સમગ્ર વિશ્વમાં મંદીના આગમનની આલબેલ વાગી ચૂકી છે ત્યારે ભારતની ઝડપી વિકાસ ગતિ પણ મંદ પડે તેમાં કોઈ નવાઈ નથી. બે વર્ષ અગાઉ આઠ ટકાના વિકાસ દરનો અંદાજ રખાયો હતો તે ધોવાઈ ગયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ), વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) અને ધ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ, મૂડીઝ અને છેલ્લે ખુદ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) સહિત વિશ્વસ્તરની રેટિંગ એજન્સીઓએ એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા ભારતીય અર્થતંત્રની વૃદ્ધિના અંદાજો ઘટાડ્યા છે. સાઉદી, ઈરાન, સીરિયામાં યુદ્ધના સંજોગો તેમ જ ઓઈલ કટોકટીથી અમેરિકા, જાપાન, યુરોપના વિકસિત દેશો, ભારત, બ્રાઝિલ અને ચીનની અર્થવ્યવસ્થાની ગતિ પણ નબળી પડવા લાગી છે.
આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તીની માઠી અસર ભારતમાં પણ જોવા મળશે તેવી ચેતવણી આપી છે. વર્લ્ડ બેંકના ૨૦૧૮ના રેન્કિંગ અનુસાર ભારતનું અર્થતંત્ર પાંચમા ક્રમેથી ગબડીને સાતમા ક્રમે આવ્યું છે. વર્લ્ડ બેન્કે ભારતનો અંદાજિત વૃદ્ધિદર ઘટીને ૬ ટકા રહેવાની આગાહી કરી છે. ગ્રાહક વપરાશી વસ્તુઓની માંગમાં ઘટાડા, ઉદ્યોગો તથા સર્વિસીસમાં વૃદ્ધિની નરમાઈ, ગ્રામીણ પરિવારોમાં રોકડની તંગી તેમ જ નબળું રોજગારી સર્જન સહિતના કારણોસર ભારતનો આર્થિક વિકાસ દર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં પાંચ ટકાનો રહ્યો હતો, જે છ વર્ષમાં સૌથી નીચે છે.
ભારતીય રિઝર્વ બેન્કે પણ દેશના જીડીપીનો અંદાજ ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યો છે. ગત મહિને એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને ધ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા પણ ૨૦૧૯-૨૦ માટે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડાયો હતો.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝની ઈન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાકીય વર્ષ (૨૦૧૯-૨૦) માટે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન વિકાસનું અનુમાન ૬.૨ ટકાથી ઘટાડી ૫.૮ ટકા કર્યું છે. જોકે, મૂડીઝે ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૬.૬ ટકાના દરે વૃદ્ધિ થવાનો સધિયારો આપ્યો છે.
ભારતીય અર્થતંત્ર માટે રાહતપૂર્ણ સમાચાર એ કહી શકાય કે વર્લ્ડ બેન્કે તેના સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસમાં વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્ર સુધારા સાથે ૬.૯ ટકા અને તે પછી ૨૦૨૨માં ૭.૨ ટકાના વૃદ્ધિદરની આશા દર્શાવી છે. વર્લ્ડ બેન્કે વૃદ્ધિદરમાં ઘટાડાની આગાહી સાથે જણાવ્યું છે કે વિશ્વમાં ભારતીય અર્થતંત્ર હજી પણ વ્યાપક સંભાવનાઓ સાથે ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ચીન દ્વારા વેપારયુદ્ધના આંશિક અંતના સાનુકૂળ સંકેતો વિશ્વ માટે સારા સમાચાર કહી શકાય.
