બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશનર જ્યોફ વેઈનના કાર્યકાળનો અંત આવ્યો છે અને તેમણે સત્તાના સૂત્રો ભારત માટે ખાસ લાગણી અને વિશેષ સંબંધ ધરાવતા આશાવાદી રાજદૂત પીટર કૂકને સોંપ્યા છે. અમદાવાદમાં ૨૦૧૫માં આવ્યા બાદ વેઈને ભારત-યુકેના સંબંધોને અગ્રીમતા આપી હતી. તેમણે પરિણામ લાવવા અને બન્ને દેશો વચ્ચેના આદાન-પ્રદાનને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. તેમના આગમન બાદ શહેરમાં બે વ્યક્તિની ટ્રેડ ઓફિસ વિસ્તરીને હાલ ૮ વ્યક્તિના ડેપ્યૂટી હાઈ કમિશન સુધી પહોંચી છે. તેના વધુ વિકાસ માટે કૂક શ્રેષ્ઠ વ્યક્તિ હોવાનું તેઓ માને છે. સ્થાનિક પત્રકારો સાથેની પત્રકાર પરિષદમાં વેઈને જણાવ્યું હતું કે તેમને દુઃખ થાય છે પરંતુ, હકારાત્મક નોંધ સાથે તેઓ હોદ્દો છોડશે. તેમણે સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ ગુજરાતી કંપનીઓ અને રાજ્યના રાજકારણીઓની પ્રશંસા કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ડેપ્યૂટી હાઈ કમિશન દ્વારા ૨૦૧૭માં વિઝા સેન્ટરનું ઉદઘાટન, ખૂબ વધારે વ્યાપાર લક્ષ્ય, બહુવિધ પ્રવૃત્તિઓ અને સકારાત્મક ઉત્સાહજનક વાતાવરણ ઉભું કરવા જેવી કેટલીક પ્રથમ ઘટનાઓ બની હતી. વેઈને યુકેથી ભારતમાં તેમજ યુકેમાં ભારતના મૂડીરોકાણને વધાર્યું હતું.
અંતમાં, વેઈને જણાવ્યું હતું કે બ્રિટન-ભારતના હાલના સંબંધો અગાઉ કદી ન હોય તેવા સારા છે. ગયા વર્ષે વધુ ૨૪ ટકા વિઝા ઈસ્યૂ કરાયા હતા. સ્ટુડન્ટ વિઝામાં ૧૬ ટકાનો વધારો થયો હતો. વિઝા માટે અરજી કરનારા ભારતીયો પૈકી ૯૪ ટકાને વિઝા મળ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે અત્રે એ નોંધવુ જરૂરી છે કે યુકે દ્વારા અન્ય રાષ્ટ્રીયતા ધરાવતા નાગરિકો કરતાં ભારતીયોને વધુ વર્ક વિઝા મળ્યા હતા. તેથી બ્રિટનમાં કામ કરવા માટે હાલનો સમય યોગ્ય નથી તેવું જે લોકો કહેતા હોય તો તેમને જણાવું કે હાલની પરિસ્થિતિ ખૂબ અલગ છે. વેઈને જણાવ્યું હતું કે અતિથિ દેવો ભવ વિચારધારા એ ફિલસૂફી માત્ર ગુજરાતમાં જ નથી. શનિવારે પોતાના કાર્યકાળના અંત બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ લંડન જવા રવાના થશે અને ત્યાં તેઓ ડિપ્લોમેટિક એકેડેમીમાં જોડાશે.
આ મારા માટે અંગત છે
૧૫ ઓગસ્ટે કોલકાતામાં જન્મેલા પીટર કૂક માને છે કે તેઓ આ કાર્ય માટે આખી જીંદગી તાલીમ લેતા રહ્યા છે. તેઓ યુકે ગયા તે અગાઉ છ વર્ષ સુધી પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં ભણ્યા હતા. તેમણે રાજદૂત તરીકે ૩૫ વર્ષ કામ કર્યું છે. ન્યૂયોર્ક, ઈસ્તંબુલ, તુર્કી અને ડેન્માર્કમાં તેમણે ફરજ બજાવી છે. તેમણે રાજકીય ટીમોનો હવાલો પણ સંભાળ્યો છે. તેમણે જણાવ્યું હતું, ‘ આ મારા માટે અંગત છે. ગુજરાતના લોકોની હુંફ આ બાબતને અંગત રાખવાનું સરળ બનાવે છે.’ તેમણે જણાવ્યું હતું કે તેમનો હેતુ આધુનિક સંબંધોનું ઘડતર કરવાનો છે. કૂકે ઉમેર્યું હતું, ‘ આપણો એક ઈતિહાસ છે. હું તે ઈતિહાસનો એક ભાગ છું. પરંતુ, ભવિષ્ય આધુનિક હોય તે જરૂરી છે.’ વેઈન અને તેમની ટીમની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેમણે કરેલી વ્યાપક કામગીરી નોંધનીય છે.
કૂકે જણાવ્યું હતું કે તેઓ નવા પડકારો ઝીલવા માટે આતુર છે. સમય બદલાય તેમ કેટલાંક નવા ક્ષેત્રોમાં, તેમના મતે સોલર પાવર અને સાયબર સિક્યુરિટીમાં કાર્ય કરવા રોમાંચિત છે. જોકે, આપણે કેવી રીતે મુક્તપણે સંપર્ક જાળવી શકીએ, બન્ને દેશ કેવી રીતે મુક્તપણે વ્યાપાર કરી શકે તે સૌથી મહત્વની બાબત છે. તેમનો આશય સાતત્યપૂર્ણ ભવિષ્ય પર પણ ભાર મૂકવાનો છે. તેઓ ઓછા વેસ્ટનું ઉત્પાદન થાય તેવો પ્રયાસ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માગે છે. ભાગીદાર દેશો માટે બીજું વિશાળ ક્ષેત્ર બંદર ક્ષેત્ર છે. શિક્ષણ ક્ષેત્ર પર તેમના ધ્યાન વિશે પૂછવામાં આવતાં કૂકે જણાવ્યું હતું કે અમારી શિક્ષણ સુવિધાઓને વધુ સફળ બનાવવા માટે અમે નવા ઉપાય શોધી કાઢીશું. મદદ કરવાની બાબતે અમે પસંદગી મુજબ વર્તીએ છીએ પરંતુ, અમે મદદ કરીશું. અમે વોકેશનલ સ્કીલ્સ પર વધુ ધ્યાન આપવા માંગીએ છીએ. આ એક એવું ક્ષેત્ર છે જેમાં હુ માનું છું કે યુકેને સારી સમજણ છે. કૂકે ઉમેર્યું હતું, ‘ અમે અહીં મદદ કરવા માટે જ છીએ. અમે જે સહાયની વાત કરીએ તે ખૂબ વ્યવહારિક હોય છે. અમે અહીં માત્ર વાતો કરવા માટે નથી આવ્યા.’ કૂકે ઉમેર્યું હતું,‘ અમે વર્ષના ૩૬૫ દિવસ અહીં જ રહીશું અને હું ઈચ્છું કે દરેક દિવસ સફળ રહે.’

