કોંગ્રેસ પાર્ટી જેની વર્ષોથી રાહ જોતી હતી તે હવે થઈને રહ્યું છે. આખરે ‘પ્રિયદર્શિની’ ઈન્દિરા ગાંધીની છબી દેખાતી હોવાનો પોકાર કરાતો હતો તે પ્રિયંકા ગાંધી વાડ્રાનો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ કોંગ્રેસના મહાસચિવ તરીકે પદાભિષેક કરાયો છે અને કોંગ્રેસજનો દ્વારા તો તેને માસ્ટર સ્ટ્રોક તરીકે જાહેર કરાઈ રહ્યો છે. જોકે, ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના અખિલેશ યાદવે ગઠબંધન સાધી કોંગ્રેસને બાકાત રાખ્યા પછી મૂંઝાયેલી કોંગ્રેસને એકલે હાથે ચૂંટણીમાં ઝંપલાવવાની ફરજ પડી છે ત્યારે નવી રણનીતિના ભાગરૂપે જ પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કરાવાયો છે. આને તો માસ્ટર સ્ટ્રોક કરતાં મજબૂરી વધુ કહી શકાય.
પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં ન હોવા છતાં તેમનો ચાહક વર્ગ વિશાળ છે. ઇન્દિરા ગાંધીના પ્રશંસકોના બહોળા વર્ગને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની ઝલક દેખાતી હોવાથી ઘણાં નેતાઓ લાંબા સમયથી તેમને રાજકારણના મેદાનમાં ઉતારવાનો આગ્રહ કરતા હતા. હિન્દી પટ્ટાના ત્રણ મહત્ત્વના રાજ્યોમાં સરકાર રચ્યા બાદ બુલંદ આત્મવિશ્વાસ ધરાવતી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખે છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ફોઈ-ભત્રીજાની જોડીએ કોંગ્રેસને જરા પણ કોઠું ન આપતાં મોડે મોડે પણ પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે કારણ કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ અને સંગઠન અત્યંત નબળાં છે.
યુપીએના અધ્યક્ષા અને કોંગ્રેસના વડેરાં સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બન્યો છે ત્યારે એક વાત તો નિશ્ચિત છે કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે મોટું શસ્ત્ર બની રહેશે. પ્રિયંકા માટે કોંગ્રેસ પરિવાર છે અને રાજનીતિ તેમના લોહીમાં વહે છે. માતા સોનિયા અને ભાઈ રાહુલના મતક્ષેત્રો રાયબરેલી અને અમેઠીમાં પ્રિયંકા સતત કાર્યરત રહે છે, ચૂંટણીપ્રચારમાં સામેલ થવા દરમિયાન તેઓ દાદી ઈન્દિરાની માફક જ મતદારો સાથે સીધો સંપર્ક રાખે છે. આ ઉપરાંત, પાર્ટીની રણનીતિના ઘડતર અને અમલમાં પણ પડદા પાછળની ગતિવિધિઓમાં તેમનો મોટો ફાળો રહેલો છે. અત્યાર સુધી ભારે દબાણોને અવગણીને અને બાળકોનાં ઉછેરનો હવાલો આપીને પ્રિયંકા રાજકારણથી અળગાં રહ્યાં હતાં.
પ્રિયંકાનું સક્રિય રાજનીતિમાં આગમન લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવવામાં કોંગ્રેસ માટે નિર્ણાયક બની રહેશે કે કેમ એ તો પરિણામો જ દર્શાવશે, પરંતુ હકીકત એ પણ છે કે સક્રિય રાજકારણમાં તેમનાં પ્રવેશથી કોંગ્રેસના કાર્યકરોમાં ઊર્જાનો નવસંચાર થયો છે અને ઉત્તર પ્રદેશની ૮૦ બેઠક એકલા હાથે જીતવાનો અશક્ય હુંકાર પણ થવા લાગ્યો છે. સપા-બસપાએ જોડાણકાર્ડ ખોલ્યાં પછી જ પ્રિયંકા ગાંધીનું કાર્ડ ખેલવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણીનું દૃશ્ય ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. લોકસભાની સૌથી વધુ ૮૦ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં તો નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડી સામે ભાઈ-બહેન, ફોઈ-ભત્રીજાની જોડીઓની ટક્કર નિશ્ચિત છે, જેના મત વધુ કપાશે તેને નુકસાન થશે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસના યુદ્ધમાં અત્યાર સુધી કાચા પડેલા રાહુલ ગાંધીની ઈમેજ હવે ‘પપ્પુ’ની રહી નથી. તેમની ઈમેજ બિલ્ડિંગમાં પ્રિયંકા ગાંધીની મહેનત હોવાની પણ ચર્ચા છે. જોકે, તેમને સગાંવાદ, પરિવારવાદનો મુદ્દો અવશ્ય નડશે. મોરાદાબાદના બિઝનેસમેન અને પતિ રોબર્ટ વાડ્રા સામે જમીનો સહિત અનેક મુદ્દે ગેરરીતિનાં આક્ષેપોનો પણ પ્રિયંકાએ સામનો કરવાનો થશે. આ બધા મુદ્દા છતાં પ્રિયંકા ગાંધીનું આગમન લોકસભા ચૂંટણીને ભારે રસપ્રદ બનાવશે તે નિશ્ચિત છે.
