વૈશ્વિક બિઝનેસ વ્યક્તિત્વોની વાત કરીએ ત્યારે આપણી નજર સમક્ષ વોરેન બફેટ, બિલ ગેટ્સ અને રિચાર્ડ બ્રાન્સન દૃશ્યમાન થાય છે. આપણી કોમ્યુનિટીઓમાંથી પણ અનેક મહાનુભાવો એવા છે, જેમને તેમના અથાગ પ્રયાસો અને બહુલક્ષી સેવા માટે યાદ કરી સલામ કરવી પડે. સમગ્ર બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતવંશી કેન્યનોની સંખ્યા અંદાજે ૧૩૦,૦૦૦ છે. તેમાંના અડધાથી વધુ તો લંડનમાં સ્થાયી થયાં છે. ૧૩,૦૦૦ અને ૯,૦૦૦ લોકો અનુક્રમે ઈસ્ટ મિડલેન્ડ્સ અને ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં સ્થાયી થયેલા છે.
બહુમતી ભારતવંશી કેન્યનો સાંઈઠના દાયકાના ઉત્તરાર્ધમાં દિલમાં મોટી આશાઓ અને આંખમાં સ્વપ્નાઓ આંજી ઉતાવળમાં યુકે આવી પહોંચ્યા હતા અને તેમની પાસે તો ૧૦ પાઉન્ડથી પણ ઓછી રકમ હતી. આજે તો તેમાંના કેટલાકે લાખો પાઉન્ડના મૂલ્યના બિઝનેસ સામ્રાજ્યો સ્થાપ્યા છે તથા યુકે ભારત અને કેન્યામાં ચેરિટી સંસ્થાઓ દ્વારા પરોપકાર, કોમ્યુનિટીની સેવા તેમજ યુકેના જાહેર જીવનમાં સક્રિયપણે સંકળાયેલા છે.
કેન્યાના સૌથી સફળ સાહસવીરો મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રીકલ્ચર, ICT, રીટેઈલ, મીડિયા, મનોરંજન સહિતના વિવિધ ક્ષેત્રો અને ઊદ્યોગો સાથે સંકળાયેલા છે.
આજે ત્રીજી અને ચોથી પેઢીએ આ ‘ગોલ્ડન જ્યુબિલી ઓફ કેન્યા એક્સોડસ-સ્પેશિયલ એડિશન’માં વણી લેવાનારી કથાઓથી પ્રેરણા પામવાની છે. નજર સામે અપાર અવરોધો હોય ત્યારે પણ અલ્પ સાધનો છતાં મહેચ્છાઓ અને માનવ સ્વભાવમાં ધીરજ-ધગશ દ્વારા વિજયનું નિરૂપણ આ કથાઓ અને અનુભવો કરશે.
આ ‘સ્પેશિયલ મેગેઝિન’ તે કપરાં સમયના સારાં, ખરાબ અને કદરુપા અનુભવોનો સાર વર્ણવાશે. તેનાથી આપણી વર્તમાન પેઢીને કેન્યાનો ઈતિહાસ તેમજ સંસ્થાનવાદી કાળ, સ્વતંત્રતા પહેલા અને પછીના સમયમાં બિઝનેસીસને આકાર આપતી ઘટનાઓ વિશે જ્ઞાન પ્રાપ્ત થશે. કેન્યા-યુગાન્ડા રેલવેના નિર્માણથી માંડી ૧૯૫૨માં ઈમર્જન્સીનો કાળ, માઉ માઉ લડવૈયાઓનું દમન, કોફીમાં તેજીનો કાળ અને ૧૯૬૦ના દાયકામાં આફ્રિકીકરણના વાયરાથી માંડી ૧૯૮૦ના દાયકામાં રાજકીય ભ્રષ્ટાચાર, ૧૯૯૦ના દાયકામાં કેન્યાના અર્થતંત્રની પડતી તથા ૨૦૦૦ના દાયકામાં જણાયેલી ધૂંધળી આશા વિશે તેમાં જાણવા મળશે.
સૌથી વધુ મહત્ત્વ તો એ બાબતનું છે કે તેમના બાપ, દાદાઓએ ગત પાંચ દાયકામાં કેવી જીવનયાત્રા કરી, આજે જ્યાં છે તે મુકામે કેવી રીતે પહોંચ્યા, સમગ્ર યાત્રા દરમિયાન કઠણાઈઓ, જોખમો અને પડકારોનો સામનો કરી તેઓએ કેવી રીતે લાખોની કમાણી કરી. આ બધી વાતો આપણને આપણા બાળકો, ગ્રાન્ડચિલ્ડ્રન્સ અને તેથી પણ આગળની પેઢીઓ સાથે
સંવાદ સાધવાની તેમજ પ્રેરણા આપવાની અભૂતપૂર્વ તક પૂરી પાડશે તેમાં કોઈ શંકા નથી.
ડો. ડાક પટેલ FCCA હૈનોલ્ટ, એસેક્સ

