વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવન છે તો નાના-મોટા પ્રશ્નો પણ રહેવાના, અને રોલરકોસ્ટર જેવી ચઢ-ઉતર પણ આવવાની. પરંતુ અડચણ કે ચઢ-ઉતરને તાબે તો ન જ થઇ જવાનું હોય ને? સામાન્યપણે આપણને એવું જોવા મળે છે કે ૨૦-૨૫ની વર્ષના યુવક કે યુવતીને કશું અસાધ્ય લાગતું નથી. આપ સહુને યાદ હશે જ કે આ વયકાળમાં આપણે પણ આવી જ મનોસ્થિતિ ધરાવતા હતા. આ વયના જુવાનિયાના મનમાં એક જ વાતના ઘોડા દોડતા હોય છે કે દુનિયા કો બદલ ડાલેંગે... પોતાના જ કુટુંબના વડા હોય, કે પોતે જ્યાં જોબ કરતા હોય તે કંપનીના માલિક હોય કે પોતે જ્યાં અભ્યાસ કરતાં હોય ત્યાંના પ્રોફેસર હોય કે પછી પોતાના દેશના નેતા હોય - આ બધા તેમને બકવાસ (!) લાગતા હોય છે. તેઓ સતત એવી મનોસ્થિતિમાં રાચતા હોય છે કે જો આ કામ મને સોંપવામાં આવે તો આમ કરી નાંખું ને તેમ કરી નાંખું, હું આ વાત હાથ લઉં તો ચપટી વગાડતાંમાં જ બધું સરખું કરી નાંખું...
જોકે વયના વહેવા સાથે જેમ જેમ છઠ્ઠીનું ધાવણ સુકાતું જાય છે તેમ તેમ આક્રોશભરી મનોસ્થિતિ શાંત પડતી જાય છે - દૂધનો ઉભરો શમી જાય તેમ આ જુસ્સો ટાઢો પડી જાય છે. સમયના વીતવા સાથે, વયના વધવા સાથે વાસ્તવિક્તાનું ભાન થાય છે કે જીવન-પથ કંઇ આસ્ફાલ્ટનો લીસ્સો રસ્તો નથી. જીવન-પથ ક્યાંક સીધો-સરળ હોય છે તો ક્યાંક ઉબડખાબડ પણ હોય છે, ક્યાંક બમ્પનો હડદો ખમવાનો હોય છે તો ક્યાંક ખાડાનો ઝટકો સહન કરવાનો હોય છે. ક્યારેક જીવન-પથ લાંબા અંતર સુધી ચોખ્ખોચણાક દેખાતો હોય છે તો ક્યારેક આગેકૂચ દરમિયાન અવરોધોનું એવું અડાબીડ જંગલ ઘેરી વળે છે કે કાંટાળી મુશ્કેલીઓ વચ્ચેથી કોઇ માર્ગ જ સૂઝતો નથી. ક્યારેક મારગમાં સુખદ અનુભવનું ખળખળ ઝરણું ભીંજવી જાય છે તો ક્યારેક આફતનો અનરાધાર વરસાદ ઘેરી વળે છે. ક્યારેક હરણ જેવા ગભરુ માણસ તો ક્યારેક અશ્વ જેવા વફાદારનો ભેટો થઇ જાય છે અને ક્યારેક શિયાળ જેવા લુચ્ચા - શઠ પણ ભટકાઇ જાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જીવન-પથ પર આગળ આગળ વધતાં વ્યક્તિને સારાં-નરસાં, જાતપાતનાં અનુભવ થતાં રહે છે.
અને મારે - તમારે - આપણે સહુએ આ બધા વચ્ચેથી સાંગોપાંગ પસાર થતાં થતાં નિશ્ચિત જીવનલક્ષ્ય ભણી આગળ વધતાં રહેવાનું હોય છે.
કેટલાક આવી મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં હામ હારી જાય છે તો કેટલાક એવા હિંમતવાન, મરજીવાઓ પણ હોય છે જેઓ હૈયે હામ રાખીને આગળ વધતા રહે છે. તેમનું જીવનસૂત્ર કંઇક આવું હોય છેઃ
નીકલ પડે હૈં ખુલ્લી સડક પર,
અપના સીના તાને, અપના સીના તાને,
મંજિલ કહાં, કહાં રુકના હૈ
ઉપરવાલા જાને, ઉપરવાલા જાને...
વાચક મિત્રો, કંઇ યાદ આવ્યું? યાદ આવે. જુના સ્પંદનો પણ.... કંઇ વાંધો નહીં આગળ વાંચો...
આપ સહુને આ બધું વાંચીને કંઇક એવું વિચારવા લાગ્યા હશો કે અલ્યા ભ’ઇ સી.બી., આ શું માંડ્યું છે? કંઇક સમજાય તેવી વાત કરો ને... મિત્રો, તમે બધા આવું કંઇક વિચારો એમાં તમારો વાંક પણ નથી. અમારા અંબાકાકા હયાત હોતને તો તેમણે પણ આવું જ કહ્યું હોત.
આ બધી કથા કરવા પાછળનો મારો એકમાત્ર ઉદ્દેશ આજના માનવીની મનોદશા રજૂ કરવાનો છે. આજે મધ્યમ વયની યુવા પેઢીથી માંડીને વડીલ વય સુધીના સહુ કોઇ તણાવમાં જિંદગી જીવી રહ્યા છે. કોઇને પારિવારિક પ્રશ્ન છે તો કોઇને સામાજિક સમસ્યા છે. કોઇને વળી આર્થિક પ્રશ્ન છે તો કોઇને પોતાની જોબ કે વ્યવસાય સંબંધિત સમસ્યા સતાવી રહી છે. કોઇને પોતાનું જ શરીર (બીમારીના લીધે) કનડી રહ્યું છે તો કોઇને પેટના જણ્યા
સાથે મનમેળનો અભાવ પરેશાન કરી રહ્યો છે. ઘણા લોકોને બ્રેક્ઝિટના લીધે પોતાના ધંધાધાપા પર પડનારી આડઅસરની ચિંતા સતાવી રહી છે.
સાદા શબ્દોમાં કહું તો જેટલા માથા છે એટલા વિચાર છે અને જેટલા વિચાર છે તેટલી જ આધિ-વ્યાધિ ને ઉપાધિ પણ છે. આ માટે એક નહીં અનેક કારણો જવાબદાર છે. પરંતુ સૌથી પાયારૂપ કારણ હોય તો એ છે કે દોડધામભરી જિંદગી. લોકો પાસે પરિવાર કે સ્વજનો માટે તો ઠીક, પોતાની જાત માટે ય સમય નથી! મુક્તમને વાતચીતનો માહોલ જ બનતો નથી. કોઇની પાસે હૈયું ઠલવાય જ નહીં તો મનનો બોજો હળવો થાય કઇ રીતે? આથી સંજોગ એવા સર્જાય છે કે જીવન-પથમાં નાની અમસ્તી મુશ્કેલી જોવા મળી નથી કે રાઇનો પહાડ બની જતાં વાર નથી લાગતી. મધ્યમ વયથી માંડીને મોટેરાઓ સહુ કોઇની આ હાલત છે.
તો પછી આ સ્થિતિનો ઉપાય શું? કડવા સત્યનો સ્વીકાર. સીધી અને સટ વાત છે - આપણે સ્વીકારવું જ રહ્યું કે જીવન છે તો સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે. જીવનના અંતિમ શ્વાસ સુધી નાના-મોટા પ્રશ્નો આપણો કેડો નથી જ મૂકવાના એ સત્ય આપણે જે ઘડીએ સ્વીકારી લઇશું તે જ ઘડીએ અડધોઅડધ માનસિક બોજ હળવો થઇ જશે. તો પછી બાકીના અડધા માનસિક બોજનું શું?
એકદમ સિમ્પલ છે... હવે જરા એ વિચારો કે જો પ્રશ્નો, અવરોધો રહેવાના જ હોય તો પછી તેનો હિંમતભેર સામનો કેમ ન કરવો? દૃઢ નિર્ધાર કરો કે ગમેતેવી મુશ્કેલી હોય સામી છાતીએ મુકાબલો કરવો જ છે, તેના પર વિજય મેળવવો જ છે. તમારું આરોગ્ય કથળ્યું હોય તો દવાદારૂ કરો. (બાપલ્યા, દારૂનો અર્થ દવા સાથેના જોડાક્ષર સંદર્ભે જ કરજો હોં... કંઇ આડુંઅવળું સમજતા પણ નહીં, અને કરતા પણ નહીં.) સતત માનસિક તણાવ રહેતો હોય તો યોગાસન કે ઊંડા શ્વાસોશ્વાસ કરીને હળવા થઇ શકાય. પારિવારિક સમસ્યા હોય તો વડીલ કે કોઇ અનુભવી સ્વજન સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવી શકાય. આર્થિક સમસ્યા હોય તો વિશ્વાસપાત્ર ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટની મદદ લો. દરેક સમસ્યાનો ઉપાય હોય જ છે તે કદી ન ભૂલો. મક્કમ મનોબળ સાથેનો આ હકારાત્મક અભિગમ ગમેતેવી મહામુશ્કેલીને પણ જીવન-પથ પરથી મારી હઠાવશે તેની ખાતરી રાખજો. બસ, હૈયે હામ હોવી જોઇએ. અને હા, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ હોવો જોઇએ. આટલું તમારા ગુંજે ભર્યું હશે તો જીવન-જંગમાં કદી હાર નહીં થાય. પેલા ગીતની પંક્તિમાં કહ્યું છેને...
હોંગે રાજે રાજકુંવર
હમ બિગડે દિલ શહજાદે
બિગડે દિલ શહજાદે
હમ સિંઘાસન પર જા બૈઠેં
જબ જબ કરેં ઈરાદે,
જબ જબ કરેં ઈરાદે...
વાચક મિત્રો, હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યારનો હું ક્યા ગીતનો સંદર્ભ ટાંકી રહ્યો છું. જો હજુ ખ્યાલ ન આવ્યો હોય તો આ લેખ સાથેના બોક્સ પર નજર ફેરવી લો. તમે પણ ગીત ગણગણતા થઇ જશો... ગ્રેટેસ્ટ શો-મેન રાજ કપૂરની ૧૯૫૫માં રિલીઝ થયેલી ‘શ્રી ૪૨૦’નું આ જાનદાર-શાનદાર ગીત છે. તે સમયે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ ગુંજતું થયેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આજે પણ સંગીતમય કાર્યક્રમોમાં તેની ફરમાઇશ થતી રહે છે અને ગીત રજૂ થાય છે ત્યારે પંચાવનના દસકાના જુવાનિયાઓથી માંડીને એકવીસમી સદીના જુવાનિયાઓના તન અને મન ડોલી જાય છે. ગીતના શબ્દોને ધ્યાનપૂર્વક વાંચશો તો તેની એક એક કડીમાં જીવન-સંદેશ પામશો.
ચાલો, ત્યારે આજે વિદાય લઉં... લેબર પાર્ટીના ભારતવિરોધી જેરેમી કોર્બિન જેવાઓને ભીંસમાં લેવા હજુ ઘણું કામ કરવાનું છે. અને હા, તમે કોર્બિનવિરોધી ચળવળમાં જોડાયા કે નહીં? ચળવળ ભલે અમે શરૂ કરી, પણ વાત આપણા દેશની છે, ભારતના હિતની છે એ નહીં ભૂલતાં... (ક્રમશઃ)
ફિલ્મ: શ્રી ૪૨૦ (૧૯૫૫)
ગાયકઃ મુકેશ • ગીતકારઃ શૈલેન્દ્ર
મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઈંગ્લિશતાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઈંગ્લિશતાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા હૈ જાપાની
નિકલ પડે હૈં ખુલી સડક પર
અપના સીના તાને, અપના સીના તાને
મંજિલ કહાં, કહાં રુકના હૈ
ઉપરવાલા જાને, ઉપરવાલા જાને
બઢતે જાયે હમ સૈલાની જૈસે એક દરિયા તૂફાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઈંગ્લિશતાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
ઉપર નીચે, નીચે ઉપર
લહર ચલે જીવન કી, લહર ચલે જીવન કી
નાદાં હૈ જો બૈઠ કિનારે
પૂછે રાહ વતન કી, પૂછે રાહ વતન કી
ચલના જીવન કી કહાની
રુકના મૌત કી નિશાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઈંગ્લિશતાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
હોંગે રાજે રાજકુંવર
હમ બિગડે દિલ શહજાદે
બિગડે દિલ શહજાદે
હમ સિંઘાસન પર જા બૈંઠે
જબ જબ કરેં ઇરાદે,
જબ જબ કરેં ઈરાદે
સુરત હૈ જાની પહેચાની, દુનિયાવાલોં કો હૈરાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની
મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઈંગ્લિશતાની
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની...
--------------------

