સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 16th October 2019 06:37 EDT
 

• જહોન્સન એન્ડ જહોન્સનને ૬.૩૮ બિલિયન પાઉન્ડનો દંડ

યુવાનો ‘રિસ્પેરડલ’ દવાનો ઉપયોગ કરે તો તેમની છાતીમાં ઉભાર આવી શકે તેવી ચેતવણી દર્શાવવામાં જહોન્સન એન્ડ જહોન્સન નિષ્ફળ રહી હોવાના દાવા બાદ ફિલાડેલ્ફિયા કોર્ટે ફરિયાદી નિકોલસ મુરેને ૬.૩૮ બિલિયન પાઉન્ડ (૮ બિલિયન ડોલર) દંડાત્મક ડેમેજીસ પેટે ચૂકવી આપવા કંપનીને આદેશ કર્યો હતો. અગાઉ મુરે ૫,૪૧,૦૦૦ પાઉન્ડ (૬૮૦,૦૦૦ ડોલર)નો દાવો જીતી ચૂક્યો છે. સ્કિઝોફ્રેનિયા અને અન્ય બીમારી માટે પ્રિસ્ક્રાઈબ કરાતી આ દવા અંગે કંપની ૧૩,૦૦૦થી વધુ ક્લેઈમનો સામનો કરી રહી છે.

                                            • સાત્વિક ભોજનથી માનસિક બીમારીમાં રાહત મળે

માનસિક બીમારીનો સામનો કરવામાં સાત્વિક ભોજન અસરકારક હોવાના પુરાવા વધી રહ્યા છે ત્યારે એક અભ્યાસમાં જણાયું હતું કે ડિપ્રેશનના લક્ષણો ધરાવતા યુવાનોને સ્વાસ્થ્યવર્ધક આહાર લેવા માટે પ્રોત્સાહિત કરાતા તેમની તબિયતમાં સુધારો નોંધાયો હતો.

• ફંડિંગ બંધ થતાં GP એ દર્દીઓને તપાસવાનું બંધ કર્યું

GPને અપાતું રોકડ પ્રોત્સાહન સરકારે બંધ કરતાં ફેમિલી ડોક્ટરોએ વધુ પડતા શરાબના સેવનથી પીડાતા દર્દીઓને તપાસવાનું અટકાવી દેતા આ સમસ્યાથી પીડાતા દર્દીઓ સંબંધિત તબીબી સહાયથી વંચિત થયા હોવાનું સંશોધકોને જણાયું હતું. વર્ષ ૨૦૦૮માં નોંધાયેલા દર્દીઓને ડ્રિંકિંગ સમસ્યાની તપાસ કરવા અને શરાબસેવનના પ્રમાણમાં યોગ્ય સુધારા વિશે સલાહ આપવા જીપીને જણાવાયું હતું. આ સ્કીમ હેઠળ ડોક્ટરોને તપાસ માટે દર્દી દીઠ ૨.૩૮ પાઉન્ડ ચૂકવાતા હતા.

                                        • જાતીય શોષણ અટકાવવા યુનિવર્સિટીઓ દ્વારા ખાસ શિક્ષણ

કેમ્પસમાં થતા જાતીય અત્યાચારને લીધે વધતા દબાણને ખાળવા માટે લગભગ ૬૬ ટકા જેટલી યુનિવર્સિટીઓ જાતીય સંબંધ અગાઉ સામેની વ્યક્તિની સંમતિ કેવી રીતે મેળવવી, તેને કેવી રીતે ઓળખવી અને કેવા સંજોગોમાં તેના માટે ઈન્કાર કરવો વગેરે અંગે વિદ્યાર્થીઓને ખાસ શિક્ષણ આપી રહી છે. વાઈસ ચાન્સેલર્સનું પ્રતિનિધિત્વ કરતી યુનિવર્સિટીઝ યુકેએ લગભગ ૧૦૦ જેટલી સંસ્થાઓને આ સમસ્યા પ્રત્યે તેઓ કેવી રીતે ધ્યાન આપે છે તે પૂછ્યું હતું.

                                        • કસ્ટમ્સના ફોર્મ ભરવામાં બિઝનેસીસને જંગી ખર્ચ થશે

નો - ડીલ બ્રેક્ઝિટના સંજોગોમાં યુકે અને ઈયુ વચ્ચેના વેપાર માટે કસ્ટમ્સના ફોર્મ ભરવામાં બિઝનેસીસને વાર્ષિક ૧૫ બિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થશે તેમ તાજેતરમાં જાહેર થયેલા સરકારી પેપરમાં જણાવાયું હતું.

                                      • સ્થૂળતા ઘટાડવાટ્રેનમાં ફૂડ પર પ્રતિબંધની ભલામણ

સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવા માટે પ્રવાસી ટ્રેનો અને બસોમાં ભોજન અને ડ્રિંક્સ આપવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ દેશના ટોચના ડોક્ટરે કરી હતી. નિવૃત્ત થઈ રહેલા ચીફ મેડિકલ ઓફિસર પ્રો.ડેમ સેલી ડેવિસ પ્રતિબંધનો ઉપયોગ બાળકોની બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાની લાલચ સામે રક્ષણ આપવાના પ્રયાસોના ભાગ તરીકે કરવા ઈચ્છે છે. તેમણે ઉમેર્યું કે માત્ર પાણી, સ્તનપાન અને મેડિકલ કંડિશનને જ પ્રતિબંધમાંથી મુક્તિ આપવી જોઈએ.


comments powered by Disqus