ગોંડલમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે, બીજી અસત્ય છે’

Wednesday 16th October 2019 06:04 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. ૯મીએ પૂ. મહંત સ્વામીએ નેનપુરમાં આવેલા શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના હરિમંદિરમાં આરતી ઉતારીને દર્શન કર્યા હતા તેમજ હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો. ૧૧મીએ તેઓ ગોંડલ પધાર્યા હતા. ૧૨મીએ સવારની પૂજામાં પુ. મહંત સ્વામીએ હરિભક્તોને દર્શન અને આશીર્વાદ આપ્યા હતા. તેમણે કહ્યું,‘ મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે, બીજી અસત્ય છે.’ ૧૩મીને રવિવારે સ્વામી ગુણાતીતાનંદનો ૨૩૫મો પ્રાગટ્યોત્સવ હતો. સવારની સભામાં પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ દ્રષ્ટિકોણ તો મહારાજને સ્વામી. તેમની તરફ દ્રષ્ટિ હોય તો બધું આવી ગયું. પ્રાપ્તિનો વિચાર આવે તો બીજા બધા દોષો ઓટોમેટિક હટી જાય.’ સાંજે શરદપૂનમની મુખ્ય સભામાં ગુણાતીત જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની મુખ્ય થીમ વચનામૃત હતી. તેના આધારે ગુણાતીત ગુરુઓનો મહિમા ગવાયો હતો. કાર્યક્રમને પાંચ વિભાગમાં વહેંચી દેવાયો હતો. દરેક વિભાગમાં વડીલ સંત દ્વારા પ્રવચન તે પછી સંવાદ અને આરતી યોજાઈ હતી. છેલ્લી આરતી સમૂહ આરતી હતી. સૌના હાથમાં દીવા સાથે આરતીનું દ્રશ્ય જાણે આકાશમાંથી તારલા ભૂમિ પર આવી ગયા હોય તેવું અદભૂત લાગતું હતું. કાર્યક્રમમાં પૂ. મહંત સ્વામીએ વચનામૃતના કન્નડ ભાષામાં થયેલો અનુવાદ તેમજ સંત વ્યાખ્યાનમાળા ભાગ -૧૮નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજકોટથી ગોંડલની ૪૦ કિ.મી.ની પદયાત્રા કરીને આવેલા ૧,૨૦૦ હરિભક્તો તરફ પૂ. મહંત સ્વામીએ આશિષ દ્રષ્ટિ કરી હતી. બાળવૃંદે નૃત્યો રજૂ કર્યા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ કોઈ ડૂબતો હોય અને ખેંચી લે તેવું ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું. બધાએ પણ એવી રીતે ઘણાનું પરિવર્તન કર્યું. જેનું હૃદય શુદ્ધ હોય, એકદમ પવિત્ર હોય એ પરિવર્તન કરી શકે, આપણે પણ પરિવર્તન કરી શકીએ, પણ આપણી અશુદ્ધિ હોય તો પરિવર્તનની વાત અટકે છે.’ ૧૪મીએ બાળદિન ઉજવાયો હતો. સવારની પૂજામાં બાળકોએ સહજાનંદ નામાવલિનો મુખપાઠ રજૂ કર્યો હતો.


comments powered by Disqus