શુક્રવાર, તા.૧૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ નવનાતની શાખાઓ નવનાત વડીલ મંડળે, નવનાત ભગિની સમાજ અને નવનાત જલસા ગૃપ સાથે એક સંયુક્ત મેગા અંતાક્ષરીનું શાનદાર આયોજન કર્યું હતું જેનો ૪૦૦ જેટલા ભાઇબહેનોએ બ્રેકફાસ્ટ અને આ સ્વાદિષ્ટ ભોજન સાથે બોલીવુડ ગીતોની મોજ માણી હતી. સ્પર્ધાનું સંચાલન અંતાક્ષરી ક્વીન તરીકે નવાજાયેલા કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું. નિર્ણાયકોમાં અશોકભાઇ મહેતા, મંદાબેન પંડયા અને સંદિપભાઇ રૂપારેલીયા હતા.
સભાજનોનું હાર્દિક સ્વાગત વડીલ મંડળના પ્રમુખ નલીનભાઇ ઉદાણીએ કર્યું હતું. કો-ઓર્ડીનેટર ભદ્રાબેન શેઠ અને પૂર્ણિમાબેન મેશ્વાનીએ આ મેગા અંતાક્ષરીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને ટેકનીકલ ઓફિસર તરીકે શ્રી અરવિંદભાઇ મહેતાએ જવાબદારી નિભાવી હતી. વડીલ મંડળના સેક્રેટરી રમેશભાઇ શાહે આ સંયુક્ત અંતાક્ષરીનો હેતુ બધી શાખાઓ વચ્ચે ભાઇચારો વધે એ હોવાનું જણાવીને ફરીથી આવા આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સવિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત ‘ગુજરાત સમાચાર’ના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહે કેન્યાથી યુ.કે.સ્થળાંતર થયેલા ભારતીયોના ૫૦ વર્ષ નિમિત્તે ખાસ વિશેષાંક પ્રકાશિત થઇ રહ્યો હોવાની માહિતી આપતાં સૌને સાથ આપવા અપીલ કરી હતી.
ત્રણેય શાખાની ત્રણ ત્રણ ટૂકડીઓના ત્રણ રાઉન્ડમાં વિજેતા ટીમ ભગિનીની બહેનો બની હતી.

