દરરોજ એક નારંગી અંધાપાનું જોખમ ઘટાડે છે

Wednesday 27th February 2019 05:57 EST
 
 

દિવસ દરમિયાન એક નારંગી આરોગવાથી અંધાપાના સામાન્ય કારણોનું નિવારણ થતું હોય છે. નવા સંશોધનોના તારણ મુજબ, સાઇટ્રસ ધરાવતું આ ફળ દિવસમાં એક વાર આરોગવાથી ઉંમર સંબંધી દૃષ્ટિની ખામીઓને ૬૦ ટકા નિયંત્રણમાં રાખે છે. સિડની યુનિવર્સિટીની મુખ્ય સંશોધક પ્રોફેસર બામિની ગોપીનાથનું કહેવું છે કે ડેટા દર્શાવે છે કે નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ તત્ત્વ રોગોથી બચાવ કરે છે. ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ અંધાપા સામે શા માટે રક્ષણ આપે છે તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું.
ભૂતકાળમાં વિટામિન સી, ઇ અને એ ધરાવતા પોષક દ્રવ્યોના ચક્ષુ પરના પ્રભાવ વિશે અભ્યાસ થઈ ચૂક્યા છે. જોકે પ્રોફેસર ગોપીનાથે નવા અભિગમ સાથે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધકે ફ્લેવોનોઈડ અને અંધાપા વચ્ચેના સંબંધ વિશે સંશોધન હાથ ધર્યું હતું. તેમનું કહેવું છે કે ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાંથી ઉપલબ્ધ રહે છે. તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

અભ્યાસનું તારણ
સંશોધકોએ સરેરાશ ૪૯ વર્ષની વય ધરાવતા ૨,૦૩૭ વયસ્કો પર ૧૫ વર્ષ સુધી અભ્યાસ કરીને આ તારણો આપ્યા છે. સંશોધનમાં ભાગ લેનારાઓને પ્રશ્નાવલિ આપીને તેના જવાબ મેળવીને તેમની સમીક્ષા કરાતી હતી. તારણોમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય નાસ્તા અને ફળફળાદિ આરોગવાને મુકાબલે નારંગી આરોગવાથી વય સંબંધિત અંધાપા (એએમડી)થી વ્યક્તિનો બચાવ થાય છે.
પ્રોફેસર ગોપીનાથનું તો ત્યાં સુધી કહેવું છે કે અઠવાડિયામાં એક વાર એક નારંગી આરોગવાથી પણ સ્વાસ્થ્યને લાભ થાય છે. સંશોધકો હવે અંધાપા કે આંખનાં રોગો માટે કયા જિનેટિક કે પર્યાવરણીય કારણો જવાબદાર છે તે અંગે પણ સંશોધન કરવાના છે.


comments powered by Disqus