વાદવિવાદ નહિ, સંવાદને મહત્ત્વ

Monday 14th October 2019 07:29 EDT
 

વિશ્વમાં એક અબજથી વધુ વસતી ધરાવતા તેમ જ એશિયા ખંડમાં મહત્ત્વના પડોશી એવા ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તામિલનાડુના હેરિટેજ સ્થળ મામલ્લપુરમ ખાતે યોજાયેલી અનૌપચારિક બેઠકમાં વાદવિવાદ નહિ, સંવાદને મહત્ત્વ અપાયું છે. સત્તાવાર નિવેદનો, સમજૂતીઓ કે સંયુક્ત પત્રકાર પરિષદ ન યોજાવાં છતાં તેનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેવું નથી. આનું કારણ એ છે કે ભારત અને ચીન વચ્ચે વિશ્વમાં આર્થિક પ્રભુત્વ વિસ્તારવાની ભારે સ્પર્ધા છે અને તેમની વચ્ચે સરહદી વિવાદો પણ છે. આ બેઠકો પરથી સ્પષ્ટ થાય છે કે ભારત-ચીન પરસ્પરના મતભેદોને વિવાદ નહિ બનવા દે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે તેમ ‘ચેન્નઈ સંપર્ક’ મારફત સહયોગનો નવો યુગ શરૂ થશે. ભારત અને ચીને મતભેદોનો વિવેકપૂર્ણ ઉકેલ લાવવા, એક બીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા અને તેમને વિવાદનું સ્વરૂપ ન આપવાનો નિર્ણય કર્યો છે.
તમામ અસહમતીઓ છતાં ભારત અને ચીન વચ્ચે સંવાદિતા અને રાજદ્વારી સંબંધો જળવાઇ રહ્યાં છે. વર્ષોથી બંને દેશો વચ્ચે સરહદી વિવાદો હોવા છતાં સ્થિતિ કદી કાબુ બહાર ગઈ નથી. ગત કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો સતત મજબૂત બનવાનો ફાયદો બંને દેશોને થયો છે. એ તો હકીકત છે કે ચીન અથવા અન્ય કોઈ પણ દેશ સાથે દરેક મુદ્દે સહમતી અશક્ય છે, પરંતુ એશિયાની બંને મહાસત્તાઓ પારસ્પરિક સહયોગ આગળ વધારે એ જરૂરી છે.
એક મહત્ત્વની બાબત એ રહી કે જિનપિંગ અને મોદીએ આતંકવાદ અને ધાર્મિક કટ્ટરવાદથી સમાજને સુરક્ષિત રાખવા બંને દેશોએ સહયોગની આવશ્યકતા પર ભાર રાખવા છતાં કાશ્મીર પરત્વે વિવાદ અથવા જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને જરા પણ સ્પર્શ કર્યો નથી. ચીને આતંકવાદની તો વાત કરી, પરંતુ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિશે કશું કહ્યું નથી. જિનપિંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની ચીન મુલાકાત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી અને મોદીએ તે સાંભળી પણ લીધી હતી. ગુલાંટબાજ ચીને ભારત અને પાકિસ્તાન બંનેને સાચવી લેવાનો પ્રયાસ કર્યો છે.
બંને નેતાએ બંને રાષ્ટ્રોના સૈન્યો વચ્ચે પારસ્પરિક વિશ્વાસ વધારવાના પગલાં લેવા સંમતી દર્શાવી છે. આ સંદર્ભે ભારતના સંરક્ષણ પ્રધાનને ચીનની મુલાકાતનું આમંત્રણ પણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય સૈન્ય દ્વારા ચીન વિરુદ્ધની રણનીતિને ધ્યાનમાં રાખી પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. અરુણાચલ પર અધિકાર જમાવવા ચીન પ્રયાસ કરતું હોવાથી તેણે યુદ્ધાભ્યાસનો ભારે વિરોધ પણ કર્યો છે. આવા સંજોગોમાં પારસ્પરિક વિશ્વાસ નિર્માણનો મુદ્દો વિશેષ મહત્ત્વ ધરાવે છે.
વૈશ્વિક મંદીના માહોલમાં બંને દેશો વચ્ચે નિકટતા વધારવી જરૂરી છે. અમેરિકા સાથે વેપારયુદ્ધનાં પગલે ચીનને ભારતના સાથ-સહયોગની ફરજ પડી છે કારણ કે તેના માટે ભારતીય બજાર ઘણું મહત્ત્વનું છે. ચીન ભારતનું સૌથી મોટું વ્યાવસાયિક ભાગીદાર હોવા છતાં, વેપારમાં સૌથી વધુ લાભ તેણે જ મેળવ્યો છે. સમિટમાં બન્ને નેતાઓ વચ્ચે આમનેસામને યોજાયેલી બેઠકોમાં મહત્તમ ચર્ચા દ્વિપક્ષી વેપાર, રોકાણ અને સેવાઓ અંગે જ રહી છે. રોકાણની વાત કરીએ તો ચીન રોકાણ કરવામાં ભારતથી આગળ રહ્યું છે.
બીજી તરફ, ભારત-ચીન વેપારમાં ગત ૨૦ વર્ષમાં ભારે વૃદ્ધિ જોવાઈ છે. વર્ષ ૨૦૧૮માં ૯૫.૫૪ બિલિયન ડોલર વેપાર થયો હતો. જેમાં ભારતથી ચીનમાં નિકાસ માત્ર ૧૮.૮૪ બિલિયન ડોલરની જ હતી તેની સામે ભારતીય બજારમાં ચીની માલસામાનનો ખડકલો જ થતો રહ્યો છે. જેના પરિણામે ચીન સાથેની વેપારખાધ વધીને ૫૭.૮૬ બિલિયન ડોલરની થઈ હતી. ચીને આ વેપારખાધ ઘટાડવા મહત્ત્વના પગલાં લેવાની પણ ખાતરી ઉચ્ચારી છે, જે વેપારી સંબંધો જાળવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ ગણી શકાય.
મોદી અને જિનપિંગની બેઠક પછી ભારતે ચીનના પ્રવાસીઓ માટે બહુપ્રવેશ કેન્દ્રો તેમજ પાંચ વર્ષના પ્રવાસી ઈ-વિઝા આપવાની એકપક્ષી જાહેરાત કરી છે. આ પગલું બંને દેશ વચ્ચે પરસ્પર સંપર્ક વધારવાની સાથે સાથે ચીની પર્યટકોને ભારતપ્રવાસ માટે પ્રોત્સાહિત કરી શકે છે. આનો પ્રતિભાવ આપતા પ્રમુખ શી જિનપિંગે કૈલાસ માનસરોવર જતા શ્રદ્ધાળુઓને વધુ સુવિધા પૂરી પાડવાની વાત કરી છે તે આવકારદાયક છે. જિનપિંગ સાથે મોદીની અનૌપચારિક બેઠકનો આ બીજો તબક્કો હતો અને આગળનો તબક્કો ફરી ચીનમાં યોજાશે. ભારત અને ચીનના સંબંધો અતિ પ્રાચીન છે. જૂના સમયમાં પણ દક્ષિણ ભારત સાથે તેના સાંસ્કૃતિક આપ-લે અને વેપારમાર્ગ ચાલુ હતા. ‘સિલ્ક રૂટ’ પણ તેની જ દેણ છે. બંને દેશ વચ્ચે ફરી સંવાદયુગ સ્થપાય તે બંનેના હિતમાં છે.


comments powered by Disqus