૧૧ વર્ષની વયે ફિલાડેલ્ફિયાની ટેસા સિન્ડર બોન કેન્સરનો શિકાર બની હતી. તેના પગ કપાવી નાંખવા પડ્યા હતા, પણ ટેસા હિંમત ન હારી. કૃત્રિમ પગના સહારે મોડેલિંગ શરૂ કર્યું. આજે તે માત્ર સફળ મોડલ જ નથી પરંતુ તેના જેવા અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે. વર્ષ ૨૦૦૦માં ૧૧ વર્ષની વયે જમણી જાંઘનાં હાડકાં સુધી બોન કેન્સર ફેલાઈ ગયું હતું. તેણે જીવને જોખમ ન થાય તે માટે માટે તાત્કાલિક તેનો પગ કપાવી નાંખવો પડ્યો. એ પછી પણ સંઘર્ષનો અંત ન આવ્યો, બોડી ઇમેજની સાથે વાળ ખરવા લાગ્યા. જોકે ટેસા નકલી પગને સહારે ચાલવા લાગી અને મોડેલિંગ પણ શરૂ કર્યું. ૨૯ વર્ષની વયે આજે ટેસા પ્રખ્યાત મોડેલ છે.
ટેસા હવે કહે છે કે ૧૧ વર્ષની વયે લીધેલા નિર્ણયે મને નવજીવન આપ્યું છે. હું પહેલાં કરતાં વધુ સુંદર હોવાનું મહેસૂસ કરું છું. મારા જીવનમાં એવી ઘણી ક્ષણો આવી જ્યારે હું નકલી પગનો ઉપયોગ કરવા માગતી ન હતી, પરંતુ પછી મેં વિચાર્યું એવી કોઈ ચીજ જેને બદલી ન શકાતી હોય તો તેના પર ગુસ્સો ન કરવો જોઈએ. તેથી એવી રીતે જીવન વિતાવો જે જીવન આપણને મળ્યું છે.
કીમોથેરપીની પીડાથી બચવા પગ કપાવવો નિર્ણય લીધો
ટેસી હવે પોતાના પતિ અને બે બાળકો સાતે ખુશ છે. તેણે કહ્યું કે ૨૦૦૦માં પગમાં દુઃખાવો થતાં સર્જન પાસે ગઈ ત્યારે તેમણે સમજાવ્યું કે મને કઈ બીમારી છે. પછી કીમોથેરાપીનો તબક્કો શરૂ થયો, ૭ સપ્તાહ સુધી ટ્રીટમેન્ટ ચાલી. મારા સુંદર ભૂરા વાળ ખરી ગયા, ખાવા-પીવાનું છૂટી ગયું. મિત્રોનો સાથ છૂટી ગયો. સપ્તાહમાં પાંચ દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું હતું. બે મહિના વીતી ગયા ત્યારે વારંવાર કીમોથેરાપી કરાવવાથી બચવા પગ કપાવી નાખવાનો નિર્ણય લીધો. ૨૦૦૧માં કેન્સરથી મુક્ત બની. નકલી પગના સહારે જીવનની ફરી શરૂઆત કરી. સ્કૂલે જવાનું શરૂ કર્યું અને માની લીધું કે આના સહારે જ દુનિયા જોવી અને જીવવી છે. આજે મને ગર્વ છે કે ૧૧ વર્ષની વયે મેં જીવનની આશા છોડી ન હતી અને પોતાને એવી જ સ્વીકારી તેથી સારું જીવન જીવું છું.

