૧૦ વર્ષ બાદ ભારતીય કેપ્ટનની ઓસ્ટ્રેલિયા સામે સદી

Friday 18th January 2019 05:42 EST
 
 

એડિલેડઃ ભારતે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હાર આપી ત્રણ મેચની સીરિઝમાં ૧-૧થી બરાબરી કરી છે. મંગળવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ૯ વિકેટે ૨૯૮ રન કર્યા છે. શોન માર્શે ૧૩૧ રનની શાનદાર ઈનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઇન્ડિયાએ જીતનો લક્ષ્યાંક ૪૯.૨ ઓવરમાં ૪ વિકેટના ભોગે પાર પાડ્યો હતો.
કેપ્ટન કોહલીએ ૧૦૪ રન કર્યા હતા, જે ૧૦ વર્ષ બાદ કોઈ ભારતીય સુકાનીની ઓસ્ટ્રેલિયા સામેની પહેલી સદી હતી. આ પહેલા ૨૦૦૯માં ધોનીએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ૧૨૪ રનની ઇનિંગ રમી હતી. સુકાની કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં બીજો ભારતીય સુકાની બની ગયો છે. કોહલીની આ ૩૯મી વન-ડે સદી હતી.
ભારતની શરૂઆત સારી રહી હતી. ધવન (૩૨ રન) અને રોહિતે પહેલી વિકેટ માટે ૭.૪ઓવરમાં ૪૭ રન જોડ્યા હતા. ત્યાર બાદ સુકાની કોહલી (૧૦૪) અને રોહિત (૪૩)એ સ્કોરને ૧૦૧ સુધી પહોંચાડ્યો હતો. રોહિતને સ્ટોઇનિસે આઉટ કર્યો હતો. ત્યાર બાદ રાયડુ (૨૪ રન) મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ધોની (૫૫ રન) અને કોહલીએ ચોથી વિકેટ માટે ૮૨ રન જોડ્યા હતા. કાર્તિક ૨૫ રન કરી અણનમ રહ્યો હતો. ધોનીએ ૫૦મી ઓવરમાં બેહરેનડ્રોફની પહેલા બોલમાં છગ્ગો ફટકાર્યો હતો અને બીજા બોલમાં ૧ રન લઈને ટીમને જીત અપાવી હતી. ટીમ ૪૯.૨ ઓવરમાં ૪ વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક મેળવ્યો હતો.

કોહલીની ૩૯મી સદી

વિરાટ કોહલીએ વન-ડેની ૨૧૦ ઇનિંગમાં ૩૯મી સદી ફટકારી છે. આ માટે તેણે સચિનથી ૧૪૦ ઓછી ઇનિંગ રમી હતી. સચિને ૩૫૦ ઇનિંગમાં ૩૯ સદી નોંધાવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, વન-ડે, ટી૨૦)માં સૌથી વધુ સદીના મામલે વિરાટ કોહલી (૬૪ સદી) ત્રીજા ક્રમે છે. તેણે શ્રીલંકાના કુમાર સંગાકારા (૬૩ સદી)ને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકર (૧૦૦ સદી) પહેલા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (૭૧ સદી) બીજા ક્રમે છે.


comments powered by Disqus