ગયા વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સંજુ’માં રાજકુમાર હીરાણીની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહેલી મહિલાએ રાજકુમાર પર યૌનશોષણનો આરોપ મૂક્યો છે. મીડિયામાં પ્રચલિત એક લેખ મુજબ મહિલાએ કહ્યું કે તે ‘સંજુ’ ફિલ્મના નિર્માણ દરમિયાન હીરાણીની આસિસ્ટન્ટ હતી ત્યારે રાજુએ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી તેનું અનેક વખત યૌનશોષણ કર્યું હતું. પિતા ગંભીર બીમાર હોવાથી નોકરી ગુમાવવાના ડરે તે બે મહિના સુધી ચૂપ રહી હતી. પછી તેણે ૯ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ફિલ્મના સહનિર્માતા વિધુ વિનોદ ચોપડાને ઇમેલ મોકલી ફરિયાદ કરી હતી. આવા ઇમેલ તેણે ચોપડાની પત્ની અનુપમા બહેન શૈલી અને સ્ક્રીપ્ટ રાઇટર અભિજિત જોષીને પણ મોકલ્યા હતા. બીજી બાજુ રાજકુમાર હીરાણીએ કહ્યું કે તે મહિલાના આરોપોથી ચોંકી ગયા છે. આ મામલે મીડિયાને બદલે કોઈ સમિતિ કે કાનૂની એજન્સીને મોકલવો જોઈએ. મહિલાના આરોપ ખોટા છે. તે તેમની પ્રતિષ્ઠા ખરાબ કરવાની કોશિશ છે.













