તા.૨૪ ફેબ્રુઆરીને રવિવારે ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સંચાલિત ગુજરાતી શાળાના ‘વાલી દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં ૩૦ કરતાં વધુ સમયથી GHS પ્રેસ્ટનબાળકોને માતૃભાષા શીખવાડે છે. બાળકોને ગુજરાતી શીખવવા પાછળ બે કારણ છે. એક તો તેઓ પોતાની માતૃભાષા શીખી શકે અને બીજું તેઓ આપણી સંસ્કૃતિ અને ધર્મ વિશે પણ વાકેફ થાય. આટલાં વર્ષોમાં હજારો બાળકો ગુજરાતી શીખ્યા છે. GHSદ્વારા જણાવાયું હતું કે GCSE પરીક્ષામાં ૬૦૦થી વધુ બાળકો બેઠા હતા અને પાસ થયા હતા. છ વર્ષની વયથી બાળકો ગુજરાતી શાળામાં આવે છે અને ૧૩ વર્ષની ઉંમર સુધીમાં તેઓ GCSE પૂર્ણ કરે છે. ગયા વર્ષે ૧૬ બાળકોએ GCSE પરીક્ષા આપી હતી અને તે તમામ ‘એ’ ગ્રેડ સાથે પાસ થયા હતા. વાલી દિને બાળકોએ તેઓ ગુજરાતી શાળામાં શું શીખ્યા તેના વિશે કાર્યક્રમ આપ્યો હતો. તેમને તેમની સિદ્ધિ બદલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
GHSપ્રેસ્ટનના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ પોતાના સંબોધનમાં આપણી માતૃભાષા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો અને પોતાના બાળકોને ગુજરાતી અને આપણી સંસ્કૃતિ શીખવા માટે ગુજરાતી શાળામાં લાવવા બદલ તમામ વાલીઓની પ્રશંસા કરી હતી. બાળકોને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ શીખવાડવામાં ટીચરોએ કરેલા અથાગ પરીશ્રમને પણ તેમણે બીરદાવ્યો હતો. આ પ્રસંગે ૨૦ વર્ષ સુધી ગુજરાતી ટીચર તરીકે ફરજ બજાવ્યા બાદ રીટાયર થઈ રહેલા નયનાબેન પટેલને સન્માન પત્ર અપાયું હતું.
વાલીદિને વાલીઓ પોતાના બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ મેળવવા ટીચર્સને મળ્યા હતા. કાર્યક્રમના અંતે સૌને ચા - નાસ્તો અપાયો હતો.
ગુજરાતી શાળાની વધુ માહિતી માટે 01772 253 901 પર ફોન કરવા અથવા [email protected] પર ઈમેલ કરવા વિનંતી.

