‘નાસા’ અંતરિક્ષના અગમ્ય રહસ્યોની શોધ કરશેઃ મિશનમાં શ્યામ ભાસ્કરનનું મહત્વનું યોગદાન

Sunday 20th January 2019 05:48 EST
 
 

વોશિંગ્ટનઃ અંતરિક્ષમાં જઇને ભારતનું નામ રોશન કરનાર કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સના નામ જાણીતા છે. હવે ભારતને ગૌરવ અપાવવાનું આવું જ કામ મુંબઇના શ્યામ ભાસ્કરને કર્યું છે.
શ્યામ ભાસ્કરને અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના ઐતિહાસિક ફ્લાઇબાય મિશન ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટના નેવિગેશનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. મિશનના ભાગરૂપે ‘ન્યૂ હોરાઇઝન’ સ્પેસક્રાફ્ટ પહેલી જાન્યુઆરીના રોજ અજ્ઞાત ઓબ્જેક્ટ અલ્ટિમા થુલે પાસેથી પસાર થયું હતું. અલ્ટિમા થુલે આપણી સોલાર સિસ્ટમમાં સૌથી દૂરના અંતરે આવેલો પદાર્થ છે. ‘ન્યૂ હોરાઇઝન’ને જાન્યુઆરી ૨૦૦૬માં પૃથ્વીથી છોડાયું છે.
‘નાસા’ની જેટ પ્રોપ્લશન લેબોરેટરીમાં કામ કરતા શ્યામનો જન્મ ૧૯૬૩માં મુંબઇના માટુંગામાં થયો હતો. ભાસ્કરન્ આ પહેલાં પણ ‘નાસા’ના અનેક મિશન્સમાં મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ મિશનમાં પડકાર અંગે તેમણે કહ્યું હતું કે, આ સરળ નથી કારણ કે આ પહેલાં ‘નાસા’ કોઇ મોટા પદાર્થની નજીક નથી ગયું, જેના વિશે વિજ્ઞાનને કોઇ જાણકારી નહતી. તેમણે કહ્યું હતું કે અલ્ટિમા થુલેને શોધવું એ જ પડકાર હતો.

શું છે અલ્ટિમા થુલે ઓબ્જેક્ટ?

અલ્ટિમા થુલે પર અજવાળું ખૂબ જ ઓછું છે અને તે એટલા અંતરે છે કે વૈજ્ઞાનિકોને હાલ તેના કદ અને આકારનો અંદાજ જ નથી. જોકે હવે ‘ન્યૂ હોરાઇઝન’ની નજીક જવાથી અનેક રહસ્યો પરથી પરદો ઉઠી શકે છે કેમ કે આ સ્પેસક્રાફ્ટ તેની તસવીરો પણ મોકલશે. ઉલ્લેખનીય છે કે ‘ન્યૂ હોરાઇઝન’ સ્પેસક્રાફ્ટે પહેલી જાન્યુઆરીએ અલ્ટિમા થુલે નજીક અંદાજે ૩૫૦૦ કિલોમીટરના અંતરે ઉડાણ ભરી.

મુંબઇને યાદ કર્યું

એક અખબાર સાથેની વાતચીતમાં શ્યામ ભાસ્કરને જણાવ્યું હતું કે, પોતાને એ દિવસો પણ યાદ છે જ્યારે તે મુંબઇના પેડર રોડ પર આવેલા કેલિનવર્થમાં રહેતા હતા. આ સ્થળે પરમાણુ ઉર્જાનું ડિપાર્ટમેન્ટ હતું. તેના પિતાજી ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં જ કામ કરતા હતા. શ્યામ ભાસ્કરન ૧૯૬૮માં ભારત છોડીને અમેરિકા શિફ્ટ થઇ ગયા. આ દરમિયાન તેઓ ૧૯૮૧માં પોતાના સંબંધીઓને મળવા પરત મુંબઇ આવ્યા હતા. તે સમયે જોયું કે, મુંબઇ પહેલાની સરખામણીએ ઘણું બદલાઇ ગયું છે.


comments powered by Disqus