શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) ના સંસ્થાપક પૂ. બાપજી તા.૨૨.૮.૨૦૧૯ ના રોજ રાત્રે ૧૦.૧૦ કલાકે અંતર્ધ્યાન થયા હતા. દિવ્ય સત્પુરુષને શ્રદ્ધાંજલિ નહિ પરંતુ દિવ્યાંજલિ હોય તે ન્યાયે પૂ.બાપજીને દિવ્યાંજલિ અર્પવા તારીખ ૨૧.૯.૨૦૧૯ ની રોજ સાંજે ૬ થી ૮ દરમિયાન દિવ્યાંજલિ સભા યોજાઈ હતી. આ સભામાં ૫૦૦ જેટલા પુરુષ, મહિલા અને બાલ -બાલિકા હરિભક્તોએ હાજર રહી પૂ.બાપજીને દિવ્યાંજલિ અર્પી હતી.
SMVS સંસ્થાના સંતો પૂ. નિર્લેપસ્વરુપદાસજી સ્વામી અને પૂ. અનુપસ્વરુપદાસજી સ્વામીએ પૂ.બાપજી ના દિવ્ય ગુણો તથા તેમણે કરેલા સામાજિક ઉત્કર્ષ ,આરોગ્ય, શૈક્ષણિક, રાહત કાર્યો, આદિવાસી ઉત્થાન, મહિલા ઉત્કર્ષ, વ્યસનમુક્તિ જેવા અનેક જનહિતના કાર્યોને યાદ કરીને એ જ પ્રણાલી પૂ.બાપજીના અનુગામી પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીના નેતૃત્વ હેઠળ આગળ ચાલુ રહેશે તેવો સંકલ્પ જણાવ્યો હતો. પૂ.બાપજીના સંકલ્પથી કિવન્સબરી ખાતે સંસ્થાનું યુકેનું પ્રથમ મંદિર હાલમાં નિર્માણ થઇ રહ્યું છે. મંદિરનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને લંડનના સમાજને વહેલી તકે આ મંદિરમાં દર્શનનો અને વિવિધ પ્રવૃત્તિઓનો લાભ મળી રહે તે માટે પૂ.નિર્લેપસ્વરુપદાસજી સ્વામીએ પ્રાર્થના કરી હતી.
સભામાં ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ, લાલુભાઇ પરીખ, લોકલ કાઉન્સિલર્સ તથા અન્ય મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

