જ્યારે પણ ચૂંટણીના શંખનાદ થાય અથવા પરિણામો આવી જાય તેની સાથે જ વિપક્ષ કે પરાજિત પક્ષો દ્વારા ઈલેક્ટ્રિક વોટિંગ મશીન (ઇવીએમ) દ્વારા ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપો થવા લાગે છે. તાજેતરમાં જ અમેરિકાસ્થિત કહેવાતા સાઈબર એક્સપર્ટ અને હેકર સૈયદ શુજા ઉર્ફ હૈદર અહમદે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપે ઈવીએમ હેકિંગ કરવાની ગેરરીતિ આચરી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હોવાનો આક્ષેપ લંડન ખાતે કરીને સનસનાટી મચાવવા પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ઇવીએમના હેકિંગ સહિત શુજાના તમામ દાવા અને આક્ષેપો ‘કહતે ભી દિવાને ઓર સુનતે ભી દિવાને’ જેવી પરિસ્થિતિ છે. શુજાએ યુકેમાં બ્રેક્ઝિટ રેફરન્ડમમાં પણ ગેરરીતિ આચરાયાનો આક્ષેપ કર્યો છે, જ્યાં બેલેટ પેપરનો જ ઉપયોગ કરાયો હતો. યુકેમાં પરિણામો આવતાં બે દિવસ લાગ્યા હતા અને ભારત જેવા વિશાળ દેશમાં ફરી બેલેટ પેપરનો ઉપયોગ કરાય તો પરિણામો આવતા કેટલા દિવસ લાગે તેની કલ્પના પણ કરી શકાય નહિ.
બીજી તરફ, આ વિવાદ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સ્પષ્ટ કરી દીધું છે કે આપણે બેલેટ પેપરની રીતરસમ અપનાવી જૂના યુગમાં જવા માગતા નથી તેમજ ઈવીએમ અને વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપેટ) સિસ્ટમનો ઉપયોગ ચાલુ રાખવામાં આવશે. પંચે સ્પષ્ટતા કરી છે કે ઈવીએમ મશીનમાં કોઈ કોમ્યુનિકેશન મોડયુલ હોતું જ ન હોવાથી કે તેને વાયરલેસ કે રિમોટ દ્વારા હેક કરી શકાય અને મશીનમાં કોઈ પ્રકારની છેડછાડ શક્ય જ નથી. ઉલ્લેખનીય છે કે ઈલેક્શન કમિશને દિલ્હી પોલીસને પત્ર પાઠવી આ મુદ્દે તપાસ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં આગળ વધવા જણાવ્યું છે.
લંડનમાં હેકાથોન કાર્યક્રમમાં શુજાએ પોતે ઇવીએમ ડિઝાઇન ટીમનો સભ્ય હોવાનો, ભાજપના નેતા ગોપીનાથ મૂંડેને વોટિંગ મશીનના હેકિંગની જાણકારી હોવાથી તેમની હત્યા કરાયાનો, ઇવીએમ હેકિંગમાં રિલાયન્સ કોમ્યુનિકેશનની ભાજપને સીધી મદદ મળી હોવાના આક્ષેપો અને દાવાઓ કર્યા હતા. મજાની વાત એ છે કે તેની ટીમની સક્રિયતાના કારણે જ ભાજપ ગેરરીતિઓ આચરી ન શક્યો અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓ ગુમાવવી પડી તેમજ દિલ્હી ચૂંટણીમાં પણ ઈવીએમ હેકિંગના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાનો દાવો પણ શુજાએ કર્યો હતો. તેના કહેવા અનુસાર તો સપા, બસપા અને આમ આદમી પાર્ટી સહિત ૧૨ રાજકીય પક્ષોએ ઈવીએમ હેક થઈ શકે કે નહિ તે જાણવા તેનો સંપર્ક કર્યો હતો.
કહેવાતા સાયબર એક્સપર્ટ શુજાના તમામ દાવા - આરોપો પોકળ સાબિત થયા છે કારણ કે તેણે ઈવીએમથી હેકિંગ કઇ રીતે થઇ શકે તેનું ડેમોન્સ્ટ્રેશન પણ નથી આપ્યું કે ઈવીએમ ઉત્પાદક કંપનીમાં નોકરી સંબંધિત દસ્તાવેજો રજૂ પણ કર્યા નથી. એટલું જ નહિ, તેણે ઓળખ છૂપાવવા વીડિયો કોન્ફરન્સિંગમાં પણ નકાબ પહેરી ચહેરાને ઢાંક્યો હતો.
કાર્યક્રમના આયોજકોએ પણ આક્ષેપોથી હાથ ખંખેરી લીધાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સહિત ભારતના અન્ય રાજકીય પક્ષોને પણ લંડનના કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ અપાયું હતું. જેમાં ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ જ ઉપસ્થિત હતા અને તેમણે વ્યક્તિગત આમંત્રણથી જ હાજર રહ્યાનો ખુલાસો કર્યો છે.
હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ભારતીય ચૂંટણી પંચે ચૂંટણીઓને વધુ પારદર્શી અને તટસ્થ બનાવવા ઈવીએમની સાથે વોટર વીવીપેટ સિસ્ટમનો ઉપયોગ વધારી દીધો છે, જેથી અન્ય ગેરરીતિઓ પણ ડામી શકાય.
