દીકરો બાપને પૂછે તો ગર્વભેર કહી શકાય કે, ‘મૈંને દુનિયા દેખી હૈ...’ એ પુરવાર કરવા શ્રી પરવિન મહેતાને કારમાં દુનિયાની સફર ખેડવા પ્રેરણા મળી. એ સાથે જ ફિલ્મો જોવાના શોખે જગાડ્યું દુનિયા જોવાનું સપનું. ‘જિંદગી ના મિલેગી દુબારા’ ફિલ્મે કોલંબસ બનવાની અદમ્ય ઇચ્છા જગાવી. એશિયા, યુરોપ, સાઉથ અને નોર્થ અમેરિકા એમ ચાર ખંડોમાં એન્ટાર્કટિકા અને આર્કટિક સર્કલ સહિત ફરી વળવાની સાહસિક સફરનો શુભારંભ ૫૦ વર્ષના મારવાડી જૈન પરવિન મહેતા અને એમના મિત્ર હોમિયોપેથ ડોક્ટર સુધીર બલદોત (ડોક્ટર બન્યા ફોટોગ્રાફર) સાથે કર્યો.
વિશ્વને એકસૂત્રે સાંકળીને શાંતિ સ્થાપવા સાથે જે જે દેશમાં જાય ત્યાં ત્યાં બે વિશિષ્ટ મહાનુભાવોની મુલાકાત કરવી, જેમણે સમાજના બદલાવમાં નોંધપાત્ર અનુદાન આપ્યું હોય. એવા ઉદાત્ત ઇરાદા સાથે કારની મુસાફરી મુંબઇથી શરૂ થઇ અને એવી વિભૂતિઓનો ભેટો પણ થયો.
૬૦ દેશોમાં ૭૦,૦૦૦ કિલોમીટરથી વધુ માઇલની ૩૦૦ દિવસની મુસાફરી કરી લંડનમાં ૧ ઓકટોબર ૨૦૧૯ના રોજ આવેલ શ્રી પરવિન મહેતાની મુલાકાત સ્ટેનમોર, લંડનના એક રેસ્ટોરંટમાં થઇ ત્યારે એમની રોમાંચક સફરની વાતો જાણવા મળી. સૂકલકડો બાંધો ધરાવતા એ યુવકની આંખોમાં પોતાનું સપનું સાકાર કર્યાની ખુમારી વરતાતી હતી.
એમણે જણાવ્યું કે, ‘અમારા આ પ્રવાસે ઠેર ઠેર એક ઉત્સુકતાનો માહોલ ઉભો કર્યો. અમારી કારે પણ કોઇ તકલીફ ન આપી. અમારા ઇન્ટરવ્યુ લેવા, ફોટા પડાવવા અને અમારા યજમાન બનવામાં ગૌરવ અનુભવતા કેટલાય ભલા-પરગજુ માનવીઓનો અમને ભેટો થયો. અમારા પડકારો અભિશાપ નહિ, આશીર્વાદરૂપ બની રહ્યા એ અમે અનુભવ્યું... દરેક દેશના ભારતીય ડિપ્લોમેટની ઓફિસમાં પણ અમારું સ્વાગત થયું હતું.’
તેમણે વધુમાં કહ્યું હતું કે રસ્તામાં મળતા કેટલાય લોકો અમને વેબસાઇટ પર લોગીંગ કરી, અમારો નંબર શોધી અમને ટેક્સ્ટ કરીને જણાવતા કે, અમારા ગામમાં આવો અને કંઇ પણ જોઇતું હોય તો જણાવજો. અમારી કારની રાહ જોતા રસ્તામાં કેટલાય લોકો ઉભા હોય. અમને મળવાની અને અમારા દિલચશ્પ અનુભવો જાણવાની ઉત્સુકતા દાખવે. આ જ અમારી સફળતાનો માપદંડ છે.’
શ્રી પરવિન મહેતાએ રશિયાની યાદો તાજી કરતાં કહ્યું હતું કે રશિયામાં હજી રાજ કપુરની ફિલ્મો અને બોલીવુડ ગીતોના લોકો દિવાના છે. ‘આવારા હું...’, ‘મેરા તુઝસે હૈ પહલે કા નાતા કોઇ, યૂં હી નહિ લુભાતા કોઇ...’ જેવા ગીતો અમારી પાસે ગવડાવતા અને ખુશ થતા. ભારતના બોલીવુડ ગીતો અને યોગા બે એ ભારતને ગૌરવ અપાવ્યું છે.’

