બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ તેમણે ૧૪ જાન્યુઆરી સુધી મુંબઈ ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીની નિત્ય પૂજામાં દરરોજ હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહીને તેમનાં દર્શન અને આશીર્વચનનો લાભ લીધો હતો. ૮મીએ અન્નકૂટ દિન ઉજવાયો હતો. તેમાં લગભગ ૧,૦૦૦ જેટલી વાનગી સભામંચ પર રજૂ કરાઈ હતી. ૧૦મીએ પૂ. મહંત સ્વામીએ દાદરમાં નિર્માણ પામેલા સર્કલ ઓફ યુનિટી - સ્વામીનારાયણ ચોકના બોર્ડનું પૂજન કર્યું હતું. ૧૦મીએ સદાચાર દિનની પણ ઉજવણી કરાઈ હતી. આગામી વર્ષે પૂ. પ્રમુખ સ્વામીનો જન્મજયંતી મહોત્સવ મુંબઈમાં યોજાવાનો છે. તેને ધ્યાને લઈને આખા વર્ષ દરમિયાન સૌને સદાચારની પ્રેરણા મળે તેવું આયોજન કરાયું છે. તે વિશે કાર્યક્રમમાં માહિતી અપાઈ હતી. ૧૧મીએ ‘નિધીક્ષ’ શીર્ષક સાથે સંવાદ યોજાયો હતો. પૂ. મહંત સ્વામી હંમેશા નિર્માનીપણુ, ધીરજ અને ક્ષમાના ગુણ જીવનમાં ઉતારવા સૌને જણાવે છે. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ આ ત્રણ મૂલ્યો જાળવે તે ત્રણ ગુણ, ત્રણ અવસ્થા અને ત્રણ દેહથી પર થઈ જશે. ૧૩મીએ વડાલાના ભક્તિપાર્ક ખાતે ઝોળી પર્વ યોજાયું હતું. તેમાં પૂ. મહંત સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામીનું વાક્ય ‘એક ગણું દાન અને અનંતગણું પુણ્ય’ ટાંકીને આહલેક જગાવી હતી. આ પ્રસંગે ૧૨,૦૦૦ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ૧૪મીએ સુરત પધારેલા પૂ. મહંત સ્વામીનું સંતો અને હરિભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાંજે યોજાયેલા ઝોળીપર્વમાં ૪૦,૦૦૦ જેટલાં હરિભક્તો હાજર રહ્યા હતા.પૂ.મહંત સ્વામી આગામી ૨૯ જાન્યુઆરી સુધી સુરત ખાતે વિચરણ કરશે.

