વિજ્ઞાનીઓએ હાથ ધરેલા સંશોધનના તારણ મુજબ બાળકની આંગળીઓની લંબાઈ અને તેમના અવાજની પુખ્તતા વચ્ચે સીધો સંબંધ છે. બાળકની અનામિકા આંગળી કરતાં તર્જની (અંગુઠા પછીની આંગળી)ની લંબાઈ વધુ હોય તો તેનો સ્વર ઊંચો હોય છે. બાળકની તર્જની આંગળીનું કદ અનામિકા આંગળી કરતાં મોટું હોય તો જેમ જેમ બાળકનો વિકાસ થાય છે તેમ તેમ તેનો અવાજ કે સ્વર ઊંચો રહેવાની સંભાવના વધી જાય છે. ગર્ભાવસ્થા સમયમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઊણપ હોવાના સંજોગોમાં આંગળીની લંબાઈ અને અવાજ વચ્ચે આ જોડાણ થતું હોય છે. ટેસ્ટોસ્ટેરોન તે જીવનનાં આરંભિક કાળમાં થતા વિકાસ માટે જવાબદાર છે. કિશોરાવસ્થા સુધીમાં અવાજના થતાં વિકાસ સાથે પણ આ હોર્મોનને સંબંધ છે. સસેક્સ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધન દરમિયાન ચાર માસના અને પાંચ વર્ષના બાળકોના અવાજના સ્વરને માપવામાં આવ્યા હતા. આ બાળકોના અવાજ અને આંગળીનાં કદ વચ્ચે સંબંધ છે કે નહીં તે ચકાસવા માટે આંગળીઓનાં કદ, અવાજને વિવિધ પ્રસંગે માપવામાં આવ્યા હતા. સંશોધકોના ધ્યાને આવ્યું હતું કે અનામિકાને મુકાબલે તર્જની આંગળી લાંબી હોય તો બાળકનો અવાજ કે સ્વર ઊંચો હોય છે.
અવાજનો સીધો સંબંધ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સાથે
કિશોર કે કિશોરીઓના કિસ્સામાં આ હકીકત સમાનપણે લાગુ પડે છે. અવાજના ઊંચા કે નીચા સ્વર પરથી સાંભળનાર વ્યક્તિ બોલનાર વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ તે પારખી શકતો હોય છે. અવાજ બાળકનો છે કે પુખ્તનો તે પણ પારખી શકાતું હોય છે. બાળકની આંગળી અને તેના અવાજના સ્વર વચ્ચેનો આ સંબંધ ગર્ભાવસ્થામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના પ્રમાણને આભારી હોય છે. ભૂતકાળમાં થયેલા અભ્યાસ દરમિયાન ટેસ્ટોસ્ટેરોનનું ઊંચુ પ્રમાણ ધરાવનારા પુરુષના કિસ્સામાં અનામિકા આંગળીની લંબાઈ વધુ હોય છે. ખાસ કરીને કિશોર અવસ્થામાં બદલાતા અવાજ વખતે આંગળીની લંબાઈ અને અવાજના સ્વર વચ્ચેનો આ સંબંધ બહાર આવતો હોય છે. બાળક નાનું હોય ત્યારે આ સંબંધ સ્થપાતો નથી.

