ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા લંડન બરો ઓફ કેમડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે આગામી ૩૦ જાન્યુઆરીને બુધવારે સવારે ૧૧ કલાકે ગાંધી શહીદ દિનની ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સાંસદો, પીઅર્સ અને કાઉન્સિલર્સ સહિત બ્રિટિશ ભારતીય સમાજના અનેક પ્રતિષ્ઠિત સભ્યો ગાંધીજીની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તેમની પ્રતિમા પાસે એકત્ર થશે. ત્યારબાદ, ભારતીય વિદ્યા ભવન (યુકે)ના વિદ્યાર્થીઓ દ્વારા તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ અપાશે.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અને ટૂંકા ભાષણો, ભજનો તેમજ વેદિક પ્રાર્થનાનો સમાવેશ થાય છે.
ભારતના નવા હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ આ પ્રથમ વખત ગાંધી નિર્વાણ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે ઈન્ડિયા લીગના ચેરમેન સી બી પટેલ જોડાશે.
આ કાર્યક્રમમાં સૌ કોઈ હાજરી આપી શકશે.

