત આપતા પહેલા નોકરીઓ સર્જવાની આવશ્યકતા છે તો જ અનામત આપવાનું અર્થપૂર્ણ ગણાશે તે દલીલ ખોટી નથી.
