યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ તા.૧૨.૧૦.૧૯ને શનિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે યોજાયેલી વિશેષ સભામાં હરિભક્તો સાથે જોડાયા હતા. રુચિ ઘનશ્યામ ૧૯૮૨માં ઈન્ડિયન ફોરેન સર્વિસમાં સામેલ થયા હતા. મંદિરના ટ્રસ્ટીઓ અને વોલન્ટિયર્સે પારંપારિક હિંદુ પ્રથા મુજબ રુચિ ઘનશ્યામનું સ્વાગત કર્યું હતું. યુવા અને સિનિયર વોલન્ટિયર્સે હાઈ કમિશનરને એસેમ્બલી હોલ લઈ જતી વખતે મંદિર દ્વારા ચાલતી વિવિધ સામાજિક, કોમ્યુનિટી તેમજ ખાસ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
સાંજની સભાની થીમ ‘સેલિબ્રેટિંગ વેજિટેરિયનિઝમ’હતી. વર્લ્ડ વેજિટેરિયન ડેના ભાગરૂપે મંદિર દ્વારા આ સભાનું ખાસ આયોજન કરાયું હતું. આ દિવસીની ઉજવણીને લીધે શાકાહારી જીવનશૈલીથી થતાં નૈતિક, પર્યાવરણીય, આરોગ્યલક્ષી તેમજ માનવતાવાદી લાભો વિશે જાગૃતિ કેળવાય છે.
કાર્યક્રમમાં શાકાહારના ચુસ્ત સમર્થક મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
બાળકો, યુવાનો અને સ્વામીઓએ શુદ્ધ શાકાહારી ભોજનના આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય સંબંધી લાભોની સમજ આપતા પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કર્યા હતા. શાકાહારમાં અહિંસાનો ઉત્કૃષ્ટ સિદ્ધાંત સમાયેલો હોવાની સમજ આપતા હિંદુ ધર્મગ્રંથો પ્રત્યે પણ તેમણે ધ્યાન દોર્યું હતું.
ત્યારબાદ હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે સભાને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ પ્રસંગે (મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી) અહીં ઉપસ્થિત રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું,‘ શાકાહારના સંદેશને જીવંત કરવા બદલ બીએપીએસનો આભાર. યુકેમાં આપની હાજરી ભારતમાં રહેલા લોકોને પ્રેરણા પૂરી પાડે છે. અહીં આપનું મંદિર આ દેશમાં આપની સફળતાનું જીવંત સ્મારક છે.’

