બાબા હોલિડેઝને લેસ્ટર એશિયન ગ્લિટ્ઝ એવોર્ડનું સન્માન

Wednesday 16th October 2019 06:15 EDT
 
 

ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા બદલ યુકેના સ્થાપક એશિયન ટુર ઓપરેટરો પૈકી એક બાબા હોલિડેઝનું લેસ્ટરના ડી મોન્ટફર્ડ હોલમાં આયોજીત લેસ્ટર એશિયન ગ્લિટ્ઝ એવોર્ડ (LAGA) સમારોહમાં સન્માન કરાયું હતું. છેલ્લાં ૩૫ વર્ષથી બાબા હોલિડેઝ તેના પ્રવાસ આયોજનોમાં ખાસ કરીને ઈન્ડિયન વેજિટેરિયન/નોન-વેજિટેરિયન અને જૈન ભોજન પૂરું પાડીને એશિયન કોમ્યુનિટીની સેવામાં વિશેષ ધ્યાન આપી રહ્યું છે. બાબા હોલિડેઝ એશિયન ગ્રૂપ્સ, પરિવારો અને કોમ્યુનિટી સેન્ટર્સની યુરોપ અને વિશ્વના અન્ય પર્યટન સ્થળોના પ્રવાસની જરૂરિયાતોને પૂરી કરવા સાથે યુકેમાં ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં મોખરે છે. કંપની તેના ગ્રાહકોની ભોજનની જરૂરિયાતો પ્રત્યે વધુ સજાગ રહીને ધ્યાન આપવાની સાથે તેમની ધાર્મિક માન્યતાઓ તેમના ટ્રાવેલ પ્લાન્સની સાથે સુસંગત બને તેની વિશેષ તકેદારી રાખે છે.

પ્રવાસન ઉદ્યોગમાં બીજા ટુર ઓપરેટરો પ્રવેશતા સ્પર્ધા વધી ગઈ હોવાથી બાબા હોલિડેઝે ડેસ્ટિનેશન વેડિંગ્સ, વ્યક્તિગત ટુર પેકેજીસ અને માતાઓ તથા પુત્રીઓ માટે સ્પેશિયલ ટ્રાવેલ પેકેજીસ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. વીતેલા વર્ષોમાં કંપનીએ યુકે અને યુરોપ જેવા દેશોમાં તેમજ પ્રવાસન સ્થળોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.

બાબા હોલિડેઝના સ્થાપક અને સીઈઓ પ્રદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે ૧૯૯૦ના દાયકામાં અમારા જર્મનીના પ્રથમ પ્રવાસને ભવ્ય સફળતા મળી હતી અને ત્યારથી અમે સતત પ્રગતિ કરી રહ્યા છીએ. સમાજના લોકોને આનંદ મળે અને રસ પડે તેવા નવા જુદા જુદા પ્રવાસન સ્થળોના સંશોધન માટે કંપની કૃતનિશ્ચયી છે. તેમણે ઉમેર્યું હતું કે પેકેજ અને ટેલર – મેડ હોલિડેઝ અમારી કંપનીની આગવી વિશેષતા છે અને અમે દુનિયાભરમાં ફેલાયેલા ગ્રાહકોની ટુરિઝમને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સતત પ્રવાસના નવા પેકેજ તૈયાર કરી રહ્યા છીએ.


comments powered by Disqus