ઉત્તર પ્રદેશમાં ફોઈ-ભત્રીજાની જુગલબંદી

Thursday 17th January 2019 07:26 EST
 

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે તેને ધ્યાનમાં લઈ ઉત્તર પ્રદેશમાં સત્તાવાર ગઠબંધનની જાહેરાત કરીને બહુજન સમાજ પાર્ટી (બસપા) અને સમાજવાદી પાર્ટી (સપા)એ પહેલો ઘા રાણાનો જેવી પરિસ્થિતિ સર્જી છે. બસપાના સુપ્રીમો માયાવતી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ રાજકારણમાં ફોઈ-ભત્રીજાની જોડી તરીકે પ્રખ્યાત છે. ફોઈ-ભત્રીજાની જોડીએ તેમની જુગલબંદીમાંથી કોંગ્રેસને અળગી રાખી મોટો આંચકા આપ્યો છે અને બન્ને પક્ષોએ ૩૭-૩૭ બેઠક વહેંચી લેવામ સાથે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે રાયબરેલી અને અમેઠીની બેઠક ખાલી રાખી છે, જેના પર ગઠબંધમના કોઈ ઉમેદવાર મુકવામાં નહિ આવે.
લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ઉત્તર પ્રદેશનું રાજ્ય ૮૦ બેઠકો સાથે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આથી, મોટા ભાગના રાજકીય પક્ષો તેને ગણતરીમાં રાખી વ્યૂહરચના ઘડે છે અને તેને પાર પાડવા તડજોડની નીતિ પણ અપનાવે છે. માયાવતી અને અખિલેશ યાદવની સંયુક્ત પત્રકાર પરિષદના પગલે ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવા અધ્યાયનો આરંભ થયો છે તેમ અવશ્ય કહી શકાય. ૨૫ વર્ષ અગાઉ, કાંસીરામ અને મુલાયમસિંહ યાદવે ભાજપની રામમંદિરની લહેર તોડવા ગઠબંધન કરી વિધાનસભા ચૂંટણીમાં સફળતા હાંસલ કરી હતી. મંડલ વિરુદ્ધ કમંડલના યુદ્ધમાં બસપાના કાંસીરામ દલિત અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના મસીહા તરીકે અને સપાના મુલાયમસિંહ યાદવ ઓબીસીના મજબૂત નેતા સ્વરૂપે ઉપસ્યા હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ અને રામમંદિરની લહેર હોવાં છતાં, આ બે વર્ગોના જોડાણે સત્તા પ્રાપ્ત કરી હતી. જોકે, ૧૯૯૫માં ભાજપ દ્વારા માયાવતીને મુખ્યપ્રધાન બનાવવાના દાણા નખાયા પછી સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ બસપાના કાર્યકરોની મારપીટ કરવાથી પરિસ્થિતિ વણસી હતી અને ભાજપના વ્યૂહને સફળતા મળવા સાથે માયાવતી મુખ્યપ્રધાન બન્યાં હતાં. આ પછી સપા-બસપા વચ્ચે શત્રુતાનો દોર આરંભાયો હતો.
આજે બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીની રાજલહેર પર સવાર ભાજપને તોડવા માયાવતી અને અખિલેશ યાદવે ભૂતકાળને સજીવન કર્યો છે. જોકે, સફળતા હાંસલ કરવી અઘરી છે. ગત લોકસભા ચૂંટણીમાં મોદીલહેર સામે સપા અને બસપાએ નિષ્ફળતા મેળવ્યા પછી રાજકીય સમીકરણો બદલાવાં લાગ્યાં હતાં. ગયા વર્ષે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની બેઠક સહિત બે વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં સપા અને બસપાએ હાથ મિલાવતા પુરાણી સફળતાનું પુનરાવર્તન થયું હતું અને ભાજપને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
જોકે, લોકસભા ચૂંટણીમાં સફળતા સુધીના દ્વાર હજુ મુશ્કેલ છે. ગઢબંધનનું નેતાપદ અને બેઠકોની ફાળવણી મુદ્દે પણ ગજગ્રાહ સર્જાયો હતો. પરંતુ, માયાવતી ઘણાં સીનિયર નેતા હોવાથી ભત્રીજા અખિલેશે જુનિયર પાર્ટનર રહી નમતું જોખવાનું પસંદ કર્યું છે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપા સાથે આવવાથી રાજકીય સમીકરણો બદલાઇ જવાના ભયથી જ ભાજપના પેટમાં ફાળ પડી છે. આ જોડાણથી કોંગ્રેસ કરતા ભાજપને વધારે નુકસાન જવાની સંભાવના છે. ભવિષ્યની રાજકીય પરિસ્થિતિ સંદર્ભે કોંગ્રેસના વડપણ હેઠળના મહાગઠબંધનમાં માયાવતી-અખિલેશ જોડાઈ શકે છે. માટે તેમની જુગલબંદી આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલી સર્જશે એમાં બેમત નથી.


comments powered by Disqus